ચૂંટણી પંચનો મોટો નિર્ણય! હવે ફોર્મ-7 ભરવા પર મર્યાદા, જાણો નવા નિયમો

Election Commission Form 7 Rules: મતદાર યાદીમાંથી નામ હટાવવા માટે ઉપયોગમાં લેવાતા ફોર્મ-7 અંગે ચૂંટણી પંચે નવા નિયમો લાગુ કર્યા છે. નવા નિયમ મુજબ, ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ (SIR) દરમિયાન એક વ્યક્તિ વધુમાં વધુ 10 ફોર્મ-7 અરજીઓ જમા કરાવી શકશે. જ્યારે સામાન્ય દિવસોમાં દર મહિને મહત્તમ 5 અરજીઓ જ કરી શકાશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ખોટી અને મોટા પાયે કરવામાં આવતી ફરિયાદોને કારણે મતદારોને થતી હેરાનગતિ અટકાવવા તથા ચૂંટણી અધિકારીઓ પરનો કાર્યભાર ઘટાડવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મર્યાદા ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારની અરજીઓ પર લાગુ પડશે.
શું છે ફોર્મ-7 અને કોણ કરી શકે અરજી?
મતદાર યાદીમાં નોંધાયેલા કોઈ નામ સામે વાંધો ઉઠાવવા અથવા મતદારનું નામ યાદીમાંથી દૂર કરવાની વિનંતી કરવા માટે ફોર્મ-7નો ઉપયોગ થાય છે. મતદાર નોંધણી નિયમો, 1960ના નિયમ 13(2) હેઠળ સંબંધિત વિધાનસભા મતવિસ્તારની મતદાર યાદીમાં નોંધાયેલ વ્યક્તિ જ આ ફોર્મ ભરી શકે છે. અગાઉ ઓનલાઈન માધ્યમથી એકસાથે છ ફોર્મ ભરવાની સુવિધા હતી, જ્યારે ઓફલાઈન અરજીઓ માટે આવી મર્યાદા નહોતી. હવે ચૂંટણી પંચે બંને માધ્યમો માટે એકસરખી મર્યાદા નક્કી કરી છે.
ખોટી અરજીઓ સામે કડક કાર્યવાહી, રાજકીય વિવાદો વચ્ચે નિર્ણય
તાજેતરમાં કર્ણાટક, ઓડિશા, ઝારખંડ અને તેલંગાણા સહિતનાં રાજ્યોમાં ફોર્મ-7ના કથિત દુરુપયોગ અંગે ફરિયાદો અને આરોપો સામે આવ્યા હતા. કેટલાક કિસ્સાઓમાં વિરોધી મતદારોનાં નામ યાદીમાંથી દૂર કરાવવાના પ્રયાસોના આક્ષેપ પણ થયા હતા. ઓડિશામાં બૂથ લેવલ ઓફિસર (BLO)ના લોગ-ઈન આઈડીનો દુરુપયોગ કરીને અરજીઓ અપલોડ કરવાના મામલે અધિકારી સામે કાર્યવાહી થયાનો અહેવાલ હતો. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે જાણીજોઈને ખોટી અથવા બનાવટી ફરિયાદ કરનાર સામે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની કલમ 31 હેઠળ કાનૂની કાર્યવાહી થઈ શકે છે.
મતદારનું નામ દૂર કરતાં પહેલાં સુનાવણી જરૂરી
ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી નામ દૂર કરવાની પ્રક્રિયામાં સુનાવણીની જોગવાઈ પણ સ્પષ્ટ કરી છે. ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર (ERO)એ વાંધો નોંધાવનાર વ્યક્તિને નોટિસ આપીને તેની રજૂઆત સાંભળવી પડશે. જો વાંધો યોગ્ય જણાય અને કોઈ મતદારનું નામ દૂર કરવાની સ્થિતિ ઊભી થાય, તો સંબંધિત મતદારને પણ પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવી પડશે. બંને પક્ષોની રજૂઆતો અને નિવેદનો નોંધ્યા બાદ જ ERO અંતિમ નિર્ણય લઈ શકશે. આ પ્રક્રિયાનો હેતુ મતદારોના અધિકારોનું રક્ષણ કરવો અને નામ દૂર કરવાની કાર્યવાહી વધુ પારદર્શક બનાવવાનો છે.

