ચંદ્રાબાબુ નાયડુએ ગુજરાતી એક્ટ્રેસને પ્યાદુ બનાવી જગન મોહનને ફસાવ્યો, જાણો શું છે સમગ્ર ઘટના
આંધ્ર પ્રદેશમાં અત્યારે મૂળ ગુજરાતી એક્ટ્રેસ કમ મોડલ કાદંબરી જેઠવાણીની સતામણીનો

આંધ્ર પ્રદેશમાં અત્યારે મૂળ ગુજરાતી એક્ટ્રેસ કમ મોડલ કાદંબરી જેઠવાણીની સતામણીનો મુદ્દો ગાજી રહ્યો છે. કોઇ થ્રીલરને ટક્કર મારે એવી ઘટનામાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી, ઉદ્યોગપતિ સજ્જન જિંદાલ, જગન પાર્ટીનો નેતા અને ફિલ્મ પ્રોડ્યુસર વિદ્યાસાગર રાવ, ત્રણ IPS અધિકારી સહિતના હાઇ પ્રોફાઇલ લોકો સામે પોલીસ ફરિયાદ નોધાઇ છે.કાદંબરીએ પોતાને વૃદ્ધ માતા-પિતા સાથે 45 દિવસ સુધી ગેરકાયદેસર રીતે જેલમાં ગોંધી રાખીને શારીરિક અને માનસિક અત્યાચાર ગુજારવા ઉપરાંત સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરાયું હોવાની ફરિયાદ નોંધાવી છે.
જગનનો બચાવ કરવા તેનું પોતાનું સાક્ષી મીડિયા હાઉસ અને બીજી ચેનલો કામે લાગી છે. એ લોકો કાદંબરી જેઠવાણીને ધનિકોને હની ટ્રેપમાં ફસાવીને બ્લેકમેઇલ કરનારી યુવતી ચિતરવા મચી પડ્યાં છે. બીજી તરફ કાદંબરીના બચાવમાં જગનની બહેન અને કોંગ્રેસની નેતા વાયએસ શર્મિલા મેદાનમાં આવી ગઇ છે. શર્મિલાએ સગા ભાઇ જગન પર ઉદ્યોગપતિ સજ્જન જિંદાલને બચાવવા માટે કાદંબરીને પરેશાન કર્યાનો આક્ષેપ મૂક્યો છે. આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ કાદંબરીની ફરિયાદમાં યોગ્ય તપાસ થાય એ માટે સ્પેશિયલ મહિલા ઓફિસરની નિમણૂક કરી તેના કારણે જગનની છાવણી ચંદ્રાબાબુ રાજકીય હિસાબ સરભર કરવા કાદંબરીનો પ્યાદા તરીકે ઉપયોગ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરી રહી છે. પોલીસ ફરિયાદ અને આક્ષેપો-પ્રતિ આક્ષેપોને કારણે કાદંબરી કેસ પોલીટિકલ કેસ બની ગયો છે.
કાદંબરીની ફરિયાદ પ્રમાણે, આ ઘટનાની શરૂઆત પોતે 2023ના ડિસેમ્બરમાં સજ્જન જિંદાલ સામે બળાત્કારની પોલીસ ફરિયાદ નોંધાવી ત્યારે થઇ હતી. કાદંબરીની ફરિયાદ હતી કે, જિંદાલની કંપનીના હેડક્વાર્ટરના પેન્ટહાઉસમાં 2022ના જાન્યુઆરીમાં તેનું સજ્જન જિંદાલે મોલેસ્ટેશન કર્યું હતું. મુંબઇ પોલીસે તેની ફરિયાદ ના લેતાં કાદંબરી કોર્ટમાં ગઇ, કોર્ટના આદેશના પગલે મુંબઇમાં બીકેસી પોલીસ સ્ટેશનમાં જિંદાલ સામે બળાત્કાર, મહિલા સાથે બળજબરી કરીને ગૌરવભંગ કરવાનો તથા ગુનાઇત કૃત્ય આચરવાનો કેસ નોંધાયો હતો.
આ કેસમાં 5 ફેબ્રુઆરી, 2024ના રોજ કાદંબરી કોર્ટમાં નિવેદન આપવાની હતી અને જિંદાલ સામે પુરાવા રજૂ કરવાની હતી પણ એ પહેલાં 2 ફેબ્રુઆરીએ વિજયવાડાના પોલીસ કમિશનર કાન્તિરાણા તાતા અને IPS વિશાલ ગુન્ની સહિત ત્રણ આઇપીએસ તથા બીજા બે ઇન્સ્પેક્ટર મળીને પાંચ પોલીસો મુંબઇમાં કાદંબરીના ઘરે આવ્યા અને તેનાં માતા-પિતા સાથે તેને ઉઠાવી ગયા હતા. પોલીસનો દાવો હતો કે, કુક્કલા વિદ્યાસાગર નામના વાયએસઆર કોંગ્રેસના નેતાએ કાદંબરી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હોવાની ધરપકડ કરાઇ છે.
આંધ્ર પોલીસે કાદંબરીનો આઇફોન અને આઇપેડ જપ્ત કરી લીધાં કે જેમાં સજ્જન જિંદાલ વિરૂદ્ધ પુરાવા હતા. કાદંબરીને માતા-પિતા સાથે વિજયવાડા લઇ જવાઇને કોર્ટમાં રજુ કરાઇ પણ આઇફોન કે આઇપેડ રજૂ ના કરાયાં. કોર્ટમાં પહેલેથી કરાયેલી ગોઠવણના કારણે રીમાન્ડ મંજૂર થઇ ગયા પછી ત્રણેયને 3 માર્ચ 2024થી 15 માર્ચ 2024 સુધી સળંગ 45 દિવસ વિજયવાડા જેલમાં રખાયાં.જેલમાં ત્રણેયને માનસિક અને શારીરિક ત્રાસ અપાતો. જેલમાં હોવાથી કાદંબરી મુંબઇમાં જિંદાલ સામેના રેપ કેસમાં હાજર ના થઇ શકી તેથી મુંબઇ પોલીસે જિંદાલને ક્લીનચીટ આપીને કેસ બંધ કરી દીધો.
કાદંબરીને જેલમાંથી મુક્ત કરાઇ પછી પણ વિજયવાડાના ઇબ્રાહીમપટનમમાં રહેવાની ફરજ પડાઇ હતી. એ દરમિયાન પોલીસનો ત્રાસ ચાલુ જ હતો ને વિદ્યાસાગર પણ ગંદી હરકતો કરતો. વિદ્યાસાગર અને તેનો દીકરો નગ્ન થઇને વીડિયો કોલ કરતા અને અશ્લીલ હરકતો કરતા એવો કાદંબરીનો આક્ષેપ છે. કાદંબરીએ તેના પુરાવા પણ રજૂ કર્યા છે.
આંધ્ર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીની સાથે જ વિધાનસભાની ચૂંટણી હતી. આ ચૂંટણીમાં જગન હારી ગયો ને ચંદ્રાબાબુ મુખ્યમંત્રી બન્યા પછી કાદંબરીનો પરિવાર સાથે છૂટકારો થયો. છોડતી વખતે પણ તેમની પાસે અલગ અલગ પ્રકારના પેપરો પર સહી કરાવી લેવાઇ હતી કે જેથી ભવિષ્યમાં કોઇ મુસીબત ઉભી ના થાય. કાદંબરી તથા તેનો પરિવાર એટલો ડરેલો હતો કે, કશું કર્યા વિના ચૂપચાપ મુંબઇ પાછો આવી ગયો.
ચંદ્રાબાબુની સરકારે જગન મોહનની સરકારના શાસનકાળમાં થયેલાં ખોટાં કામોમાં તપાસ શરૂ કરાવી પછી કાદંબરીની હિંમત આવી તેથી તેણે સરકારનો સંપર્ક કર્યો. ચંદ્રાબાબુના દીકરા નારા લોકેશે કાદંબરીને ન્યાયની ખાતરી આપીને સ્પેશિયલ ઓફિસરની નિમણૂક કરી પછી કાદંબરીએ વિજયવાડા આવીને પોલીસ સામે નિવેદન આપીને ફરિયાદ નોંધાવતાં જ રાજકીય રીતે મામલો ગરમ થઇ ગયો છે.
આ કેસમાં જગનના ટટ્ટુ જેવા વિદ્યાસાગરે કાદંબરી સામે નોંધાવેલી ફરિયાદમાં રજૂ કરેલા પુરાવા શંકાસ્પદ છે. કાદંબરી સામેની ફરિયાદ 2018ની હોવાનો દાવો કરાયો છે પણ તેમાં જે સરનામું છે એ ફ્લેટ કાદંબરીએ 2020માં ખરીદ્યો હતો. આંધ્ર પ્રદેશ પોલીસે નકલી દસ્તાવેજો બનાવ્યા હોવાનો કાદંબરીનો આક્ષેપ છે. સ્ટેમ્પ પેપર પણ 2023માં ખરીદાયો હતો તેથી કાદંબરી સામે ખોટો કેસ કરાયો હોવાના દાવામાં દમ છે.
આંધ્રમાં અત્યારે જગનના વિરોધી ચંદ્રાબાબુની સરકાર હોવાથી જગન માટે કપરા દાડા છે. અધૂરામાં પૂરું જગન સામે તેની સગી બહેન શર્મિલા જ પડી છે. સજ્જન જિંદાલ આંધ્રના કડપ્પામાં 8850 કરોડ રૂપિયાનો સ્ટીલ પ્લાન્ટ નાંખવાના હતા પણ તેના ખાતમૂહુર્ત સિવાય કશું થયું નહીંને જગને જિંદાલને 3600 એકર જમાીન પાણીના ભાવે આપીને સરકારને અબજોનો ચૂનો લગાડી દીધો એવો આક્ષેપ શર્મિલાએ કર્યો છે. જિંદાલ અને જગન પ્રોજેક્ટ આગળ વધારવાની મીટિંગના બહાને કાદંબરીને ઠેકાણે પાડવાનાં કાવતરાં કરતા હતા એવો પણ શર્મિલાનો આક્ષેપ છે.
કોણ છે કાદંબરી જેઠવાણી?
કાદંબરી જેઠવાણી મૂળ ગુજરાતી અને અમદાવાદમાં સિંધી પરિવારમાં જન્મેલી છે. કાદંબરીના પિતા નરેન્દ્રકુમાર મર્ચન્ટ નેવી ઓફિસર હતા જ્યારે માતા આશાબેન રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં મેનેજર હતાં.
કાદંબરી ક્વોલિફાઇડ મેડિકલ ડૉક્ટર છે પણ એક્ટિંગમાં રસ હોવાથી ફિલ્મોમાં આવી હતી.
કાદંબરીએ ક્લાસિકલ અને વેસ્ટર્ન ડાન્સની તાલીમ લીધી છે. ફિલ્મોમાં આવતાં પહેલાં કાદંબરી ઘણી બ્યુટી કન્ટેસ્ટ જીતી ચૂકી છે. 2011માં આવેલી સાડ્ડા અડ્ડા કાદંબરીની પહેલી ફિલ્મ હતી. કાદંબરીએ એ પછી મલયાલમ, તેલુગુ, પંજાબી ભાષાની ગણીગાંઠી ફિલ્મોમાં કામ કર્યું છે.








