'કોંગ્રેસનું વર્તમાન નેતૃત્વ રહેશે ત્યાં સુધી ભાજપનું શાસન ચાલુ રહેશે': ગુલામ નબી આઝાદ
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને ડેમોક્રેટિક આઝાદ પાર્ટ

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને ડેમોક્રેટિક આઝાદ પાર્ટીના પ્રમુખ ગુલામ નબી આઝાદે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ‘જો ફરી એકવાર ભાજપની સરકાર આવશે તો તેના માટે કોંગ્રેસ જવાબદાર રહેશે. ભાજપ સત્તામાં છે તો કોંગ્રેસ અને તેના નેતૃત્વને કારણે છે. જ્યાં સુધી કોંગ્રેસનું વર્તમાન નેતૃત્વ રહેશે ત્યાં સુધી ભાજપનું શાસન ચાલુ રહેશે.’
ગુલામ નબી આઝાદે કહ્યું કે, જ્યાં મેં રાજ્ય છોડી દીધું હતું, ત્યાં ફરી એકવાર મારે શૂન્યથી શરૂઆત કરવી પડશે. તેના માટે મારે જોવું પડશે કે સંસદ વધુ મહત્ત્વની છે કે રાજ્યમાં મારી વધુ જરૂર છે. અત્યારે હું ચેનાબ વેલીમાં 5 દિવસના પ્રવાસ પર છું.
વધુમાં ગુલામ નબી આઝાદે કહ્યું કે ક્યાંથી ચૂંટણી લડવી તે દિલની નહિ પણ સેવાની વાત છે. ગુલામ નબી આઝાદ રાજૌરી અનંતનાગ સીટથી લોકસભાના ઉમેદવાર છે, જ્યારે ચિનાબ વેલીથી આઝાદની પાર્ટીએ જીએ સુરૌરીને ટિકિટ આપી છે. આઝાદ સતત પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા છે.
આઝાદે કહ્યું કે, ‘અમારી પાર્ટી વિકાસને લઈને લોકોની વચ્ચે છે. જો અમારી પાર્ટી જીતશે તો અમે અમારા વિસ્તારનો ચોક્કસ વિકાસ કરીશું.’ તેમણે કહ્યું કે જો લોકોને કામ કરનાર ઉમેદવાર જોઈતો હોય તો અમારો ઉમેદવાર આમાં આગળ છે અને જો કોઈને નારા આપવા માટે જ સંસદસભ્ય બનાવવો હોય તો જનતા ગમે તે કરી શકે.
કોંગ્રેસમાંથી છૂટા પડેલા ગુલામ નબીએ કહ્યું કે કોંગ્રેસમાં અમારું G-23 જૂથ હતું. લોકસભા અને રાજ્યસભામાં માત્ર G-23 નેતાઓ જ બોલતા હતા. કોંગ્રેસના કોઈપણ નેતા, પછી તે સોનિયા ગાંધી હોય કે રાહુલ ગાંધી… કોઈએ ક્યારેય એવું નથી કહ્યું કે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો પાછો મળવો જોઈએ.
આઝાદે મોદી સરકારના વખાણ કર્યા
જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અને રાજ્યનો દરજ્જા અંગે ગુલામ નબી આઝાદે કહ્યું કે પીએમ મોદીએ સંસદમાં બંને વચનો આપ્યા છે. તે સારી વાત છે. વડાપ્રધાન અને ગૃહમંત્રી આ અંગે મક્કમ છે. આઝાદે કહ્યું કે આ સરકારની સારી વાત એ છે કે જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદ અને આતંકવાદ ઘણી હદ સુધી ઘટી ગયો છે.








