મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

અરવિંદ કેજરીવાલ જેમ ઈચ્છે તેમ...,  સુપ્રીમે દિલ્હી સીએમને આપી મોટી છૂટ 

દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના વડા અરવિંદ કેજરીવાલને શુક્રવારે સુપ્રીમ કોર્ટમાંથી મો

અરવિંદ કેજરીવાલ જેમ ઈચ્છે તેમ...,  સુપ્રીમે દિલ્હી સીએમને આપી મોટી છૂટ 

દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના વડા અરવિંદ કેજરીવાલને શુક્રવારે સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ED દ્વારા કરાયેલી ધરપકડને પડકારતી કેજરીવાલની અરજીને મોટી બેન્ચ સમક્ષ મોકલી આપવા સાથે તેમને વચગાળાના જામીન આપ્યા છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની ખંડપીઠે મોટી બેંચના નિર્ણય સુધી તેમને મુક્ત કરવાનો આદેશ આપવા સાથે જેલમાંથી સરકાર ચલાવવાનો નિર્ણય કેજરીવાલની મરજી ઉપર છોડ્યો હતો.

સુપ્રીમ કોર્ટે કેજરીવાલના 'જેલમાંથી સરકાર'ના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો સ્પષ્ટ ના પાડી દીધી. વચગાળાના જામીન આપતાં દેશની સૌથી મોટી કોર્ટે કહ્યું કે, 'કેજરીવાલ એક ચૂંટાયેલા નેતા છે, આ તેમને નિર્ણય લેવાનો છે કે તેઓ દિલ્હીના મુખ્યમંત્રી પદ પર ચાલુ રહેવા માંગે છે કે નહીં. આ પહેલા હાઈકોર્ટે પણ કેજરીવાલને પદ પરથી હટાવવાની માંગ કરતી અનેક અરજીઓ ફગાવી દીધી હતી.

દિલ્હીની કથિત દારૂ નીતિ કૌભાંડમાં 21 માર્ચે ED દ્વારા ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલ હજુ પણ મુખ્યમંત્રી પદ પર યથાવત છે. કેજરીવાલે જેલમાંથી જ સરકાર ચલાવવાનું નક્કી કર્યું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ રાજીનામું આપીને બીજેપીના ષડયંત્રને સફળ થવા નહીં દે. કેજરીવાલ મુખ્યમંત્રીના હોદ્દા ઉપર રહીને જેલમાં જનારા પ્રથમ મુખ્યમંત્રી છે. અગાઉ લાલુ પ્રસાદ યાદવથી લઈને હેમંત સોરેન સુધીના મુખ્યમંત્રીઓની ધરપકડ થઈ ત્યારે તેઓએ પદ છોડી દીધું હતું.  

જણાવી દઈએ કે,સુપ્રીમ કોર્ટે કેજરીવાલની EDએ કરેલી ધરપકડ ખોટી હતી કે યોગ્ય એ બાબતે હજુ સુધી પોતાનો ચુકાદો આપ્યો નથી. કોર્ટે પોતાનો નિર્ણય મોટી બેંચને મોકલવાની ભલામણ કરી છે. ત્યાં સુધી તેમને વચગાળાના જામીન આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. જોકે, વચગાળાના જામીન મળવા છતાં કેજરીવાલ જેલમાંથી બહાર આવી શકશે નહીં, કારણ કે તેમની સીબીઆઈ કેસમાં ધરપકડ પણ થઈ ચૂકી છે અને જામીન અરજી હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે.

આ સમાચાર શેર કરો