મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર રચવામાં કોકડું ગુંચવાયું, ભાજપ-શિવસેનામાં મંત્રી પદને લઇને ડખા
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની જીત બાદ મુખ્યમંત્રી કોણ બનશે તે નક્કી નથી. શિવસેનાના એકનાથ શિંદે બ

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની જીત બાદ મુખ્યમંત્રી કોણ બનશે તે નક્કી નથી. શિવસેનાના એકનાથ શિંદે બાદ અજિત પવારે પણ કહી દીધુ કે મુખ્યમંત્રી ભાજપનો જ બનશે. મહારાષ્ટ્રમાં સરકાર રચવા પાછળ વિલંબ થવાનું કારણ મુખ્યમંત્રી પદ નહીં પણ મંત્રી પદને લઇને કોકડુ ગુંચવાયું છે. ભાજપ અને શિવસેના મહત્ત્વના મંત્રાલયની માંગ કરી રહ્યાં છે.
મહારાષ્ટ્રમાં પાંચ મલાઇદાર ખાતામાંથી ચાર ભાજપ રાખશે
મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બનવામાં મોડુ થઇ રહ્યું હોવાનું એક મુખ્ય કારણ એ છે કે, ભાજપને સૌથી વધુ મલાઇદાર ખાતા જોઇએ છે. દરેક પક્ષ પોતાની રીતે કોશિષ કરતો હોય છે કે, સૌથી વધુ આવક રળી આપે એવું ખાતું પોતાની પાસે રહે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરે ખાતાની વહેંચણી બાબતે મિટિંગ થઇ ત્યારે ક્યું ખાતું કોને મળશે એ બાબતે કલાકો સુધી ચર્ચાઓ થઇ હતી. ખાતાઓની વહેંચણી બાબતે મહાયુતિના ત્રણેય પક્ષો વચ્ચે સમજૂતિ થઇ નથી. હવે મુંબઇમાં મિટિંગ કર્યા પછી ત્રણ પક્ષના નેતાઓ દિલ્હીમાં ફરીથી ભેગા થવાના છે. ભાજપને મુખ્યમંત્રીપદ આપવા માટે શિવસેના (એકનાથ શિંદે) અને NCP (અજિત પવાર) તૈયાર છે પરંતુ એના બદલામાં કેટલાક અગત્યના ખાતાઓ એમને જોઇએ છે.
શિવસેનાએ ક્યા મંત્રી પદ માંગ્યા
શિંદે જૂથ નવી સરકારમાં નાયબ મુખ્યમંત્રીનું પદ અને ગૃહ વિભાગ સહિત ગત સરકારમાં ખુદ પાસે રહેલા તમામ 9 વિભાગની માંગ કરી રહ્યું છે. સૂત્રો અનુસાર મુખ્યમંત્રી પર નિર્ણય બાદ જ શિવસેના આગળની રણનીતિનો ખુલાસો કરશે. જે 9 વિભાગની માંગ કરવામાં આવી રહી છે તેમાં શહેરી વિકાસ મંત્રાલય પણ સામેલ છે.
5 ડિસેમ્બરે યોજાઇ શકે છે શપથગ્રહણ સમારંભ
3 ડિસેમ્બરે ભાજપની ધારાસભ્ય દળની બેઠક મળશે. દિલ્હીથી બે ઓબ્ઝર્વર મુંબઇ આવશે અને ધારાસભ્યો સાથે ચર્ચા બાદ ઓફિશિયલ રીતે CM ફેસની જાહેરાત કરશે. અજિત પવારે પણ કહ્યું કે, મુખ્યમંત્રી ભાજપનો બનશે અને શિવસેના-NCPમાંથી 1-1- ડેપ્યુટી CM બનશે.
આ પણ વાંચો: CM માટે ફડણવીસ સિવાય અન્ય કોઈ સ્વીકાર્ય નથી; RSSનો ભાજપને સ્પષ્ટ સંદેશ
મહત્ત્વપૂર્ણ છે કે ભાજપે જાહેરાત કરી છે કે મહારાષ્ટ્રમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારંભ 5 ડિસેમ્બરે આઝાદ મેદાનમાં યોજાશે.મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએ X પર એક વીડિયો પોસ્ટમાં કહ્યું કે શપથગ્રહણ સમારંભ આઝાદ મેદાનમાં યોજાશે અને પીએમ મોદી તેમાં સામેલ થશે.








