ભાજપને મળી શકે છે પ્રથમ મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ; રેસમાં આ નામ ચર્ચામાં
ભારતીય જનતા પાર્ટી (BJP) આ મહિનામાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત કરી શકે છે.આ નિર્ણય પાર્ટીના સંગઠનાત્મક ચ

ભારતીય જનતા પાર્ટી (BJP) આ મહિનામાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત કરી શકે છે.આ નિર્ણય પાર્ટીના સંગઠનાત્મક ચૂંટણી બાદ લેવામાં આવશે. ભાજપ 13થી વધુ રાજ્યમાં સંગઠનાત્મક ચૂંટણીમાં વ્યસ્ત છે. પાર્ટીના સુત્રો અનુસાર, પાર્ટીના નવા અધ્યક્ષની ચૂંટણી આંતરિક સહમતિથી કરવામાં આવશે. સુત્રોનું કહેવું છે કે ભાજપના ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ મહિલાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની સંભાવના છે. આ વાતની પણ ચર્ચા છે કે ભાજપ દક્ષિણ ભારતમાંથી કોઇને આ જવાબદારી સોપી શકે છે.
ભાજપ મહિલાને બનાવી શકે છે રાષ્ટ્રીય અધ્યક્ષ
એક રિપોર્ટ અનુસાર ભાજપ જો કોઇ મહિલાને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પસંદ કરે છે તો મહિલા મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કોઇમ્બતુરના ધારાસભ્ય વનથી શ્રીનિવાસન અથવા આંધ્ર પ્રદેશ ભાજપ અધ્યક્ષ દગ્ગુબાતી પુરંદેશ્વરી આ પદ માટે સૌથી સંભવિત ઉમેદવાર માનવામાં આવી રહ્યાં છે. 66 વર્ષના પુરંદેશ્વરી 2014માં કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા અને સંગઠનાત્મક મામલામાં તેમનો મહત્ત્વપૂર્ણ અનુભવ છે.
ભાષણને કારણે સુષ્મા સ્વરાજ સાથે તુલના
પુરંદેશ્વરીને દક્ષિણ ભારતના સુષ્મા સ્વરાજના નામથી ઓળખવામાં આવે છે, તેમની શાનદાર ભાષણ ક્ષમતા અને પાંચ ભાષામાં પ્રવીણતાને કારણે તેમને ભાજપ સમર્થકોમાં સ્વીકૃતિ છે. વનથી શ્રીનિવાસન પાર્ટીના રણનીતિકાર અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સામેલ થતા જોવામાં આવ્યા છે. એક સીનિયર નેતાએ જણાવ્યું, તે પોતાના મોર્ચા હેઠળ કેટલાક સફળ કાર્યક્રમ આયોજિત કરવા માટે જાણીતા છે. વડાપ્રધાન મોદી તથા અમિત શાહ દ્વારા તેમના પર વિશ્વાસ કરવામાં આવે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સ્મૃતિ ઇરાનીનું નામ પણ ચર્ચામાં છે.
વનથી શ્રીનિવાસનનું નામ પણ ચર્ચામાં
55 વર્ષીય વનથી શ્રીનિવાસન ભાજપ મહિલા મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાની સાથે સાથે તમિલનાડુના કોઇમ્બતુરના ધારાસભ્ય પણ છે. તે પાર્ટીના સંગઠનમાં મજબૂત પકડ ધરાવે છે અને તમિલનાડુમાં કેટલાક મહિલા સશક્તિકરણ અને સામાજિક સુધાર અભિયાનનું નેતૃત્ત્વ પણ કર્યું છે.
ભાજપ કેમ ઇચ્છે છે મહિલા અધ્યક્ષ?
ભાજપ દક્ષિણ ભારતમાં પોતાની પકડ મજબૂત કરવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. 2024 લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ અહીં કેટલીક બેઠક વધારી છે પરંતુ તમિલનાડુ, કેરળ અને આંધ્ર પ્રદેશમાં હજુ પણ ભાજપે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. એવામાં જો ભાજપ દક્ષિણ ભારતમાં કોઇ મહિલાને અધ્યક્ષ બનાવે છે તો આ મોટો રાજકીય મેસેજ હશે.
ભાજપ રચશે ઇતિહાસ
ભાજપની સ્થાપના 1980માં થઇ હતી પરંતુ અત્યાર સુધી પાર્ટીએ કોઇ મહિલાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા નથી. જો આ વખતે ભાજપ નેતૃત્ત્વ મહિલાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવે છે તો આ એક ઐતિહાસિક નિર્ણય હશે.
ભાજપ અધ્યક્ષ તરીકે આ નામ પણ ચર્ચામાં
સુત્રો અનુસાર ભાજપના નવા અધ્યક્ષની પસંદગી 50-70 વર્ષની વચ્ચે થશે. આ કારણે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર રેસમાંથી બહાર થઇ શકે છે. વર્તમાનમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રેસમાં છે. ભાજપ જો મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી નથી કરતી તો ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર યાદવ, વિનોદ તાવડે, મનોજ સિન્હા, શિવરાજસિંહ ચૌહાણ, અનુરાગ ઠાકુરના નામ ચર્ચામાં છે.
ચૂંટણી રાજ્યોનું પણ ધ્યાન રખાશે
ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ અને ગુજરાતમાં આગામી કેટલાક વર્ષમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને પાર્ટી આ રાજ્યની ચૂંટણી પ્રોફાઇલને પણ ધ્યાનમાં રાખીને ઉમેદવારોના નામ પર વિચાર કરી શકે છે.








