‘અમને રાજ્યમંત્રી પદ નથી મંજૂર’, NCPના પ્રફુલ પટેલ મંત્રી પદને લઇને નારાજ
મોદી સરકાર 3.0નો શપથ ગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયો હતો.

મોદી સરકાર 3.0નો શપથ ગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયો હતો. નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. શપથ ગ્રહણ પહેલા જ અજિત પવાર જૂથની નારાજગી સામે આવી છે.
ઉલ્લેખનીય છે કે અજિત પવાર જૂથની NCP પાર્ટી ભાજપ સાથે ગઠબંધન કરી NDAમાં સામેલ છે. અજિત પવાર જૂથવાળી NCP પાર્ટી કેબિનેટ મિનિસ્ટર પદ ના મળતા નારાજ છે. શપથ ગ્રહણ સમારોહ પહેલા દિલ્હીમાં NCP નેતા પ્રફુલ્લ પટેલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, "અમને સ્વતંત્ર હવાલાવાળા રાજ્યમંત્રી પદ વિશે માહિતી મળી છે પરંતુ હું પોતે ભારત સરકારનો કેબિનેટ મંત્રી રહી ચૂક્યો છું. અમે ખુશ છીએ કે તેઓએ અમને આ વાતની જાણ કરી, પરંતુ તે પદ લેવું અમારા માટે થોડું મુશ્કેલ છે. જે અટકળો લગાવવામાં આવી રહી છે તે ખોટી છે, ભાજપ અને અમારા વચ્ચે કોઈ મતભેદ નથી. તેમના જોડે ચર્ચા ચાલી રહી છે તેમાં આશ્વાસન આપવામાં આવ્યું છે કે થોડા દિવસ રાહ જુઓ. અમે તમારા વિશે કેબિનેટ મિનિસ્ટર પદની સમક્ષ કૈક વ્યવસ્થા કરી આપીશું"
'શિવસેનાની જેમ અમને પણ પદ મળવું જોઇએ', મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર નારાજ
લોકસભા ચૂંટણીના પરિણામ બાદ 18મી લોકસભાની રચનાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. મોદી સરકાર 3.0નું શપથ ગ્રહણ સમારંભ 7.15 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાવા જઇ રહ્યું છે. આ પહેલા મહારાષ્ટ્રમાં મંત્રી પદને લઇને વિવાદ ઉભો થયો છે.અજિત પવારે મંત્રી પદને લઇને નારાજગી વ્યક્ત કરી છે.
અજિત પવાર નારાજ
કેબિનેટમાંથી બહાર રહેવા પર NCPના પ્રમુખ અજિત પવારે કહ્યું કે, 'રાજ્ય મંત્રીનું પદ મંજૂરક નથી, શિવસેનાની જેમ અમને પણ પદ મળવું જોઇએ.'
દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું હતું?
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો હતો કે અજિત પવારની NCPને રાજ્ય મંત્રીનું પદ ઓફર કરવામાં આવ્યું હતું પરંતુ તેમને કેબિનેટ બર્થ પર ભાર આપ્યો છે.
શપથ ગ્રહણ સમારંભ પહેલા મંત્રી પદને લઇને રાજ્યસભા સાંસદ પ્રફુલ પટેલ અને સુનીલ તટકરે વચ્ચે વિવાદ ઉભો થયો હતો. સુનીલ તટકરેએ કહ્યું કે નરેન્દ્ર મોદી કેબિનેટમાં કોઇ રાજ્યસભા સભ્ય નથી પણ લોકસભાના સભ્યને મંત્રી પદ મળવું જોઇએ. સુનીલ તટકરે મહારાષ્ટ્રમાં NCPના અધ્યક્ષ છે અને લોકસભાના સાંસદ છે.
સુનીલ તટકરે NCPના એકમાત્ર એવા નેતા છે જે લોકસભા ચૂંટણી જીતીને આવ્યા છે. અજિત પવારની NCP મહારાષ્ટ્રમાં ચાર બેઠક પર ચૂંટણી લડી હતી જેમાંથી માત્ર રાયગઢ બેઠક પર જ તેને જીત મળી હતી. ભાજપે ખુદને આ મુદ્દાથી દૂર કરી લીધો છે અને NCP પ્રમુખ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારને આ મામલો હલ કરવા કહ્યું હતું.








