'બાપ-દીકરાને મારવાની વ્યવસ્થા થઈ ગઈ છે', ભાજપ ધારાસભ્યના ફોન પર આવ્યો ધમકીભર્યો કોલ

પૂર્વ સાંસદ અને બાહુબલી નેતા બ્રિજભૂષણ શરણ સિંહ અને તેમના પુત્ર તથા ધારાસભ્ય પ્રતીક ભૂષણને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધારાસભ્ય પ્રતીક ભૂષણના ફોન પર કોઈએ કોલ કરીને કહ્યું કે 'બાપ-દીકરાને મારવાની વ્યવસ્થા થઈ ગઈ છે.' ધારાસભ્યના પ્રતિનિધિની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ધમકીભર્યો કોલ રાજસ્થાનના અલવરથી આવ્યો હતો. પોલીસ સર્વેલન્સ અને રાજસ્થાન પોલીસની મદદથી આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે.
14 જૂને આવ્યો હતો ધમકીભર્યો કોલ
મળતી માહિતી મુજબ 14 જૂનના રોજ ધારાસભ્ય પ્રતીક ભૂષણ સિંહના પર્સનલ મોબાઈલ નંબર પર એક કોલ આવ્યો હતો. ફોન ઉપાડતા જ સામેની વ્યક્તિએ ધારાસભ્ય અને તેમના પિતા બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધમકીની ગંભીરતાને જોતા ધારાસભ્ય પ્રતીક ભૂષણે તરત જ આ સમગ્ર મામલાની જાણ ગોંડાના પોલીસ અધિક્ષક (SP) ને કરી હતી. મામલો હાઈ-પ્રોફાઈલ હોવાથી એસપીના નિર્દેશ પર અજ્ઞાત નંબરના લોકેશન અને તેના માલિકની ભાળ મેળવવા સર્વેલન્સ અને સાયબર સેલની ટીમો એક્ટિવ કરવામાં આવી હતી.
ધારાસભ્યને ધમકી આપનાર ફોન કોલની તપાસ કરતાં પોલીસની પ્રાથમિક ટેકનિકલ તપાસ અને સર્વેલન્સ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, જે મોબાઈલ નંબર પરથી ભાજપના ધારાસભ્યને ધમકી આપવામાં આવી હતી, તેનું લોકેશન રાજસ્થાનમાં ટ્રેસ થયું છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ નંબર રાજસ્થાનના અલવર જિલ્લાના રહેવાસી સંદીપ શર્મા નામના વ્યક્તિના નામે રજિસ્ટર્ડ છે. જો કે, પોલીસ અત્યારે એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ સિમ કાર્ડ ખરેખર સંદીપ શર્મા જ વાપરી રહ્યો હતો કે પછી કોઈ અન્ય ગુનેગારે તેના નામે સિમ કાર્ડ મેળવીને આ કૃત્ય કર્યું હતું.
કોતવાલીમાં ગુનો દાખલ
આ મામલે ધારાસભ્યના પ્રતિનિધિ અજય સિંહે નગર કોતવાલી પહોંચીને પોલીસને લેખિત ફરિયાદ આપી હતી. આ ફરિયાદના આધારે ગોંડાની નગર કોતવાલી પોલીસે સંબંધિત કલમો હેઠળ અજ્ઞાત આરોપી વિરુદ્ધ FIR નોંધી તપાસ આદરી છે. પોલીસની એક ખાસ ટીમની રચના કરવામાં આવી રહી છે. હાલમાં બ્રિજભૂષણ શરણ સિંહ અને ધારાસભ્યની સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે.

