PM મોદી સાથે મોહમ્મદ યુનુસે કરી વાત, બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષાનો આપ્યો ભરોસો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ સાથે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ સાથે ફોન પર વાત કરી છે. આ વાતચીતમાં તેમણે બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ બાંગ્લાદેશ લોકતાંત્રિક, સ્થિર, શાંતિપૂર્ણ અને પ્રગતિશીલ હોવા માટે ભારતના સમર્થનની વાત કરી હતી. તો પ્રોફેસર યુનુસે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને તમામ લઘુમતીઓની સુરક્ષા અને રક્ષણની ખાતરી આપી હતી. વડાપ્રધાન મોદીએ પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી.
બાંગ્લાદેશમાં વ્યાપક હિંસા થયા બાદ હિન્દુઓની સુરક્ષા અંગે ભારતીયો ચિંતિત હતા, જોકે હવે બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યૂનુસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું છે કે, ‘બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યૂનુસ સાથે ફોન પર વાતચીત થઈ. તેમણે મારી સાથે બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી. બાંગ્લાદેશમાં હિન્દુઓ અને લઘુમતીઓની સુરક્ષાની ખાતરી આપી છે. ભારતે પણ બાંગ્લાદેશની લોકશાહી, સ્થિરતા, શાંતિ અને પ્રગતિ માટે સમર્થન આપ્યું છે.’
શેખ હસીના સરકારનું પતન થયા બાદ બાંગ્લાદેશમાં રહેતા હિન્દુ સમાજના લોકો વિરુદ્ધ હિંસા વધી છે. બાંગ્લાદેશમાં નોકરિઓમાં અનામતનો ભારે વિરોધ બાદ ઠેર-ઠેર હિંસા થઈ હતી. આ આંદોલનમાં લાખો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. હિંસાના કારણે શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેવું પડ્યું હતું અને તેઓ દેશ છોડીને પાંચમી ઓગસ્ટે ભારત આવી ગયા હતા.
બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારનું પતન થયા બાદ મોહમ્મદ યૂનુસે આઠમી ઓગસ્ટે વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર તરીકે શપથ લીધા છે. વડાપ્રધાન મોદીએ પણ યૂનુસને કાર્યભાર સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે તેમણે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતી સમાજના લોકોની સુરક્ષા કરવા આહવાહન કર્યું હતું.
48 જિલ્લામાં 278 સ્થળો પર હુમલા અને ધમકી
બાંગ્લાદેશ નેશનલ હિન્દુ ગ્રેડ અલાયન્સ નામના એક બિન-રાજકીય હિન્દુ સંગઠને દાવો કર્યો છે કે, શેખ હસીના સરકારનું પાંચમી ઓગસ્ટે પતન થયા બાદ લઘુમતી સમાજના લોકો પર હુમલો થઈ રહ્યા છે. દેશના 48 જિલ્લામાં 278 સ્થળો પર લઘુમતી સમાજના લોકોએ હુમલા અને ધમકીઓનો સામનો કરવો પડ્યો છે. સંગઠને આ ઘટનાઓને ‘હિન્દુ ધર્મ પર હુમલો’ કહ્યો છે.







