મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ભાજપે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં તારીખ બદલવાની કરી માંગ, ચૂંટણી પંચને લખ્યો પત્ર

હરિયાણામાં વિધાનસભા ચૂંટણી જાહેર થઇ ગઇ છે. રાજ્યની તમામ 90 બેઠકો પર એક જ તબક્કામાં 1 ઓક્ટો

ભાજપે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં તારીખ બદલવાની કરી માંગ, ચૂંટણી પંચને લખ્યો પત્ર

હરિયાણામાં વિધાનસભા ચૂંટણી જાહેર થઇ ગઇ છે. રાજ્યની તમામ 90 બેઠકો પર એક જ તબક્કામાં 1 ઓક્ટોબરે મતદાન થશે. ચૂંટણીનું પરિણામ 4 ઓક્ટોબરે આવશે. જોકે, આ વચ્ચે રાજ્યમાં સત્તા પર રહેલી ભાજપે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે તારીખ બદલવાની માંગ કરી છે.

ભાજપે ચૂંટણી પંચને લખ્યો પત્ર

હરિયાણા ભાજપના અધ્યક્ષ મોહનલાલ બડોલીએ ચૂંટણી પંચને એક પત્ર લખ્યો છે જેમાં ઓછા મતદાનના ડરથી 1 ઓક્ટોબરે મતદાન તારીખ બદલવાની માંગ કરી છે. ભાજપના અધ્યક્ષનું કહેવું છે કે 1 ઓક્ટોબરે મતદાનની તારીખ પહેલા અને પછી કેટલીક રજાઓ છે જેને કારણે ઓછુ મતદાન થઇ શકે છે માટે તારીખને બદલવી જોઇએ.

મોહનલાલ બડોલીએ ચૂંટણી પંચને પત્ર લખીને કહ્યું કે 1 ઓક્ટોબરે મતદાનના આગળના દિવસે અને પછી રજાઓ આવી રહી છે. આ રજાઓને કારણે લોકો બહાર ફરવા જઇ શકે છે જેની અસર મતદાનની ટકાવારી પર પડી શકે છે. આ આધાર પર ચૂંટણી પંચ અને હરિયાણા ચૂંટણી અધિકારીને મતદાનની તારીખ બદલવાની ભલામણ કરી છે.

1 ઓક્ટોબર પહેલા અને પછી કેટલીક રજાઓ

ભાજપ અધ્યક્ષે ચૂંટણી પંચને લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે 28 તારીખે શનિવાર અને 29 તારીખે રવિવાર છે. 30 તારીખે સોમવાર એટલે કે વર્કિંગ ડે છે અને 1 ઓક્ટોબરે મંગળવારે મતદાન યોજાશે. જ્યારે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિની રજા છે તો 3 ઓક્ટોબરે અગ્રસેન જયંતીને કારણે રજા છે. એવામાં 6 દિવસ લાંબો વીકેન્ડ હોવાને કારણે લોકો રજા પર જઇ શકે છે.

કોંગ્રેસે કહ્યું- તે હાર ભાળી ગયા છે

 હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ કહ્યું કે, 'ચૂંટણી જાહેરાત થયે એક અઠવાડિયા કરતા વધુ સમય થઇ ગયો છે. જેનો અર્થ એ છે કે તે ચૂંટણી ટાળવા માંગે છે. તે હાર સ્વીકાર કરી રહ્યાં છે અને અમે ઇચ્છીએ છીએ કે ચૂંટણી પંચ સમયસર ચૂંટણી કરાવે કારણ કે લોકો નથી ઇચ્છતા કે સરકાર એક દિવસ પણ સત્તામાં રહે.'

2019માં હરિયાણામાં શું હતી સ્થિતિ?

હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019માં ભાજપ 36.7 ટકા વોટ શેર સાથે 40 બેઠક જીતીને સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી હતી. કોંગ્રેસ 31 બેઠક પર જીત સાથે બીજા નંબર પર રહી હતી. દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી (JJP) 10 બેઠક સાથે ત્રીજા નંબર પર રહી હતી. ભાજપે JJP સાથે મળીને હરિયાણામાં ગઠબંધન સરકાર બનાવી હતી. જોકે, લોકસભા ચૂંટણી પહેલા ભાજપ અને JJPનું ગઠબંધન તૂટી ગયું હતું. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે પણ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. જે બાદ નાયબ સિંહ સૈની હરિયાણાના નવા મુખ્યમંત્રી બન્યા હતા. 

આ સમાચાર શેર કરો