SIR પર સંસદમાં ચર્ચાનો પડકાર, કોંગ્રેસે અમિત શાહ પાસે કરી 2 મોટી માગ

ચૂંટણી યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) મુદ્દે સંસદના વિશેષ સત્રમાં ચર્ચા કરવાના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પડકારનો કોંગ્રેસે મંગળવારે જવાબ આપ્યો હતો. કોંગ્રેસે માગ કરી હતી કે ચર્ચા પહેલાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારનું રાજીનામું લેવામાં આવે અને SIRની પ્રક્રિયા સ્થગિત કરવામાં આવે.
કોંગ્રેસના મહાસચિવ અને સંચાર વિભાગના પ્રભારી જયરામ રમેશે કહ્યું હતું કે જો અમિત શાહ સંસદમાં ચર્ચા કરવા અંગે ખરેખર ગંભીર હોય, તો તેમણે પહેલાં જ્ઞાનેશ કુમારનું રાજીનામું અપાવવું જોઈએ. રમેશે મુખ્ય ચૂંટણી કમિશનરને ગૃહમંત્રીના 'ખાસ માણસ' ગણાવ્યા હતા.
રમેશે સરકાર પાસે સીમાંકન (Delimitation) અંગેના પ્રસ્તાવો વિપક્ષ સાથે અગાઉથી વહેંચવાની પણ માગ કરી હતી. આ ઉપરાંત આ મુદ્દે ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવવાની માગ પણ કરી હતી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની એક પોસ્ટમાં કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે સંસદનું ચોમાસુ સત્ર અનિશ્ચિત સમય માટે સ્થગિત થયાને 82 દિવસ વીતી ગયા છે, તેમ છતાં સત્રને હજુ સુધી ઔપચારિક રીતે સમાપ્ત કરવામાં આવ્યું નથી.
ભાજપ 2029ની ચૂંટણીમાં સંભવિત રાજકીય નુકસાન...
તેમણે આરોપ લગાવ્યો હતો કે અમિત શાહ લોકસભામાં 'અતિશય દૂષિત બે તૃતીયાંશ બહુમતી'ના સહારે સીમાંકન સંબંધિત બિલ પસાર કરવા માટે વિશેષ સત્ર બોલાવવાની શક્યતા ખુલ્લી રાખી રહ્યા છે. પ્રસ્તાવિત બિલોની વિગતો હજુ જાહેર થઈ નથી, પરંતુ તેનો હેતુ સ્પષ્ટ હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમના દાવા મુજબ, ભાજપ 2029ની લોકસભા ચૂંટણીમાં સંભવિત રાજકીય નુકસાન ટાળવા માટે આ પગલું ભરી રહી છે.
અમિત શાહ પર નિશાન સાધતાં રમેશે કહ્યું હતું કે ચોમાસુ સત્ર દરમિયાન જ્યારે વિપક્ષે SIR મુદ્દે ચર્ચાની માગ કરી હતી, ત્યારે ગૃહમંત્રીએ ચર્ચા કરવાની મંજૂરી આપી નહોતી. તે સમયે તેમનું કહેવું હતું કે આ પ્રક્રિયા ચૂંટણી પંચના કાર્યક્ષેત્રમાં આવે છે.
"ગૃહમંત્રી હવે 'વોટ ચોરી' પર ચર્ચા કરવા માટે વિશેષ સત્ર બોલાવવા તૈયાર"
રમેશે કટાક્ષ કરતાં કહ્યું હતું કે, "બીજી તરફ, પોતાને ચાણક્ય ગણાવતા અને બડાઈ તથા મોટી-મોટી વાતો કરવામાં માહેર ગૃહમંત્રી હવે 'વોટ ચોરી' પર ચર્ચા કરવા માટે વિશેષ સત્ર બોલાવવા તૈયાર હોવાનો દાવો કરી રહ્યા છે." તેમણે સીમાંકનના પ્રસ્તાવો અંગે અમિત શાહને સવાલ કર્યો હતો કે, "આ પ્રસ્તાવો પર વિગતવાર ચર્ચા કરવા માટે તેઓ સર્વપક્ષીય બેઠક બોલાવવાની હિંમત કેમ નથી કરતા?"
કોંગ્રેસની આ પ્રતિક્રિયા અમિત શાહે એક દિવસ પહેલાં રાહુલ ગાંધીને સંસદમાં ચૂંટણીલક્ષી ગેરરીતિઓના આરોપો, જેમાં SIR અને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)નો મુદ્દો પણ સામેલ છે, તેના પર ચર્ચા કરવાનો પડકાર આપ્યા બાદ આવી છે.
હૈદરાબાદમાં ભાજપની 'લોકશાહી બચાવો, અરાજકતા હટાવો' પદયાત્રાને સંબોધિત કરતાં અમિત શાહે કહ્યું હતું કે સરકાર સંસદનું વિશેષ સત્ર બોલાવવા તૈયાર છે અને રાહુલ ગાંધીએ તેમાં ભાગ લઈને ચર્ચા કરવી જોઈએ.
દિલ્હીમાં રવિવારે યોજાયેલી INDIA ગઠબંધનની રેલીને 'ઘૂસણખોરોને બચાવવાની રેલી' ગણાવીને શાહે EVM અંગે કોંગ્રેસના આરોપો પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે પૂછ્યું હતું કે જો EVMમાં ખામી હોય તો કોંગ્રેસે તેલંગાણા સહિતનાં રાજ્યોમાં સરકાર કેવી રીતે બનાવી?
કોંગ્રેસ SIRની પ્રક્રિયા અટકાવવાનો પ્રયાસ કરી રહી છે: શાહ
શાહે એવો પણ આરોપ લગાવ્યો હતો કે બાંગ્લાદેશી ઘૂસણખોરોના નામ મતદાર યાદીમાં હોવાના કારણે કોંગ્રેસ SIRની પ્રક્રિયા અટકાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે ભાજપ આવા દરેક ઘૂસણખોરને મતદાર યાદીમાંથી દૂર કરશે. વધુમાં અમિત શાહે કહ્યું હતું કે સંસદમાં ચર્ચા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસને 'ટુકડે-ટુકડા કરી નાખશે'. તેમણે વિપક્ષી પાર્ટી પર 'અરાજકતા'ના માધ્યમથી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.















