મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ચંપાઇ સોરેન 30 ઓગસ્ટે ભાજપમાં સામેલ થશે, અમિત શાહ સાથે મુલાકાત બાદ નિર્ણય

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઇ સોરેન ભાજપમાં સામેલ થશે. છેલ્લા કેટલાક દિવસોથી અટકળો લાગી રહી હતી કે તે ભાજપમાં સામેલ થશે

ચંપાઇ સોરેન 30 ઓગસ્ટે ભાજપમાં સામેલ થશે, અમિત શાહ સાથે મુલાકાત બાદ નિર્ણય

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઇ સોરેન ભાજપમાં સામેલ થશે. છેલ્લા કેટલાક દિવસોથી અટકળો લાગી રહી હતી કે તે ભાજપમાં સામેલ થશે તેના પર અંતિમ મોહર લાગી ગઇ છે. ચંપાઇ સોરેન 30 ઓગસ્ટે ભાજપમાં સામેલ થશે. ચંપાઇ સોરેને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ વાતની જાણકારી આપી છે.

દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત બાદ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઇ સોરેને ભાજપમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે ચંપાઇ સોરેને તાજેતરમાં જ પોતાના નવા રાજકીય પક્ષની જાહેરાત કરી હતી.

ચંપાઇ સોરેનને Z પ્લસ સુરક્ષા

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને 29 ઓગસ્ટે કેબિનેટની બેઠક બોલાવી છે. કહેવામાં આવે છે કે 28 ઓગસ્ટે તે ચાઇબાસામાં મુખ્યમંત્રી મંઇયા યોજનાની લાભાર્થી મહિલાઓને સમ્માન રાશી આપશે. આ દિવસે ચંપાઇ સોરેન JMMના સભ્ય પદ અને હેમંત સોરેનના મંત્રી મંડળમાંથી રાજીનામું આપશે. અમિત શાહ સાથે મુલાકાત બાદ ચંપાઇ સોરેનને ઝેડ પ્લસ સુરક્ષા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  દિલ્હીથી પરત ફર્યા બાદ તેમને નવુ સુરક્ષા કવચ આપવામાં આવશે. 

ચંપાઇ સોરેનથી ભાજપને થશે ફાયદો

ભાજપ આવતા વર્ષે ઝારખંડમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં જીત માટે કોઇ કસર છોડવા માંગતુ નથી. ભાજપની નજર આદિવાસી મતદારો પર છે. પાર્ટીના ચૂંટણી સુપરવાઇઝર અને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાની પણ નજર પાર્ટીમાં ખુણા પર ધકેલી દેવાયેલા આદિવાસી નેતાઓ પર છે. તે તમામ આદિવાસી નેતાઓને મળી રહ્યાં છે.

JMMના સંસ્થાપક સભ્યમાંથી એક હતા ચંપાઇ સોરેન

30 ઓગસ્ટ બાદ ચંપાઇ સોરેનનો ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM) સાથે આશરે પાંચ દાયકા જૂનો સંબંધ તૂટી જશે. ચંપાઇ સોરેન 10માં ધોરણના અભ્યાસ દરમિયાન શિબુ સોરેનના અલગ ઝારખંડ રાજ્ય આંદોલન સાથે જોડાઇ ગયા હતા. ચંપાઇ સોરેન પાંચ દાયકા સુધી JMM પ્રમુખ શિબુ સોરેન અને હેમંત સોરેનના ખાસ રહ્યાં છે. ચંપાઇ સોરેન JMM સંસ્થાપકના સભ્યમાંથી એક છે. ચંપાઇ સોરેન વર્ષ 1991માં પ્રથમ વખત બિહાર વિધાનસભા પેટા ચૂંટણીમાં સરાયકેલાથી અપક્ષ ધારાસભ્ય ચૂંટાયા હતા.

આ સમાચાર શેર કરો