CBI ડાયરેક્ટર પ્રવીણ સૂદને મળ્યું એક વર્ષનું એક્સટેન્શન
કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)ના ડિરેક્ટર પ્રવીણ સૂદનો એક વર્ષનો કાર્યકાળ લંબાવાયો છે. કારણ કે, આ પદ મા

કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)ના ડિરેક્ટર પ્રવીણ સૂદનો એક વર્ષનો કાર્યકાળ લંબાવાયો છે. કારણ કે, આ પદ માટે નવી નિમણૂક કરવા માટે વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં થોડા દિવસો અગાઉ થયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામેલ થયા હતા. આ બેઠકમાં કેટલાક વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓના નામો પર વિચાર-વિમર્શ કરાયો હતો. જોકે, તેમાંથી કોઈ પર સહમતિ નથી બની શકી, જ્યારબાદ કેન્દ્ર સરકારે હાલના CBI ડિરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ એક વર્ષ સુધી લંબાવ્યો છે.
કેવી રીતે થાય છે CBI ડાયરેક્ટરની નિયુક્તિ?
CBI ડાયરેક્ટરની નિયુક્તિ કેન્દ્ર સરકાર તરફથી ત્રણ સભ્યોની નિયુક્તિ સમિતિની ભલામણ પર કરવામાં આવે છે. આ સમિતિનું નેતૃત્ત્વ વડાપ્રધાન કરે છે. સમિતિમાં લોકસભામાં વિપક્ષના નેતા અને દેશના ચીફ જસ્ટિસ પણ સામેલ થાય છે. ત્રણેય લોકોની સહમતિ બાદ નવા ડાયરેક્ટરના નામની જાહેરાત કરવામાં આવે છે. દેશના સૌથી સીનિયર IPS અધિકારીઓના નામની એક પેનલ, સંભવિત IPS અધિકારીઓના પ્રદર્શન રેકોર્ડ સાથે, પસંદગી સમિતિને નિર્ણય લેવામાં મદદ કરવા માટે આપવામાં આવે છે.
કોણ છે CBI ડાયરેક્ટર પ્રવીણ સૂદ?
પ્રવીણ સૂદ 1986 બેચના કર્ણાટક કેડરના IPS છે. CBIના ડાયરેક્ટર બન્યા પહેલા તે કર્ણાટકના DGP હતા, તેમને 25 મે 2023એ CBI ડાયરેક્ટરનું પદ સંભાળ્યું હતું. એવામાં રાહુલ ગાંધીના લોકસભામાં વિપક્ષના નેતા બન્યા બાદ પ્રથમ વખત CBI ડાયરેક્ટર માટે મીટિંગ થઇ હતી.








