મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બાંગ્લાદેશે શેખ હસીનાને સોંપી દેવા કરી માંગણી; ભારત તેમનું પ્રત્યાર્પણ કરશે કે નહીં?

India-Bangladesh Controversy On Sheikh Hasina : બાંગ્લાદેશમાં ‘આંતરરા

બાંગ્લાદેશે શેખ હસીનાને સોંપી દેવા કરી માંગણી; ભારત તેમનું પ્રત્યાર્પણ કરશે કે નહીં?

India-Bangladesh Controversy On Sheikh Hasina : બાંગ્લાદેશમાં ‘આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાલય’ (ICT - ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલ) દ્વારા પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને માનવતા વિરુદ્ધના ગંભીર ગુનાઓ માટે દોષિત ઠેરવીને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે. ઓગસ્ટ, 2024માં રાજીનામું આપ્યા બાદથી શેખ હસીના ભારતની રાજધાની દિલ્હીમાં સુરક્ષિત સ્થાને રહે છે. બાંગ્લાદેશ દ્વારા ભારત પાસે હસીનાના પ્રત્યાર્પણની માંગણી કરવામાં આવી છે, ત્યારે ચાલો જાણીએ કે, ભારત આ મુદ્દે શું કરશે, માંગણીને નકારવાના ભારત પાસે કયા કયા વિકલ્પો છે.

બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ અને ભારતમાં આશ્રય

ગયા વર્ષે બાંગ્લાદેશમાં થયેલા બળવાના પરિણામસ્વરૂપે શેખ હસીનાને સત્તા છોડીને ભારતમાં રાજકીય આશ્રય લેવો પડ્યો હતો. ત્યારથી બાંગ્લાદેશમાં તેમની વિરુદ્ધ તપાસ ચાલુ હતી. હવે ICT એ તેમને મૃત્યુદંડની સજા સંભળાવી હોવાથી આખી દુનિયાનું ધ્યાન આ તરફ દોરાયું છે. શેખ હસીનાના મુદ્દાએ ભારત માટે સંવેદનશીલ રાજનૈતિક સમસ્યા ઊભી કરી છે કે, શું બાંગ્લાદેશના દબાણ હેઠળ હસીનાને પરત સોંપી દેવા, કે પછી અન્ય કોઈ માર્ગ અખત્યાર કરવો?

પ્રત્યાર્પણ માંગણીઓ સતત નિષ્ફળ રહી

શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ તેમના રાજીનામા બાદથી જ શરૂ થઈ ગઈ હતી. ડિસેમ્બર, 2024માં બાંગ્લાદેશ સરકારે ભારતને એક રાજદ્વારી નોંધ મોકલીને હસીનાને કાનૂની કાર્યવાહી માટે હસ્તાંતરિત કરવાની માંગ કરી હતી. ત્યારની વચગાળાની સરકારે આરોપ મૂક્યો હતો કે હસીના સેંકડો યુવા વિદ્યાર્થીઓના જીવ લેનાર હિંસક ઘટનાક્રમ માટે જવાબદાર છે. આ માંગણીની ભારતે કોઈ સ્પષ્ટ પ્રતિક્રિયા આપી નહોતી. એ ઉપરાંત, હસીનાને શોધી કાઢવા અને પરત લાવવા માટે બાંગ્લાદેશે ઇન્ટરપોલની સેવા પણ લીધી હતી, પરંતુ એ પ્રયત્નો પણ સફળ થયા નહોતા.

ભારત માટે પ્રત્યાર્પણ ન કરવાના સંભવિત કારણો કયા છે?

હવે જ્યારે હસીનાને સજા થઈ છે, ત્યારે ભારત માટે તેમને બાંગ્લાદેશને સોંપવા કે નહીં એનો નિર્ણય લેવો  જટિલ બની ગયો છે, કેમ કે જો હસીનાનું પ્રત્યાર્પણ નકારી કાઢવામાં આવે તો એનો અર્થ એ થાય કે ભારત તેમના ગુનાઓને સમર્થન આપે છે. જોકે, ભારત પાસે આ મુદ્દાને પડકારવાના પૂરતા કારણો છે ખરા. નીચે મુજબના બે કારણોસર ભારત પ્રત્યાર્પણની માંગણીને ઠુકરાવી શકે છે.

- ICT પર ભૂતકાળમાં રાજકીય પૂર્વગ્રહથી ચુકાદા આપવાના આરોપો મુકાયા છે, તેથી ભારત હસીનાના મૃત્યુદંડની સજાનો વિરોધ કરી શકે છે. 

- ઢાકામાં નવી સરકાર હોવાને કારણે ભારત એવો પ્રશ્ન ઉઠાવી શકે છે કે, શું હસીનાની સામેની કાર્યવાહી સંપૂર્ણ રીતે નિષ્પક્ષ અને ન્યાયી છે? 

પ્રત્યાર્પણ સંધિના નિયમોનો લાભ ભારત કઈ રીતે ઉઠાવી શકે? 

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2013માં શેખ હસીનાની સરકાર દ્વારા જ પ્રત્યાર્પણ સંધિ અમલમાં મુકવામાં આવી હતી. આ સંધિ ભારતને એવો અધિકાર આપે છે કે જો તેને લાગે કે પ્રત્યાર્પણની માંગણી પાછળ ગુપ્ત રાજકીય હેતુઓ છે, તો તે તેને નકારી શકે છે. વધુમાં, જો એવું લાગે કે આરોપીને તેમના દેશમાં પડકારજનક પરિસ્થિતિ અથવા અન્યાયી કાર્યવાહીનો સામનો કરવો પડશે, તો પણ પ્રત્યાર્પણ ન કરવાનો વિકલ્પ ખુલ્લો છે. જોકે, સંધિમાં એ મર્યાદા પણ છે કે ગંભીર ગુનાઓ (જેવા કે, નરસંહાર)ના આરોપીઓને સોંપવાનો ઇનકાર કરવો અઘરો છે. હસીના પર આવા જ ગંભીર આરોપો લાગેલા છે, જે ન્યાયાલય દ્વારા સાબિત થયા છે, તેથી આ મર્યાદા ભારત માટે એક અડચણ ઊભી કરે છે.

શેખ હસીના સાથેના મૈત્રીપૂર્ણ સંબંધોને આધારે નિર્ણય લેવાશે?

શેખ હસીના લાંબા સમયથી ભારતના વિશ્વસનીય સાથી રહ્યાં છે. સરહદીય સુરક્ષા, આતંકવાદ નિવારણ અને દેશના ઉત્તર-પૂર્વી ભાગોમાં શાંતિ સ્થાપનામાં તેમના યોગદાનને નકારી શકાય નહીં. તેમની સાથે ભારતના સંબંધો હંમેશાં મૈત્રીપૂર્ણ રહ્યાં હોવાથી એમ માનવું તર્કસંગત છે કે, ભારત તરત તેમનું પ્રત્યાર્પણ સ્વીકારશે નહીં. આ મુદ્દે ભારતે બાંગ્લાદેશ સાથેના રાજનૈતિક સંબંધો અને માનવાધિકારો પ્રત્યેની પ્રતિબદ્ધતા જેવી બાબતોને ધ્યાનમાં લઈને નિર્ણય એવો પડશે. 

આ સમાચાર શેર કરો