Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Celebration of victory in Bengal but BJP flop in the South

બંગાળમાં જીતનો જશ્ન પણ દક્ષિણમાં ભાજપ ફ્લોપ: આ બે રાજ્યોમાં માંડ 4 બેઠકો જીતવાના ફાંફાં

Timeછેલ્લું અપડેટ : 04 May 2026
લાઇવ ટીવીGoogle News
બંગાળમાં જીતનો જશ્ન પણ દક્ષિણમાં ભાજપ ફ્લોપ: આ બે રાજ્યોમાં માંડ 4 બેઠકો જીતવાના ફાંફાં
સોર્સ : GSTV

દેશના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના હાલના વલણોએ ભારતનું નવું રાજકીય ચિત્ર સ્પષ્ટ કરી દીધું છે. આ વલણોમાં ભારતીય જનતા પાર્ટી (BJP) માટે એક તરફ પૂર્વ અને પૂર્વોત્તરમાં ઉત્સાહનું વાતાવરણ છે, તો બીજી તરફ દક્ષિણ ભારતમાંથી ફરી એકવાર નિરાશાજનક આંકડા સામે આવ્યા છે. ખાસ કરીને તમિલનાડુમાં અભિનેતામાંથી નેતા બનેલા વિજયની પાર્ટી TVK એ સ્થાપિત રાજકીય ગણિતોને ઉથલાવી દીધા છે.

App Store

બંગાળ અને અસમ: પૂર્વમાં ભાજપનું વર્ચસ્વ

પશ્ચિમ બંગાળમાં ભાજપ ઈતિહાસ રચવા તરફ આગળ વધી રહ્યું છે. કુલ 294 બેઠકોમાંથી અત્યાર સુધીના 206 બેઠકોના વલણોમાં ભાજપ 132 બેઠકો પર આગળ છે, જ્યારે સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) 71 બેઠકો પર સમેટાઈ રહી છે. જો આ વલણો પરિણામમાં ફેરવાશે, તો બંગાળમાં પહેલીવાર ભાજપની સરકાર બનશે.

બીજી તરફ, પૂર્વોત્તરના મહત્વના રાજ્ય અસમમાં પણ ભાજપ પોતાની સત્તા જાળવી રાખવા જઈ રહ્યું હોય તેમ લાગે છે. કુલ 126 બેઠકોમાંથી 124 ના વલણોમાં ભાજપ 78 બેઠકો પર આગળ છે, જ્યારે કોંગ્રેસ માત્ર 24 બેઠકો પર જ મર્યાદિત રહી છે. અસમમાં મુખ્યમંત્રી હિમંત બિશ્વા સરમાની મામા તરીકેની લોકપ્રિયતા અને તેમની મિયાં પોલિટિક્સ સામેની કડક છબીએ ભાજપ માટે જીતનો માર્ગ સરળ બનાવ્યો છે.

તમિલનાડુ: થલાપતિ વિજયનો ઉદય અને ભાજપનો સંઘર્ષ

દક્ષિણ ભારતમાં તમિલનાડુ વિધાનસભાની 234 બેઠકોમાંથી 222 બેઠકોના વલણોમાં સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો છે. સુપરસ્ટાર વિજયની પાર્ટી તમિઝાગા વેત્રી કઝગમ (TVK) એ 109 બેઠકો પર પ્રચંડ લીડ મેળવીને રાજ્યમાં ત્રીજો મજબૂત પક્ષ બનીને ઉભર્યો છે.

તમિલનાડુમાં અન્ય પક્ષોની સ્થિતિ

AIADMK: 59 બેઠકો પર આગળ છે.

DMK: સત્તાધારી પક્ષ માત્ર 49 બેઠકો પર આગળ છે.

ભાજપ: AIADMK જેવી મોટી પાર્ટી સાથે ગઠબંધન હોવા છતાં, ભાજપ માત્ર 3 બેઠકો પર જ સંઘર્ષ કરી રહ્યું છે.

થલાપતિ વિજયનો આ ઉદય સ્પષ્ટ કરે છે કે, તમિલનાડુના મતદારો હજુ પણ રાષ્ટ્રીય પક્ષો કરતા સ્થાનિક ચહેરા અને ‘તમિલ અસ્મિતા’ ને વધુ પ્રાધાન્ય આપે છે. 2021ની ચૂંટણીમાં ભાજપને 4 બેઠકો મળી હતી, જેની સામે આ વખતે સ્થિતિ વધુ કફોડી જણાય છે.

કેરલમ: કોંગ્રેસનો હાથ ઉપર, ભાજપનું નબળું પ્રદર્શન

કેરલમમાં પણ ભાજપ માટે કોઈ મોટા બ્રેકથ્રુ ના સંકેત નથી. 140 બેઠકોવાળી વિધાનસભામાં કોંગ્રેસ અને સાથી પક્ષો 57 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી રહી છે. સત્તાધારી ડાબેરી ગઠબંધન (CPI-M) 29 બેઠકો પર આગળ છે. ભાજપ અહીં માત્ર 2 બેઠકો પર જ આગળ છે. 2021 માં કેરલમમાં ભાજપનું ખાતું પણ નહોતું ખૂલ્યું, તે જોતા 2 બેઠકોની લીડ ટેકનિકલ રીતે શરૂઆત હોઈ શકે, પણ પાર્ટીની અપેક્ષાઓ કરતા આ આંકડો ઘણો ઓછો છે.

બે ભાગમાં વહેંચાયેલું રાજકારણ

આંકડાઓ સ્પષ્ટ કરે છે કે, ભાજપે પૂર્વી ભારત અને હિન્દી પટ્ટીમાં પોતાની પકડ મજબૂત કરી છે, પરંતુ દક્ષિણ ભારત હજુ પણ ભાજપ માટે એક મોટો પડકાર છે. તમિલનાડુમાં થલાપતિ વિજયના રૂપમાં જે નવો પ્રાદેશિક વિકલ્પ આવ્યો છે, તેણે સાબિત કર્યું છે કે દક્ષિણના મતદારો સ્થાનિક મુદ્દાઓ અને ભાષાકીય અસ્મિતાના આધારે જ મતદાન કરે છે. વિજય અને હિમંત બિશ્વા સરમા - આ બંને નેતાઓ પોતપોતાના ક્ષેત્રમાં શક્તિશાળી સાબિત થયા છે, પરંતુ તેમની રાજનીતિની રીત સાવ અલગ છે.

નોંધ: તમામ આંકડા 2.00 PM સુધીના છે.