સુરત જિલ્લામાં અપહરણકારોએ મહારાષ્ટ્રના શ્રમજીવી પરિવારને નહેરમાં ફેંક્યો, માતા-પિતા સહિત 3નાં મોત, બે બાળકો લાપતા

સુરત જિલ્લામાં અપહરણકારોએ મહારાષ્ટ્રના શ્રમજીવી પરિવારને નહેરમાં ફેંક્યો, માતા-પિતા સહિત 3નાં મોત, બે બાળકો લાપતા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવા ગામ નજીકથી પસાર થતી નહેર પાસે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રના એક શ્રમજીવી પરિવારને અપહરણકાર ચાર શખ્સોએ કથિત રીતે નહેરના ઊંડા પાણીમાં ફેંકી દીધો હતો. આ ઘટનામાં માતા, પિતા અને એક યુવતીના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે બે બાળકો હજુ લાપતા છે. ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા લાપતા બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

અજાણી કારમાં આવેલા ચાર શખ્સોએ પરિવારને નહેરમાં ફેંક્યો

મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના જલગાંવ નજીકના વતની અને એરંડોલ ખાતે આવેલી એક ફેક્ટરીમાં મજૂરીકામ કરતા પરિવારના સભ્યો સુરતમાં મજૂરીકામ માટે કારમાં નીકળ્યા હતા. દરમિયાન સુરત જિલ્લાના બારડોલી નજીક ઉવા ગામ પાસે અજાણી કારમાં આવેલા ચાર શખ્સોએ પરિવારના સભ્યોને નહેરના ઊંડા પાણીમાં ફેંકી દીધા હોવાનો આક્ષેપ છે.

13 વર્ષના એક કિશોરનો ચમત્કારિક બચાવ

આ ઘટનામાં પરિવારના સભ્યો નહેરમાં ડૂબી ગયા હતા. જોકે, 13 વર્ષના એક કિશોરનો ચમત્કારિક બચાવ થયો હતો. નહેરમાં ડૂબતી વખતે તેના હાથમાં એક પાઇપ આવી જતાં તેણે તેનો સહારો લીધો હતો અને જીવ બચાવીને નહેરની બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. ત્યારબાદ કિશોર નજીકની એક હોટેલ પાસે પહોંચ્યો હતો અને ત્યાં સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી.

માતા-પિતા સહિત 3નાં મોત, બે બાળકો લાપતા

જાહેરાત

બીજી તરફ, મહુવા તાલુકાના ડુંગરી ગામ નજીક આવેલી નહેરમાંથી માતા, પિતા અને એક યુવતીના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે પરિવારનાં અન્ય બે બાળકોનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. બંને બાળકોની શોધખોળ માટે ફાયર વિભાગ અને પોલીસની ટીમો કામે લાગી છે.

આ મામલે ખંડીયો, આભો, બંટી અને એક અજાણ્યા શખ્સ સહિત કુલ ચાર લોકો વિરુદ્ધ બારડોલી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. જોકે, પરિવારને નહેરમાં ફેંકવા પાછળનું ચોક્કસ કારણ અને ઘટનાની અન્ય વિગતો તપાસ બાદ સામે આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત