મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બદલાપુર કેસ: વિશેષ સરકારી વકીલની નિમણૂક, તપાસ મહિલા IPS અધિકારીને; ઈન્ટરનેટ સેવા બંધ

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના બદલાપુરની એક શ

બદલાપુર કેસ: વિશેષ સરકારી વકીલની નિમણૂક, તપાસ મહિલા IPS અધિકારીને; ઈન્ટરનેટ સેવા બંધ

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના બદલાપુરની એક શાળામાં ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બાદ સમગ્ર શહેરમાં રોષ ફેલાયો છે. દરેક લોકો રસ્તા પર આવી ગયા છે. રોષે ભરાયેલા નાગરિકો રેલવે ટ્રેક પર ઉતરી આવ્યા હતા અને રેલ રોકો પ્રદર્શન કર્યું હતું. 

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે તેમણે પોલીસને થાણે જિલ્લાના બદલાપુરની એક શાળામાં બે વિદ્યાર્થીનીઓ પર જાતીય શોષણ કરવા બદલ ધરપકડ કરાયેલા આરોપીઓ સામે બળાત્કારના પ્રયાસનો કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો છે. શિંદેએ એમ પણ કહ્યું કે આ કેસ ઝડપથી ચલાવવામાં આવશે અને તેના માટે વિશેષ સરકારી વકીલની નિમણૂક કરવામાં આવશે. સરકારે ખાસ સરકારી વકીલ તરીકે ઉજ્જવલ નિકમની નિમણૂક કરી છે જે પીડિત બાળકીઓ વતી કેસ લડશે. બદલાપુરમાં સાવધાનીના પગલે ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે.

વિરોધ હિંસક બન્યો, વિરોધીઓએ શાળામાં તોડફોડ કરી

પોલીસે જણાવ્યું હતું કે વિરોધ હિંસક બની ગયો હતો અને વિરોધીઓએ શાળામાં તોડફોડ કરી હતી જ્યાં ગયા અઠવાડિયે કથિત ઘટના બની હતી. તેઓએ બદલાપુર રેલવે સ્ટેશન પર પણ પથ્થરમારો કર્યો હતો. મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી (CPRO) સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે સોલાપુર-CSMT વંદે ભારત એક્સપ્રેસ સહિત ઓછામાં ઓછી 12 મેલ-એક્સપ્રેસ ટ્રેનોને દિવા-પનવેલ-કર્જત સ્ટેશનો દ્વારા મોકલવામાં આવી હતી. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં અંબરનાથ અને કર્જત/ખોપોલી વચ્ચે 30 ઉપનગરીય ટ્રેનો રદ કરવામાં આવી છે. સાંજના ધસારાના સમયે આ સંખ્યામાં ઝડપથી વધારો થવાની શક્યતા છે.

12 ટ્રેનોના રૂટ બદલાયા, સ્થિતિ યથાવત છે

થાણે જિલ્લાની એક શાળામાં બે વિદ્યાર્થીનીઓ પર કથિત જાતીય શોષણના મામલે મંગળવારે બદલાપુર સ્ટેશન પર રેલ રોકો વિરોધને કારણે 12 લાંબા અંતરની ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. જ્યારે સત્તાવાળાઓએ ફસાયેલા મુસાફરો માટે બસોની વ્યવસ્થા કરી છે. લગભગ 30 ઉપનગરીય ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવી હતી અને રેલવેએ વધારાની બસો ચલાવવા માટે રાજ્ય અને શહેર પરિવહન સંસ્થાઓનો સંપર્ક કર્યો છે. અંબરનાથ અને કર્જત સ્ટેશનો વચ્ચેની લોકલ ટ્રેન સેવાઓ સવારે 10:10 વાગ્યાથી સ્થગિત કરવામાં આવી હતી કારણ કે ઘણી મહિલાઓ સહિત વિરોધકર્તાઓ રેલ્વે ટ્રેક પર આવ્યા હતા અને ટ્રાફિકને અવરોધિત કર્યો હતો.

બદલાપુર ઘટનાની તપાસ મહિલા IPS અધિકારી કરશેઃ દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે જણાવ્યું હતું કે થાણે જિલ્લાના બદલાપુરમાં બે શાળાની છોકરીઓ સાથે કથિત દુર્વ્યવહારની ઘટનાની એક મહિલા IPS અધિકારીના નેતૃત્વમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ફડણવીસે કહ્યું કે રાજ્ય સરકારે તપાસ હાથ ધરવા માટે ઈન્સ્પેક્ટર જનરલ-રેન્ક ઈન્ડિયન પોલીસ સર્વિસ (આઈપીએસ) અધિકારી આરતી સિંહની નિમણૂક કરી છે. તેમણે કહ્યું કે અમારી કોશિશ હશે કે આ ઘટનાની વહેલી તકે તપાસ થાય. અમે આ કેસમાં વહેલી તકે ચાર્જશીટ દાખલ કરવા અને સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઈ જવા માંગીએ છીએ.

આ સમાચાર શેર કરો