મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'અમૃતસર જ કેમ?', US વિમાન લેન્ડિંગ પર પંજાબના CMને મળ્યો કોંગ્રેસનો સાથ, ભાજપે આપ્યો જવાબ

ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સ સાથે અમેરિકાથી નીકળેલા વિમાનના પંજાબમાં લેન્ડિંગ બાબત

'અમૃતસર જ કેમ?', US વિમાન લેન્ડિંગ પર પંજાબના CMને મળ્યો કોંગ્રેસનો સાથ, ભાજપે આપ્યો જવાબ

ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સ સાથે અમેરિકાથી નીકળેલા વિમાનના પંજાબમાં લેન્ડિંગ બાબતે રાજકીય ગરમાવો વધ્યો છે. મુખ્યમંત્રી ભગવંત માને આને પંજાબીઓ અને પંજાબને બદનામ કરવાનો ભાજપનો પ્રયાસ ગણાવ્યો છે. ૧૫-૧૬ ફેબ્રુઆરીના રોજ અમૃતસરમાં ૧૧૯ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સાથેની બીજી ફ્લાઇટના ઉતરાણની પુષ્ટિ થયા પછી આ નિવેદન આવ્યું છે. અગાઉ ૫ ફેબ્રુઆરીએ 100થી વધુ ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને એક અમેરિકન વિમાન અમૃતસરના શ્રીગુરુરામદાસજી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતર્યું હતું.

ભાજપ પર પ્રહારો કર્યા

કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા પંજાબના સીએમ ભગવંત માને પૂછ્યું કે, વિદેશમંત્રીએ બતાવવું જોઈએ કે, વિમાન ઉતરણ માટે અમૃતસરને કયા આધારે પસંદ કરવામાં આવ્યું? એવું કહેવાય છે કે 119 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સમાંથી 67 પંજાબના હોઈ અમૃતસરમાં ઉતરશે. તો પહેલું વિમાન ભાજપ શાસિત રાજ્ય ગુજરાતના અમદાવાદમાં કેમ ના ઉતર્યું? તેઓ પંજાબને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપ હંમેશા પંજાબીઓ અને પંજાબને બદનામ કરવાનો પ્રયાસ કરે છે.

https://twitter.com/ANI/status/1890400667061350841
 
પીએમ મોદીની તાજેતરની અમેરિકા મુલાકાત પર હુમલો

પીએમ મોદીની તાજેતરની અમેરિકા મુલાકાત પર કટાક્ષ કરતા પંજાબના મુખ્યમંત્રીએ પૂછ્યું કે શું દેશનિકાલ કરાયેલા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વડાપ્રધાનને આપેલી ભેટ છે? જે સમયે પીએમ મોદી અને (અમેરિકન રાષ્ટ્રપતિ) ટ્રમ્પ મળી રહ્યા હતા, તે સમયે તેઓ (અમેરિકન અધિકારીઓ) આપણા લોકોને બેડીઓમાં બાંધી રહ્યા હશે. શું આ ટ્રમ્પે આપેલી ભેટ છે? વિદેશ મંત્રાલયે સમજાવવું જોઈએ કે વિમાન લેન્ડ કરવા માટે અમૃતસરને કયા આધારે પસંદ કરવામાં આવ્યું.

પંજાબના નાણામંત્રી પર પણ હુમલો

પંજાબના નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ પણ ભાજપ પર પંજાબની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો. ચીમાએ દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકાર પંજાબીઓ સાથે સતત અન્યાય કરી રહી છે. ભાજપની આગેવાની હેઠળની સરકાર પંજાબને બદનામ કરી રહી છે. પંજાબમાં ઉતરેલી છેલ્લી યુએસ ફ્લાઇટમાં રાજ્યના ફક્ત 25 લોકો હતા. મોટાભાગના ગુજરાત અને હરિયાણા તેમજ અન્ય રાજ્યોના હતા. તેઓ પંજાબને બદનામ કરવા માંગે છે. તેમનું ગુજરાત મોડલ ફેલ રહ્યું છે.  

અકાલીદળના નેતાનું નિવેદન

શિરોમણી અકાલી દળના નેતા અને પંજાબના ભૂતપૂર્વ મંત્રી ગુલઝાર સિંહ રાનીકે કહ્યું કે, "પંજાબનું દુર્ભાગ્ય છે કે કેન્દ્ર સરકારોએ હંમેશા પંજાબને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. પંજાબ એક સરહદી રાજ્ય છે, ખાસ કરીને અમૃતસર જિલ્લો જે સરહદની નજીક છે. અહીં ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સના વિમાનો ઉતારવા એ પંજાબને બદનામ કરવાનું અને ફક્ત પંજાબીઓ ગેરકાયદેસર સ્થળાંતર કરનારા છે એવું બતાવવાનું કાવતરું છે. વિમાનો બીજે ક્યાંક ઉતરી શકે છે. અમે માંગ કરી રહ્યા છીએ કે અમૃતસરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવે, પરંતુ કેન્દ્ર તેની મંજૂરી આપતું નથી. પરંતુ હવે વિદેશી વિમાનો આવતા હોવાથી અમને બદનામ કરવા માટે અમૃતસરમાં ઉતરાણ કરવામાં આવે છે. વિમાનો ગુજરાત, હરિયાણા અથવા અન્ય કોઈપણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરી શકે છે. બધા રાજ્યોના લોકો ગયા છે, ફક્ત પંજાબથી જ નહીં. આ એક સુનિયોજિત કાવતરું છે.

કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીનું નિવેદન

અમેરિકાથી ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને અમૃતસર લઈ જતી ફ્લાઇટ્સ અંગેના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નિવેદન પર કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કહ્યું કે, મૂળ વાત એ છે કે જે લોકો અમેરિકા ગયા હતા, પછી ભલે તે પંજાબના હોય કે ગુજરાતના કે હરિયાણાના... તે બધા આર્થિક લાભ મેળવવા ગયા હતા. ભગવંત માન બિલકુલ સાચા છે કે તેમને પંજાબ કેમ લાવવામાં આવી રહ્યા છે? આ વિમાન દિલ્હીમાં પણ ઉતરી શક્યું હોત... તમે શું સંદેશ આપવા માગો છો? 

ભાજપ પ્રદેશ મહાસચિવે પણ આપી પ્રતિક્રિયા

ભગવંત માનના નિવેદન પર ભાજપના પ્રદેશ મહાસચિવ અનિલ સરીને કહ્યું કે, ' જે લોકોને પરત મોકલવામાં આવ્યા છે અને જે ભારત આવી રહ્યાં છે તેમાં કોઇ શંકા નથી કે મોટાભાગના પંજાબના છે. આશરે 100 પેસેન્જરના પ્રથમ વિમાનમાં 33 પંજાબના હતા અને આજે આવનારા 119 મુસાફરોના વિમાનમાં 66 પંજાબના છે. વિમાન ક્યા ઉતરશે તેના પર બેકારની રાજનીતિ કરવામાં આવી રહી છે. ભાજપના પ્રદેશ મહાસચિવે વધુમાં કહ્યું કે, મુદ્દો આ છે કે આ લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા કોને મોકલ્યા. લાખો રૂપિયા ખર્ચ કરીને આ લોકો ગેરકાયદેસર રીતે વિદેશ જવા માટે ટ્રાવેલ એજન્ટોને પૈસા આપે છે. પંજાબ સરકાર જણાવે કે તેમને તે ટ્રાવેલ એજન્ટો વિરૂદ્ધ શું કાર્યવાહી કરી? પંજાબના મુખ્યમંત્રીએ જે રીતે વડાપ્રધાન વિશે વાતો કરી છે હું તેની ટીકા કરૂ છું.'

આ સમાચાર શેર કરો