કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી પહેલાં મોટી ભેટ? 64% સુધી પહોંચી શકે છે DA , જાણો 18 હજારના બેઝિક પર કેટલો થશે ફાયદો

કેન્દ્રીય કર્મચારીઓ માટે દિવાળી પહેલાં મોટા સમાચાર આવી શકે છે. કર્મચારીઓ હાલમાં બે મહત્વપૂર્ણ બાબતોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એક તરફ 8મું પગાર પંચ (8th Pay Commission) અને બીજી તરફ જુલાઈ 2026 માટે મોંઘવારી ભથ્થા (DA Hike)માં થનારો વધારો છે. હાલ કેન્દ્રીય કર્મચારીઓને 60 ટકા ડીએ મળી રહ્યું છે. હવે જુલાઈ માટે તેમાં 3થી 4 ટકાનો વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો 4 ટકાનો વધારો થાય તો ડીએ વધીને 64 ટકા થઈ શકે છે.
જાન્યુઆરીમાં 2 ટકા વધ્યું હતું DA
કેન્દ્ર સરકાર સામાન્ય રીતે વર્ષમાં બે વખત કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. પહેલો વધારો જાન્યુઆરી અને બીજો વધારો જુલાઈથી લાગુ કરવામાં આવે છે. વર્ષ 2026માં જાન્યુઆરીના વધારા હેઠળ સરકારે 58 ટકાના ડીએમાં 2 ટકાનો વધારો કરીને તેને 60 ટકા કર્યો હતો. આ વધારો 1 જાન્યુઆરી, 2026થી લાગુ થયો હતો.
હવે જુલાઈ 2026 માટેના ડીએ વધારા અંગે કર્મચારીઓની નજર સરકારના નિર્ણય પર છે. હાલના આંકડા અને વિવિધ અહેવાલોના આધારે ડીએમાં 3થી 4 ટકાનો વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ અંગે સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
AICPI-IWના આધારે નક્કી થાય છે DA
કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો ઔદ્યોગિક કામદારો માટેના અખિલ ભારતીય ગ્રાહક ભાવાંક (AICPI-IW)ના આધારે નક્કી કરવામાં આવે છે. જાન્યુઆરીથી જૂન અને જુલાઈથી ડિસેમ્બર એમ બે સમયગાળા માટે ડીએમાં ફેરફાર કરવામાં આવે છે.
હાલના આંકડાને ધ્યાનમાં લેતા જુલાઈ 2026ના ડીએમાં 3થી 4 ટકાનો વધારો થવાનો અંદાજ છે. જો સરકાર 4 ટકાનો વધારો મંજૂર કરે તો 60 ટકાનું ડીએ સીધું 64 ટકા થઈ જશે. જોકે, અંતિમ નિર્ણય સરકારની સત્તાવાર જાહેરાત બાદ જ સ્પષ્ટ થશે.
18 હજારના બેઝિક પે પર કેટલો થશે ફાયદો?
જો ડીએ 60 ટકાથી વધીને 64 ટકા થાય તો કર્મચારીઓના પગારમાં પણ વધારો થશે. ઉદાહરણ તરીકે, લેવલ-1ના કર્મચારીનો બેઝિક પે રૂ.18,000 હોય તો હાલમાં 60 ટકા પ્રમાણે રૂ.10,800 ડીએ મળે છે. 64 ટકા ડીએ થતાં આ રકમ વધીને રૂ.11,520 થઈ જશે.
એ જ રીતે રૂ.25,500ના બેઝિક પે પર હાલ રૂ.15,300 ડીએ મળે છે, જે 64 ટકા પ્રમાણે વધીને રૂ.16,320 થશે. રૂ.35,400ના બેઝિક પે પર ડીએ રૂ.21,240થી વધીને રૂ.22,656 થઈ શકે છે. જ્યારે રૂ.44,000ના બેઝિક પે પર ડીએ રૂ.26,400થી વધીને રૂ.28,160 થઈ શકે છે.
8મા પગાર પંચમાં પણ મોટા ફેરફારની માંગ
ડીએ વધારાની સાથે કેન્દ્રીય કર્મચારીઓની નજર 8મા પગાર પંચ (8th Pay Commission) પર પણ છે. પગાર પંચને લઈને પરામર્શ બેઠકોનો સિલસિલો ચાલી રહ્યો છે. કર્મચારી સંગઠનો દ્વારા ફિટમેન્ટ ફેક્ટર (Fitment Factor) 2.57થી વધારીને 3.83 કરવાની માંગ કરવામાં આવી રહી છે.
ફિટમેન્ટ ફેક્ટર નવા મૂળ વેતનની ગણતરીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેની ગણતરી વર્તમાન મૂળ વેતનને ફિટમેન્ટ ફેક્ટર સાથે ગુણાકાર કરીને કરવામાં આવે છે.
18 હજારનો પગાર 68,940 રૂપિયા થઈ શકે?
7મા પગાર પંચમાં 2.57ના ફિટમેન્ટ ફેક્ટર બાદ લઘુત્તમ બેઝિક પે રૂ.7,000થી વધીને રૂ.18,000 થયો હતો. હવે 8મા પગાર પંચમાં જો 3.83નો ફિટમેન્ટ ફેક્ટર સ્વીકારવામાં આવે તો લઘુત્તમ બેઝિક પે રૂ.18,000થી વધીને આશરે રૂ.68,940 થઈ શકે છે.
જોકે, રૂ.68,940નો આ આંકડો કર્મચારી સંગઠનોની માંગ અને ગણતરી પર આધારિત છે. સરકાર તરફથી અંતિમ ફિટમેન્ટ ફેક્ટર નક્કી થયા બાદ જ વાસ્તવિક પગાર વધારો સ્પષ્ટ થશે. 8મા પગાર પંચની રચના 3 નવેમ્બર, 2025ના રોજ કરવામાં આવી હતી અને તેને અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, જે મે 2027માં પૂર્ણ થવાનો છે.

