VIDEO: અરુણાચલમાં વરસાદથી તબાહી, ધોવાયો ચીન સરહદને જોડતો નેશનલ હાઈવે
અરુણાચલ પ્રદેશમાં સતત વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં, ગુરુવાર (25 એપ

અરુણાચલ પ્રદેશમાં સતત વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં, ગુરુવાર (25 એપ્રિલ)ના રોજ એક વિશાળ ભૂસ્ખલન થયું, જેમાં ચીન સાથેની સરહદને જોડતા હાઇવેનો એક ભાગ તૂટી ગયો છે. એક અહેવાલ મુજબ ભૂસ્ખલનથી હુનલી અને અનીની વચ્ચેના રોઈંગ અનીની હાઈવેને મોટું નુકસાન થયું છે. આ એકમાત્ર માર્ગ છે, જે દિબાંગ ખીણ જિલ્લાને દેશના બાકીના ભાગો સાથે જોડે છે.
આ પણ વાંચોઃ રેલવેએ લીધો મોટો નિર્ણય, હવે વેઇટિંગ ટિકિટ કેન્સલ કરાવવા પર લાગશે આટલો ચાર્જ
સીએમ પ્રેમા ખાંડુએ વ્યક્ત કરી ચિંતા
આ અકસ્માત બાદ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પ્રેમા ખાંડુએ ટ્વિટ કરીને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ટ્વિટમાં કહ્યું કે, હુનલી અને અનીની વચ્ચેના હાઈવેને નુકસાન થવાને કારણે મુસાફરોને થઈ રહેલી અસુવિધા વિશે જાણીને તેઓ ચિંતિત છે. શક્ય તેટલી વહેલીતકે કનેક્ટિવિટી ફરી શરૂ કરવા માટે સૂચનાઓ જારી કરવામાં આવી છે, કારણ કે આ રસ્તો દિબાંગ ખીણને દેશના બાકીના ભાગો સાથે જોડે છે.
અરુણાચલમાં વરસાદનો કહેર
ઉલ્લેખનીય છે કે, અરુણાચલ પ્રદેશમાં સતત વરસાદ થઈ રહ્યો છે. જિલ્લા વહીવટીતંત્રનું કહેવું છે કે, આ હાઈવેને રિપેર કરવામાં ઓછામાં ઓછા ત્રણ દિવસનો સમય લાગશે. તેથી જ્યાં સુધી હાઈવેનું સમારકામ ન થાય ત્યાં સુધી દરેકને આ માર્ગ પરથી મુસાફરી કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે.
સામે આવ્યો ઘટનાનો વીડિયો
https://twitter.com/arunachaltimes_/status/1783145935071330803
ભૂસ્ખલનનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે, હાઈવેનો એક ભાગ ગાયબ થઈ ગયો છે, જેના કારણે વાહનોને બીજી તરફ જવું અશક્ય બની ગયું છે. આવી સ્થિતિમાં સ્થાનિક લોકો માટે ભારે મુશ્કેલીઓ ઉભી થઈ છે.








