Bihar Election: બે ડેપ્યુટી CM, લાલુના બન્ને પુત્રની બેઠક પર મુકાબલો; ખેસારી-મૈથિલીનું નસીબ પણ નક્કી થશે

બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પ્રથમ તબક્કાની 121 બેઠક પર ગુરૂવારે મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં રાધોપુર,તારાપુર,લખીસરાય, મોકામા, દાનાપુર, મહુઆ,છપરા,અલીનગર અને રઘુનાથપુર સહિત કેટલીક હાઇ પ્રોફાઇલ બેઠક સામેલ છે. આ બેઠકો પર કેટલાક નવા ચહેરા છે જે આ વખતે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.
રાધોપુર વિધાનસભા
રાધોપુર વિધાનસભામંથી પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી અને લાલુ પ્રસાદ યાદવના નાના પુત્ર તેજસ્વી યાદવ RJDના ઉમેદવાર છે. મહાગઠબંધને આ વખતે તેજસ્વીને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યો છે. તેજસ્વી યાદવે પોતાના ચૂંટણી કરિયરની શરૂઆત આ બેઠક પરથી કરી હતી. 2015 અને 2020માં તે આ બેઠક જીતી ચુક્યા છે. ભાજપે અહીં ગત વખતના ઉમેદવાર સતીશ કુમારને ટિકિટ આપી છે. સતીશ કુમારે 2010માં JDUની ટિકિટ પર તેજસ્વી યાદવની માતા અને RJDના ઉમેદવાર રાબડી દેવીને હરાવ્યા હતા. જનસુરાજે ચંચલ કુમારને ટિકિટ આપી છે.

તારાપુર વિધાનસભા
બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી આ વખતે તારાપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ પહેલા તે પરબત્તા બેઠક પરથી RJDની ટિકિટ પર ચૂંટણી જીતી ચુક્યા છે. 2014માં તે RJDથી અલગ થયા હતા. 2020માં તે MLC ચૂંટાયા હતા. હવે તે ભાજપની ટિકિટ પર તારાપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. સમ્રાટ ચૌધરીની ટક્કર RJDના અરુણ કુમાર સાથે છે.
લખીસરાય વિધાનસભા બેઠક
લખીસરાયથી ભાજપની ટિકિટ પર ત્રણ વખત જીતનારા વિજય કુમાર સિન્હા ફરી એક વખત અહીંથી મેદાનમાં છે. બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિન્હા ફેબ્રુઆરી 2005માં યોજાયેલી ચૂંટણીમાં પ્રથમ વખત લખીસરાયથી જીત્યા હતા. 2005 ઓક્ટોબરમાં યોજાયેલી ચૂંટણીમાં RJDના ફુલેના સિંહ સામે હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ 2010માં તેમણે આ બેઠક પરત મેળવી હતી. વિજય કુમાર સિન્હાની ટક્કર કોંગ્રેસના અમરેષ કુમાર સાથે છે.
મોકામા વિધાનસભા
બાહુબલી અને JDU ઉમેદવાર અનંત સિંહ અહીથી ચૂંટણી લડી રહ્યા છે. મોકામામાં થયેલા હત્યાકાંડ બાદ આ બેઠકની ચર્ચા આખા દેશમાં છે. આ હત્યાકાંડનો આરોપ અનંત સિંહ પર લાગ્યો છે અને ચૂંટણી પ્રચાર વચ્ચે તેમની ધરપકડ કરવામાં આવી હતી. તે બાદ તેમના પ્રચારની કમાન કેન્દ્રીય મંત્રી લલન સિંહના હાથમાં છે.
દાનાપુર વિધાનસભા
ભાજપના પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રામકૃપાલ યાદવને આ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. રામકૃપાલ 2024ની લોકસભા ચૂંટણીમાં પાટલીપુત્ર બેઠક હારી ગયા હતા, તેમણે લાલુ પ્રસાદ યાદવની દીકરી મીસા ભારતીએ હરાવ્યા હતા. રામકૃપાલ યાદવ સામે RJDએ રીત લાલ રાયને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. રીત લાલ 2020ની વિધાનસભા ચૂંટણી અહીંથી જીત્યા હતા.
મહુઆ વિધાનસભા
લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે જનશક્તિ જનતા દળ નવી પાર્ટી બનાવી છે અને આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. RJDએ મુકેશ કુમાર રૌશન અને જનસુરાજે ઇન્દ્રજીત પ્રધાનને ટિકિટ આપી છે.
છપરા વિધાનસભા
જાણીતા ભોજપુરી ગાયક અને અભિનેતા ખેસારી લાલ યાદવને કારણે સારણ જિલ્લાની છપરા બેઠક ચર્ચામાં છે. આ બેઠક પર RJDએ મહાગઠબંધન તરફથી ખેસારી લાલ યાદવને મેદાનમાં ઉતાર્યા છે. ખેસારીલાલ વિરૂદ્ધ ભાજપે છોટી કુમારી અને જનસુરાજે જયપ્રકાશ સિંહને ટિકિટ આપી છે. આ બેઠક પર કુલ 10 ઉમેદવાર મેદાનમાં છે.
અલીનગર વિધાનસભા
ભાજપે અલીનગરથી લોક ગાયિકા મૈથિલી ઠાકુરને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. RJDએ વિનોદ મિશ્રાને ટિકિટ આપી છે. જનસુરાજે બિપ્લવ કુમાર ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે.
રઘુનાથપુર વિધાનસભા
સીવાન જિલ્લાની આ બેઠક પર RJDએ બાહુબલી શાહબુદ્દીનના પુત્ર ઓસામા શહાબને ટિકિટ આપી છે. JDUએ અહીંથી વિકાસ કુમાર સિંહને ઉમેદવાર બનાવ્યા છે. જનસુરાજ તરફથી રાહુલ કીર્તિ મેદાનમાં છે. છેલ્લી બે ચૂંટણીમાં અહીંથી RJDએ જીત મેળવી છે. બન્ને વખત RJDના હરિશંકર યાદવ જીત્યા છે. પાર્ટીએ આ વખતે તેમની જગ્યાએ ઓસામા શહાબને ટિકિટ આપી છે.
ગરખા વિધાનસભા
લોકજનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના પ્રમુખ ચિરાગ પાસવાનના ભાણીયા સીમાંત મૃણાલ અહીંથી LJPની ટિકિટ પર પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે. ગત વખતે આ બેઠક પર ભાજપના ઉમેદવાર હાર્યા હતા. આ વખતે NDA ગઠબંધનમાં ભાજપે આ બેઠક LJP માટે છોડી દીધી છે. RJDએ આ બેઠક પર વર્તમાન ધારાસભ્ય સુરેન્દ્ર રામને જ ટિકિટ આપી છે. જનસુરાજે મનોહર કુમાર રામને ઉમેદવાર બનાવ્યા છે.

