Video: મહારાષ્ટ્રના પુણેની શિવાજીનગર કોર્ટ બહાર લોહિયાળ ખેલ: હત્યાના આરોપી પર દાતરડાથી જીવલેણ હુમલો, હાથ કાપી નાખ્યો

મહારાષ્ટ્રના પુણેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલ ઉભા કરતી સનસનાટીભરી ઘટના સામે આવી છે. પુણેની શિવાજીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટની બહાર ધોળા દિવસે છ શખ્સોએ હત્યાના એક આરોપી પર જીવલેણ હુમલો કરી તેનો હાથ કાપી નાખ્યો છે.
મહારાષ્ટ્રના પુણેના શિવાજીનગર કોર્ટ પરિસરમાં આવેલા ફેમિલી કોર્ટની સામે ગેટ નંબર 4 નજીક બપોરે એક વાગ્યાના અરસામાં આ લોહિયાળ ઘટના બની હતી. ટુ-વ્હીલર પર આવેલા છ જેટલા હુમલાખોરોએ શુભમ ચવ્હાણ હત્યા કેસના આરોપી મંદાર કિવાલેનો પીછો કર્યો હતો અને ત્યારબાદ તેના પર દાતરડા વડે તૂટી પડ્યા હતા. આ ઘાતકી હુમલામાં મંદાર કિવાલેનો ડાબો હાથ કાંડા પાસેથી કપાઈ ગયો છે, જ્યારે અન્ય એક વ્યક્તિ પણ ઈજાગ્રસ્ત થઈ છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત મંદારને તાત્કાલિક સારવાર અર્થે સાસૂન જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હુમલાને અંજામ આપી તમામ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો અને ફોરેન્સિક ટીમ સ્થળ પર દોડી આવી હતી. તપાસ દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી બે પિસ્તોલ અને એક મેગેઝિન મળી આવ્યા છે, જોકે ફાયરિંગ થયું છે કે કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી. પ્રાથમિક દ્રષ્ટિએ આ હુમલો જૂની અદાવતમાં થયો હોવાની પોલીસને આશંકા છે. હાલ પોલીસે ફરાર હુમલાખોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.












