મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનો મોટો નિર્ણય, દાનની ગણતરી માટે બદલાયા કડક નિયમો!

અયોધ્યાના રામ મંદિરમાં દાનની ગણતરી અને તેની વ્યવસ્થ

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનો મોટો નિર્ણય, દાનની ગણતરી માટે બદલાયા કડક નિયમો!
આ સમાચાર સાંભળો

અયોધ્યાના રામ મંદિરમાં દાનની ગણતરી અને તેની વ્યવસ્થાને વધુ સુરક્ષિત તેમજ પારદર્શક બનાવવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં દાનની કથિત ચોરીનો મામલો સામે આવ્યા બાદ ટ્રસ્ટ એલર્ટ થઈ ગયું છે. ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે હવે કાઉન્ટિંગ સિસ્ટમમાં ખૂબ જ મોટા અને કડક ફેરફારો કરવામાં આવ્યા છે.

કાઉન્ટિંગ હોલમાં કડક સુરક્ષા અને નવો ડ્રેસ કોડ

રામ મંદિરમાં દાનની ગણતરી કરતા કર્મચારીઓ માટે હવે ડબલ ચેકિંગ અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કાઉન્ટિંગ હોલમાં પ્રવેશતા પહેલાં દરેક કર્મચારીએ બે તબક્કાની સખત સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડશે. આ ઉપરાંત, કર્મચારીઓ માટે એક ખાસ નવો ડ્રેસ કોડ પણ લાગુ કરવામાં આવ્યો છે. હવેથી ગણતરી કરનારા તમામ કર્મચારીઓએ એક પણ ખિસ્સું (પોકેટ) ન હોય તેવા ડાર્ક બ્લુ રંગના કપડાં પહેરવા ફરજિયાત રહેશે.

બેઠક વ્યવસ્થામાં ફેરફાર અને પ્રતિબંધો

નવા નિયમો અનુસાર, હવે દાનની ગણતરી ટેબલ-ખુરશી પર નહીં, પરંતુ જમીન પર બેસીને કરવામાં આવશે. સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે કાઉન્ટિંગ હોલની અંદર મોબાઈલ ફોન, કેમેરા, બેગ અથવા અન્ય કોઈપણ પ્રકારનો વ્યક્તિગત સામાન લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. એટલું જ નહીં, કર્મચારીઓએ હોલમાં પ્રવેશતા પહેલાં પોતાના જૂતા-ચપ્પલ પણ બહાર જ ઉતારવા પડશે.

'વ્યવસ્થા કાર્યકર્તા' પાસના નામે ચોરીનો ખેલાયો ખેલ

આ દરમિયાન રામ મંદિરમાં દાનની કથિત ચોરીના કેસમાં ઝડપાયેલા આરોપી અનુકલ્પ મિશ્રાને લઈને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ, અનુકલ્પ મિશ્રાના નામે મંદિરમાં 'વ્યવસ્થા કાર્યકર્તા' તરીકેનો એન્ટ્રી પાસ જાહેર કરવામાં આવતો હતો. આરોપ છે કે મંદિરમાં યોજાતા દરેક વિશેષ કાર્યક્રમો દરમિયાન તેના નામે આ પાસ તૈયાર થતો હતો અને આ જ પાસનો ઉપયોગ કરીને તે મંદિર પરિસરમાં પ્રવેશ મેળવતો હતો. આ 'વ્યવસ્થા કાર્યકર્તા'ના પાસના આધારે જ તે દાનની રકમ ગણવાની પ્રક્રિયામાં સામેલ થતો હતો અને કથિત ચોરીને અંજામ આપતો હતો.

દોષિતોને સીધી ફાંસી આપવાની માંગ

રામ મંદિરમાં બનેલી આ ઘટનાને પગલે શ્રદ્ધાળુઓ સહિત મંદિર ટ્રસ્ટમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય મહંત દિનેન્દ્ર દાસ મહારાજે આ મામલે આક્રોશ વ્યક્ત કરતા દોષિતો માટે કડકમાં કડક સજાની માંગ કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, 'ભગવાનના ઘરમાં ગુનો કરનારાઓને સીધી ફાંસીના માચડે લટકાવી દેવા જોઈએ.'

આ સમાચાર શેર કરો