બિહાર/ 'સ્વતંત્રતા સેનાની' એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો, અનેક લોકો ઘાયલ
બિહારમાં સ્વાતંત્ર્ય સેનાની સુપરફાસ્ટ ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે.

બિહારમાં સ્વાતંત્ર્ય સેનાની સુપરફાસ્ટ ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. ટ્રેન જયનગરથી નવી દિલ્હી જઈ રહી હતી. દરમિયાન સમસ્તીપૂર નજીક તેની પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થર મારાની ઘટનામાં ટ્રેનના કોચના કાચ તૂટી ગયા હતા. અને અનેક લોકો ઘાયલ થવાના સમાચાર સામે આવ્યા છે.
આ ઘટનામાં કેટલાક મુસાફરોને સામાન્ય ઈજાઓ પણ થઈ હતી. જેની સારવાર સમસ્તીપુરમાં જ કરવામાં આવી હતી. હાલ આ મામલે રેલવે દ્વારા તપાસ ચાલી રહી છે.
લગભગ 11 વાગ્યે સમસ્તીપુરમાં થોડો સમય રોકાયા બાદ ટ્રેન મુઝફ્ફરપુર જવા રવાના થઈ હતી. ટ્રેન આઉટર સિગ્નલ પર પહોંચતા જ તેના પર પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. અચાનક થયેલા પથ્થરમારાથી મુસાફરો ગભરાઈ ગયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે જીઆરપીની એસ્કોર્ટ પાર્ટી ટ્રેનની અંદર હાજર હતી. ટ્રેન લગભગ 45 મિનિટના વિલંબથી મુઝફ્ફરપુર જંકશન પહોંચી હતી.
માહિતી મળતાં જ આરપીએફ અને જીઆરપીના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા અને મામલાની તપાસ કરી. પથ્થરમારાના કારણે પેન્ટ્રી કારને અડીને આવેલા A-1 અને B-2 કોચના કાચ તૂટી ગયા હતા. ઘણા સ્લીપર કોચની બારીઓ પણ પથ્થરોથી ઢંકાયેલી હતી. ડિબ્રુગઢ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ જે સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસની આગળથી પસાર થઈ હતી તેના પર પણ પથ્થરમારો થયો હોવાની વાત છે, પરંતુ તેની પુષ્ટિ થઈ શકી નથી. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે, પથ્થરમારો કરનારાઓની ઓળખ કરવામાં આવી રહી છે.






