મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

યુપી રામ ભરોસે: જનતા જનાર્દન ધારશે એને તારશે, મંદિર મુદ્દે ચૂંટણી જીતવી મુશ્કેલ

લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ એક એવું રાજ્ય છે જ્યાં મોટી સંખ્યામાં બેઠકો છે. 80 લોકસભા બેઠકો ધરાવતા પ્રદેશન

યુપી રામ ભરોસે: જનતા જનાર્દન ધારશે એને તારશે,  મંદિર મુદ્દે ચૂંટણી જીતવી મુશ્કેલ

લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ એક એવું રાજ્ય છે જ્યાં મોટી સંખ્યામાં બેઠકો છે. 80 લોકસભા બેઠકો ધરાવતા પ્રદેશની દેશના રાજકારણ ઉપર મોટી અસર પડે છે. આ વખતે સાતેય તબક્કામાં યુપીમાં ચૂંટણી ચાલી રહી છે. અહીંયા પાંચ તબક્કામાં મતદાન પુરૂં થઇ ગયું છે પણ ધાર્યા પ્રમાણે મતદાન થયું નથી, તેના કારણે સત્તાધારી પક્ષમાં એક તરફ ચિંતા છે તો બીજી તરફ વિપક્ષો થોડા આશ્વસ્ત છે કે તેમને વધારે બેઠકો આવી શકે.

બીજી તરફ રામ મદિરનું નિર્માણ અને રામ લલાની સ્થાપનાએ દેશમાં જે જુવાળ ઊભો કર્યો છે તે ભાજપની નૈયા પાર કરાવી દે તો પણ નવાઇ ન કહેવાય. કેટલાક જાણકારો માની રહ્યા છે કે, યુપીમાં ભાજપ રામ ભરોસે તરી જાય અથવા તો સ્થાનિક મુદ્દા વિપક્ષોને તારી લે તેવું પણ બને. 2014 અને 2019ની સરખામણી કરીએ તો ભાજપની બેઠકો સરેરાશ વધારે છે પણ પોતાની જ સરખામણીએ ઘટેલી હતી.

ભાજપને 2014માં 71 બેઠક મળી હતી. આ ચૂંટણીમાં વિપક્ષોના સૂપડા સાફ થઇ ગયા હતા. જોકે, ત્યારબાદ 2019ની ચૂંટણીમાં ફરીથી મોદીના નામે બેઠકો તો મળી પણ 2014 કરતા વધારે નહીં. 2014 કરતા 9 બેઠકો ઘટી ગઇ. 2019માં ભાજપને 62 બેઠકો મળી હતી. જાણકારોના મતે યુપીમાં માત્ર રામ મંદિર અને હિન્દુત્ત્વના મુદ્દા વધારે ચાલતા હોવાથી તથા જાતીગત રાજકારણ વધારે સેન્સિટિવ હોવાથી અન્ય મુદ્દા અસર કરતા નથી. તેમ છતાં વિપક્ષોના ખાલી હાથ અને એક દાયકામાં ઘટેલી ભાજપની બેઠક કંઇક અલગ ચિત્ર રજૂ કરે છે. 

આ પણ વાંચો: કર્ણાટક: વિધાનસભાનો વિજય કોંગ્રેસને લોકસભામાં લાભ કરાવી શકે; ભાજપને નુકસાન થઇ શકે

ભાજપની જીતની સરેરાશ સારી છે પણ આ સ્ટ્રાઇક રેટ ઘટ્યો છે. 2024માં જો તેમાં ઘટાડો થાય તો કેન્દ્રીય રાજકારણ ઉપર તેની સીધી અસર દેખાય તે સ્વાભાવિક છે. આ વખતની યુપીની ચૂંટણીમાં ત્રણ ભાગ પડેલા છે. એક તરફ ભાજપ અને આરએલડી (જયંત ચૌધરી)નું જૂથ જે એનડીએ છે. બીજી તરફ રાહુલ અને અખિલેશની આગેવાની હેઠળ ઇન્ડિયા ગઠબંધન તથા ત્રીજી તરફ માયાવતીની ટીમ તરીકે આ ચૂંટણી અખાડામાં ઉતર્યા છે.

સાત વર્ષ બાદ રાહુલ-અખિલેશની જુગલબંધી ઉપર નજર

એક તરફ દેશમાં રામ મંદિરનો જુવાળ છે તો બીજી તરફ અયોધ્યામાં આ મુદ્દે બદલાયેલી સ્થિતિ છે. ફૈઝાબાદ લોકસભા બેઠક ઉપર સ્થાનિકોની વિચારસરણી અને માગણી જુદા છે. અહીંયાના લોકો માને છે કે, મંદિરનો વિવાદ ચાલતો હતો તેનો અંત આવી ગયો. પીએમ મોદી દ્વારા ભવ્ય રામ મંદિર બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી પણ તેનાથી સ્થાનિક મુદ્દા ભૂલી જવાય તેમ નથી. અહીંયા રોજગારી, સ્થાનિક મુદ્દા, રોડ અને રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્થાનિક રોજગારી જેવી ઘણી સમસ્યાઓ છે જેના ઉપર નજર નાખવામાં આવતી નથી. યુવાનોને સારૂં ભવિષ્ય અને ઉજ્જવળ રોજગારી મળે તેમાં વધારે રસ છે. તે ઉપરાંત અયોધ્યા કોરિડોર બનવાથી જે લોકોનું સ્થળાંતર થયું છે તે તમામ લોકોને રોજગારીના અવસર, યોગ્ય પુનર્વસન, યોગ્ય વળતર જેવા ઘણા બાકી રહી ગયેલા મુદ્દે આશા છે. તેઓ માત્ર મંદિરને ધ્યાનમાં રાખીને મત આપી દે તેવું લાગતું નથી. આ ઉપરાંત અચાનક બહારના લોકો કંપનીઓ અને હોટેલ્સ દ્વારા મોટાપાયે જમીનોની ખરીદી અને સંપાદન થઇ રહ્યું છે તે મોંઘવારી અને સ્થાનિકો માટે સ્પર્ધા વધારશે તેવું પણ લોકો માની રહ્યા છે. આ સંજોગોમાં સ્થાનિકોને સંતોષ નહીં મળે તો પરિણામ ઉપર તેની અસર દેખાશે તે સ્વાભાવિક છે.

2019માં ભાજપ વિનિંગ પોઝિશનમાં હતું

આ વખતે ચૂંટણીમાં NDA, ઇન્ડિયા અને માયાવતી દ્વારા વિવિધ સમીકરણો સાધીને ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે. 2024માં રાજકીય પક્ષોની રણનીતિ જોઇએ તો ભાજપ દ્વારા 80માંથી 75 બેઠકો ઉપર ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીએ 62 બેઠકો ઉપર ઉમેદવારી કરી છે. કોંગ્રેસે 17 બેઠકો ઉપર ઉમેદવાર ઉતારીને ઇન્ડિયા ગઠબંધનમાં સપાનો હાથ ઉપર રાખ્યો છે. અપના દલ દ્વારા બે બેઠકો જ્યારે આરએલડી દ્વારા પણ બે બેઠકો ઉપર ઉમેદવારી કરાઇ છે. આ તમામની સામે માયાવતીએ બસપાના 80 ઉમેદવારો 80 બેઠક ઉપર મેદાને ઉતાર્યા છે.આ રણનીતિ સામે ગત ચૂંટણીના પરિણામ જોઇએ તો ભાજપ વિનિંગ પોઝિશનમાં હતું. ભાજપને સૌથી વધારે 62 બેઠકો મળી હતી ત્યારબાદ માયાવતીના ભાગે 10 બેઠકો આવી હતી. સમાજવાદી પાર્ટીને પાંચ બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો.કોંગ્રેસની હાલત સૌથી ખરાબ હતી. કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળી હતી. કોંગ્રેસને માત્ર રાયબરેલી ઉપર જીત મળી હતી. રાહુલ ગાંધીએ અમેઠી બેઠક ગુમાવી દીધી હતી.

જાતીગત સમીકરણ સાધવામાં પણ ભાજપ અવ્વલ રહ્યું

ભાજપ દ્વારા જાતીગત સમીકરણ પણ મજબૂત રીતે સાધી લેવાયું છે. બીન યાદવ ઓબીસી વોટ ઉપર નજર કરીએ તો તેના ઉપર હવે માયાવતીની પહેલા જેવી પકડ રહી નથી, તેન લાભ ભાજપને વધારે થયો છે. રાજકીય જાણકારોના મતે અખિલેશ અને રાહુલની જોડી પાસે યાદવ અને મુસ્લિમ મતદારોની જ વોટ બેન્ક છે. તેનાથી વધારે ઉપર તેઓ આશા રાખી શકે તેમ પણ નથી. છેલ્લા ત્રણ-ચાર ઇલેક્શનમાં આ મતદારોમાંથી પણ ઘણા મતદારો દ્વારા ભાજપ અને માયાવતીને મત આપવામાં આવ્યા છે. તેના પગલે સપા અને કોંગ્રેસની હાલત ખરાબ થઇ હતી. જે વોટબેન્ક ઉપર તેઓ આધાર રાખે છે તેની કૂલ વસ્તીનો ભાગ 30 ટકા છે તેમાંથી 50 ટકા લોકોએ તો ગત લોકસભામાં ભાજપને મત આપ્યા હતા. સપા-કોંગ્રેસને ફાળે તો 26 ટકા મત જ આવ્યા હતા. જયંત ચૌધરીને પણ આ વખતે ભાજપે પોતાની સાથે લઇ લીધા છે તેથી જાટ અને ખેડૂતોનો મુદ્દો પણ સધાઇ ગયો હોય તેમ લાગે છે. જાણકારો માને છે કે, ભાજપે જે સોશિયલ એન્જિનિયરિંગ કર્યું છે તેમાં બિન યાદવ ઓબીસી જાટ અને નોટ જાટ તથા સવર્ણોના મત તેની પાસે આવે તેવી ધારણા છે જે 55 ટકાથી વધારેની વોટબેન્ક છે. હાલમાં વિપક્ષનું તો એવું કોઇ મજબૂત સમીકરણ લાગતું નથી જે ભાજપ સામે ટકી જાય.

પેપરલીક અને રોજગારીનો અભાવ યુવા મતદારોના મુખ્ય પ્રશ્નો

ગુજરાતની જેમ યુપીમાં પણ પરીક્ષાના પેપર્સ લીક થવાની સમસ્યા મોટી છે. તે ઉપરાંત સ્થાનિક રોજગારી અને અવસરો મુદ્દે પણ યુવાનો નારાજ હોવાનો સુર આવી રહ્યો છે.ખાસ કરીને ગત વર્ષે અને આ વર્ષે ફેબ્રુઆરીમાં જે પેપર લીક કૌભાંડ થયા તેના કારણે યુવાનોમાં ભારે નારાજગી છે. ગત વર્ષે સમીક્ષા અધિકારી અને સહાયક સમીક્ષા અધિકારીના પદ ઉપર પરીક્ષા થવાની હતી પણ તેના પેપર લીક થઇ જતા મોટાપાયે હોબાળો થયો હતો. તાજેતરમાં ફેબ્રુઆરી 2024માં જ યુપી પોલીસ કોન્સ્ટેબલ ભરતીમાં પણ પરીક્ષાના આગલા દિવસે પ્રશ્નપત્ર સોશિયલ મીડિયામાં ફરતું થઇ ગયું અને પરીક્ષા રદ કરવામાં આવી હતી. સરકારે ફરીથી પરીક્ષા લેવાનું આશ્વાસન આપ્યુ હતું પણ હજુ સુધી કોઇ તારીખો જાહેર કરવામાં આવી નથી. આ પરીક્ષામાં અંદાજે 50 લાખ યુવાનોો દ્વારા અરજી કરવામાં આવી હતી. આવી ઘણી સમસ્યાઓથી યુવાનો કંટાળેલા છે. ઘણા રાજકીય જાણકારો માને છે કે લાખો યુવાનો બેરોજગારીના ભરડામાં છે. આ સંજોગોમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવી છે કે નહીં તેની સીધી અસર પરિણામ ઉપર જોવા મળશે.

આ સમાચાર શેર કરો