રાજસ્થાનમાં ચૂંટણી પછી ગુમ થઈ ગયેલા વસુંધરા રાજેના બદલાયા તેવર, અચાનક થયા એક્ટિવ
ચૂંટણી બાદ એકદમ શાંત થઈ ગયેલા વસુંધરા રાજે અચાનક સક્રિય ગયાં છે. વસું

ચૂંટણી બાદ એકદમ શાંત થઈ ગયેલા વસુંધરા રાજે અચાનક સક્રિય ગયાં છે. વસુંધરા રાજે એ સિક્કિમના રાજ્યપાલ ઓમ માથુરના અભિનંદન સમારોહમાં કહ્યું કે, લોકોને પિત્તળની લવિંગ મળી જાય, તો પોતાને મોટા બિઝનેસમેન સમજવા લાગે છે. ત્યારે પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે, આટલા સમયથી શાંત વસુંધરા અચાનક એક્ટિવ મોડમાં કેમ આવી ગયાં? આખરે તેમના આ બદલાયેલા તેવરનું કારણ શું છે?
રાજસ્થાનમાં વસુંધરા રાજે ભાજપ તરફથી મુખ્યમંત્રી પદ માટે મજબૂત દાવેદાર હતાં. પાર્ટીએ પહેલાં મુખ્યમંત્રીના ચહેરા વિના જ ચૂંટણી લડવાનું એલાન કર્યું હતું અને બાદમાં ભજનલાલ શર્માને સરકારની કમાન્ડ સોંપી દેવાઈ. આશરે 10 મહિના પહેલાં ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રી પદ માટે ભજનલાલ શર્માના નામનો પ્રસ્તાવ વસુંધરા રાજે જ મુક્યો હતો. ત્યારથી જ વસુંધરાની રાજકીય કારકિર્દીને લઈને અટકળોએ જોર પકડ્યું છે. જોકે, પૂર્વ મુખ્યમંત્રી જે ચૂંટણી બાદથી જ શાંત હતાં તે એકદમ જ સક્રિય થઈ ગયાં છે.
વસુંધરા રાજે રાજ્યપાલ ઓમ માથુરના સન્માનમાં આયોજિત અભિનંદન સમારોહમાં કહ્યું, 'ઓમ માથુર ભલે ગમે તેટલી ઊંચાઈએ પહોંચી ગયાં, પરંતુ તેમના પગ હંમેશા જમીન પર જ રહે છે. તેથી તેમના ચાહકો પણ અસંખ્ય છે. નહીંતર ઘણાં લોકોને પિત્તળની લવિંગ મળે તો મોટા વેપારી માનવા લાગે છે. ' વસુંધરાના આ નિવેદને ઘણી નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે. કોઈ આ નિવેદનને મુખ્યમંત્રી ભજનલાલ સાથે જોડીને જુએ છે તો કોઈ વિધાનસભામાં વિપક્ષ નેતા રહી ચુકેલા મદન રાઠોડ સાથે જોડે છે.
આ ટિપ્પણી કોના માટે હતી, તે તો વસુંધરાને જ જાણે છે. પરંતુ, વાત એ વિષય પર થઈ રહી છે કે, ચૂંટણી બાદ શાંત વસુંધરા એકદમથી તેવર કેમ બતાવે છે? રાજકીય વિશ્લેષકોના મતે, વસુંધરા રાજે રાજસ્થાન ભાજપનું પાવર સેન્ટર હતાં, પરંતુ છેલ્લાં એક વર્ષમાં જ પરિસ્થિતિ એવી બદલાઈ કે, તે હાંસિયામાં ધકેલાઈ ગયાં છે. સત્તા પરિવર્તનની અસરના પગલે, જે નેતા અને ધારાસભ્યો પહેલાં વસુંધરાની પરિક્રમા કરતાં જોવા મળતાં, તે હવે તેનાથી દૂરી બનાવી રહ્યાં છે. તેમનું આ નિવેદન નેતાઓના વ્યવહારમાં પોતાના માટે આવેલા બદલાવને લઈને નિરાશા જણાઈ રહી છે. સરકારમાં નહીં તો સંગઠનમાં અથવા કોઈ અન્ય જવાબદારી માટે તે તેવર બતાવે છે અને પોતાનો ગુમ થયેલો રાજકીય વૈભવ પાછો મેળવવાનો પ્રયત્ન કરે છે.
ઉંમરનું ફેક્ટર?
એક પાસું એ પણ છે કે, વસુંધરા રાજે 71 વર્ષનાં થઈ ચુક્યાં છે. ભાજપની અઘોષિત નીતિ 75 વર્ષથી વધારે ઉંમરના નેતાઓને ટિકિટ આપવાની બદલે માર્ગદર્શક મંડળમાં નાંખવાની રહી છે. રાજસ્થાનની આવનારી ચૂંટણી સુધી વસુંધરા ભાજપની સક્રિય રાજનીતિમાંથી નિવૃત્તિની આ ઉંમર સુધી પહોંચી જશે. વસુંધરા રાજેની સામે હવે સક્રિય રાજકારણમાં સુસંગત રહેવાના પડકારો છે.
દીકરાને સેટ કરવા?
વસુંધરા રાજેનો દીકરો દુષ્યંત પણ રાજનીતિમાં છે. દુષ્યંત ઝાલાવાડ-બારાં સીટ પરથી ચોથી વખત સાંસદ છે. ભાજપે જ્યારે મુખ્યમંત્રી માટે ભજનલાલ શર્માનું નામ આગળ કર્યું અને તેનો પ્રસ્તાવ વસુંધરા પાસેથી જ મુકાવ્યો, ત્યારે એવી વાતો થવા લાગી કે, પાર્ટીએ દુષ્યંતને લઈને જરૂર કોઈ મોટું આશ્વાસન આપ્યું હશે. વસુંધરાની રાજનીતિનો મિજાજ પણ એવો નથી જેનાથી માની લેવામાં આવે કે, તે સમર્પિત સિપાહીની જેમ હાઈ કમાન્ડનો દરેક નિર્ણય માની લે. લોકસભા ચૂંટણી બાદ કેન્દ્રમાં સતત ત્રીજીવાર મોદી સરકાર બની, પરંતુ દુષ્યંતને કંઈ મળ્યું નહીં. ચોથીવારના સાંસદ દુષ્યંત મોદી મંત્રીમંડળમાં પોતાની જગ્યા મેળવી શક્યા નહીં.
દુષ્યંતની ટિકિટ?
વસુંધરા રાજે સિંધિયાના તેવરની પાછળનું એક ફેક્ટર દુષ્યંતની લોકસભાની ટિકિટ પાક્કી રહે તેવું પણ માનવામાં આવે છે. દુષ્યંત ચાર વખતના સાંસદ છે અને હવે જ્યારે પાર્ટીએ વસુંધરાના પડછાયાથી બહાર નીકળવા માટે મોટા પગલાં લીધા છે, ત્યારે રાજેને ચિંતા થઈ રહી હશે કે, ક્યાંક ચોથીવાર એન્ટી ઇન્કમ્બન્સીના નામે પાર્ટી દુષ્યંતની ટિકિટ કાપી ન દે. ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીના દીકરા અને યુપીની પીલીભીત સીટથી સાંસદ રહેલા વરૂણ ગાંદીની ટિકિટ કાપી દીધી હતી.
લોકસભાના પરિણામમાં દેખાઈ આશાની કિરણ?
2014 અને 2019 ની લોકસભા ચૂંટણીમાં પોતાના દમ પર પૂર્ણ બહુમતના આંકડાને પાર કરનારી ભાજપ હાલ લોકસભાની ચૂંટણીમાં 240 સીટ જ જીતી શકી છે. બંને જ ચૂંટણીમાં રાજસ્થાનની તમામ સીટ જીતીને ક્લીન સ્વીપ કરનારી ભાજપને આ વખતે 11 સીટો પર હારનો સામનો કરવો પડ્યો છે. લોકસભા ચૂંટણીમાં પ્રદેશની સીટ પર પાર્ટીનું કમજોર પ્રદર્શન પણ વસુંધરા માટે એક સારી તક જણાવવામાં આવી રહી છે.








