દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની સુરક્ષામાં ફરી મોટી ચૂક, શખ્સે કાર્યક્રમમાં ઘુસી નારા લગાવ્યા; પોલીસે પકડ્યો
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર જનસુનાવણી દરમિયાન રાજકોટના એક શખ્સે હુમલો કર્યો હતો.

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર જનસુનાવણી દરમિયાન રાજકોટના એક શખ્સે હુમલો કર્યો હતો. આ હુમલા બાદ દિલ્હીના મુખ્યમંત્રીની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો અને તેમણે Z કેટેગરની સુરક્ષા આપવામાં આવી હતી. જોકે, ફરી એક વખત દિલ્હીના CMની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે. એક શખ્સ કાર્યક્રમમાં ઘુસી ગયો હતો અને તેને નારા લગાવ્યા હતા. આ દરમિયાન પોલીસે શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
દિલ્હીના મુખ્યમંત્રીની સુરક્ષામાં ફરી ચૂક
દિલ્હીના ગાંધીનગરમાં એક કાર્યક્રમ દરમિયાન શખ્સ કાર્યક્રમમાં ઘુસી ગયો હતો અને નારેબાજી કરી હતી. આ ઘટના તે સમયે બની જ્યારે ગાંધીનગર વિધાનસભાના ધારાસભ્ય અરવિંદરસિંહ લવલી કાર્યક્રમને સંબોધતા હતા. મુખ્યમંત્રી રેખા ગુપ્તા પણ કાર્યક્રમમાં હાજર હતા. આ દરમિયાન એક શખ્સ કાર્યક્રમમાં ઘુસ્યો હતો અને નારેબાજી કરવા લાગ્યો હતો. જોકે, પોલીસે આ શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર થયો હતો હુમલો
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર 20 ઓગસ્ટે દિલ્હીના સિવિલ લાઇન્સ વિસ્તારમાં જન સુનાવણી દરમિયાન હુમલો થયો હતો. આરોપીની ઓળખ રાજેશ ખીમજીભાઇ સાકરિયા તરીકે થઇ હતી, જે 41 વર્ષનો છે અને રાજકોટમાં રહે છે.
રાજેશ સાકરિયાએ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાનો હાથ પકડીને ખેંચ્યો હતો જેના કારણે તેમનું માથું ટેબલના ખૂણા સાથે અથડાયુ હતું અને તેમને માથા અને ખભામાં ઇજાઓ થઇ હતી. કેટલાક અહેવાલોમાં થપ્પડ મારવાનો પણ ઉલ્લેખ છે પરંતુ દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવે આ વાતને નકારી દીધી હતી. CCTV ફૂટેજમાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે હુમલાના એક દિવસ પહેલા આરોપીએ રેખા ગુપ્તાના શાલીમાર બાગ સ્થિત પૈતૃક નિવાસસ્થાનની રેકી કરી હતી. આ ફૂટેજમાં તે હાથરિક્ષા ચાલક સાથે વાત કરતો અને નિવાસસ્થાનની બહાર ફરતો જોવા મળ્યો હતો.








