4340 કરોડ રૂપિયાના ફંડ સાથે ભાજપ સૌથી અમીર પક્ષ, જાણો કોંગ્રેસ અને આપને ગત વર્ષે કેટલું મળ્યુ ફંડ
નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન ભાજપને સૌથી વધુ 4340.47કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું, જે સાથે જ ફંડ મેળવન

નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન ભાજપને સૌથી વધુ 4340.47કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું, જે સાથે જ ફંડ મેળવનારા રાજકીય પક્ષોમાં ભાજપ ટોચના સ્થાને છે. એડીઆર દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં આ માહિતી સામે આવી હતી. ભાજપે પોતાને વર્ષ 2023-24 દરમિયાન4340.47 કરોડ રૂપિયા મળ્યાની જાહેરાત કરી હતી. જેમાંથી માત્ર 50 ટકા જ ખર્ચ કરવામાં આવ્યો હોવાની સ્પષ્ટતા પણ કરી હતી.
ભાજપે મળેલા કુલ ફંડના 50 ટકા એટલે કે આશરે 2211.59 કરોડ રૂપિયા ખર્ચ નથી કર્યો
ADRએ જણાવ્યું હતું કે ભાજપે મળેલા કુલ ફંડના 50 ટકા એટલે કે આશરે 2211.59 કરોડ રૂપિયા ખર્ચ નથી કર્યો. જ્યારે કોંગ્રેસને ગત નાણાકીય વર્ષ દરમિયાન 1225.12 કરોડ રૂપિયા દાન તરીકે મળ્યા હતા જેની સામે 1025 કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો જે કુલ આવકના 83 ટકા છે. તમામ પક્ષોને સૌથી વધુ ફંડ ઇલેક્ટોરલ બોન્ડથી મળ્યું છે. ઇલેક્ટોરલ બોન્ડથી ભાજપને સૌથી વધુ 1685.63 કરોડ, કોંગ્રેસને 825.36 કરોડ, આમ આદમી પાર્ટીને 10.15 કરોડ રૂપિયા મળ્યા હતા. આ ત્રણેય પક્ષોને કુલ 2524 કરોડ રૂપિયા એટલે કે આશરે 43ટકા રકમ ઇલેક્ટોરલ બોન્ડથી મળી હતી.
સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે મે મહિનામાં ઇલેક્ટોરલ બોન્ડ રદ કર્યા
સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે મે મહિનામાં ઇલેક્ટોરલ બોન્ડ રદ કર્યા હતા, એક આરટીઆઇમાં એડીઆરને બેન્કે જવાબ આપ્યો હતો કે નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન વિવિધ રાજકીય પક્ષોએ તેમને ઇલેક્ટોરલ બોન્ડથી મળેલા રૂ. 4507 કરોડ વટાવી લીધા છે. જેમાં રાષ્ટ્રીય પક્ષોની રકમ 2524.13 કરોડ રૂપિયા એટલે કે 55.99 ટકા છે. કોંગ્રેસે સૌથી વધુ ચૂંટણી સાથે સંકળાયેલો આશરે 619 કરોડનો ખર્ચ કર્યો હતો, જ્યારે 340 કરોડ વહીવટી અને સામાન્ય ખર્ચનો સમાવેશ થાય છે. સીપીઆઇએમએ 56 કરોડ વહીવટી ખર્ચ કર્યો હતો, જ્યારે 47 કરોડ કર્મચારીઓ પાછળ ખર્ચ થયો હતો.
રાજકીય પક્ષોને મળી રહેલા દાનમાં દર વર્ષે વધારો
રાજકીય પક્ષોને મળી રહેલા દાનમાં દર વર્ષે વધારો થઇ રહ્યો છે જેમાં પણ ભાજપ મોખરે છે. એડીઆરના રિપોર્ટ મુજબ 10 વર્ષ પહેલા નાણાકીય વર્ષ 2014-15 દરમિયાન ભાજપને 970 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું, જ્યારે કોંગ્રેસને 593 કરોડ, સીપીઆઇને 1.84 કરોડ મળ્યા હતા. તે સમયે પણ ભાજપને તમામ પક્ષોના 51 ટકા દાન મળ્યું હતું.
વર્ષ 2022-23 દરમિયાન ભાજપને રૂપિયા 680.49 કરોડ કોર્પોરેટ ફંડ મળ્યું હતું, જે તમામ પક્ષોને મળેલા ફંડ કરતા આઠ ગણુ વધારે છે. એડીઆરના રિપોર્ટ મુજબ ભાજપને 3067 બિઝનેસ હાઉસ (કંપનીઓ) તરફથી 610 કરોડ રૂપિયા મળ્યા હતા. તે સમયે કોંગ્રેસને 70 બિઝનેસ હાઉસ તરફથી માત્ર 55 કરોડ મળ્યા હતા. આપને 69 પાસેથી 11 કરોડ, સીપીઆઇ(એમ)ને 104 પાસેથી બે કરોડ મળ્યા હતા. રાજ્યો પર નજર કરીએ તો સૌથી વધુ દિલ્હીમાંથી 263કરોડ, ગુજરાતમાંથી 134 કરોડ, મહારાષ્ટ્રમાંથી 77 કરોડ મળ્યા હતા. જે પણ પક્ષોને 20 હજારથી વધુનું દાન મળ્યું હોય તેની વિગતો ચૂંટણી પંચને આપવી ફરજિયાત છે. એટલે કે ભાજપ ઉદ્યોગપતિઓ પાસેથી દાન મેળવવામાં તમામ પક્ષો કરતા અગ્રેસર છે. રાષ્ટ્રીય પક્ષોને મળેલા કુલ કોર્પોરેટ દાનમાંથી 90 ટકા માત્ર ભાજપના ફાળે ગયું છે.








