ચૂંટણી પહેલા કોંગ્રેસે બજરંગ પુનિયાને સોંપી મોટી જવાબદારી, આજે જ પકડ્યો હતો 'હાથ'
હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પહેલા આજે પહેલવાન વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ

હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પહેલા આજે પહેલવાન વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં સામેલ થયા છે. ત્યારે કોંગ્રેસમાં જોડાયાને ગણતરીના કલાકોમાં બજરંગ પુનિયાને મોટી જવાબદારી સોંપી છે. કોંગ્રેસે બજરંગ પુનિયાને અખિલ ભારતીય કિસાન કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે.
બજરંગ પુનિયા અખિલ ભારતીય કિસાન કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત
કોંગ્રેસ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તાત્કાલિક અસરથી અખિલ ભારતીય કિસાન કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પદ પર બજરંગ પુનિયાની નિમણૂકને મંજૂરી આપી છે.
કેસી વેણુગોપાલે કોંગ્રેસનો ખેસ પહેરાવીને વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાને આવકાર્યા હતા. વિનેશ ફોગાટે કોંગ્રેસમાં સામેલ થયા પહેલા રેલ્વેની નોકરી છોડી દીધી હતી.
હરિયાણામાં 5 ઓક્ટોબરે મતદાન
હરિયાણા વિધાનસભાની ચૂંટણી 5 ઓક્ટોબરે યોજાશે. જ્યારે 8મી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. તમને જણાવી દઈએ કે પહેલા આ તારીખ 1 અને 4 ઓક્ટોબર હતી પરંતુ ચૂંટણી પંચે તેમાં ફેરફાર કર્યો હતો.







