મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

શું મહારાષ્ટ્રમાં બદલાયેલા ગઠબંધન પરિણામને અસર કરશે? NDA કે INDIA એલાયન્સ કોનો હાથ ઉપર

લોકસભાની ચૂંટણીમાં ત્રણ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. ત્રણેય તબક્કામાં થયેલા ઓછા મતદાનને કારણે રાજકીય પક્ષો અને ઉમેદ

શું મહારાષ્ટ્રમાં બદલાયેલા ગઠબંધન પરિણામને અસર કરશે? NDA કે INDIA એલાયન્સ કોનો હાથ ઉપર

લોકસભાની ચૂંટણીમાં ત્રણ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. ત્રણેય તબક્કામાં થયેલા ઓછા મતદાનને કારણે રાજકીય પક્ષો અને ઉમેદવારોની ચિંતા વધી ગઇ છે. જે રાજ્યોમાં સંપૂર્ણ બેઠકો ઉપર મતદાન થઇ ગયું છે ત્યાં વિવિધ રાજકીય કયાસ કાઢવામાં આવી રહ્યાં છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં 48 બેઠકો ઉપર પાંચ તબક્કામાં મતદાન થવાનું છે. તેમાંથી ત્રણ તબક્કાનું મતદાન પુરૂં થઇ ગયું છે. હવે આગામી ચોથા અને પાંચમા તબક્કામાં અનુક્રમે 11 અને 13 એમ કૂલ 24 બેઠકો ઉપર મતદાન થશે.

મહારાષ્ટ્રમાં હાલમાં જે રાજકારણ અને ગઠબંધન ચાલી રહ્યું છે તે થોડું વિચિત્ર છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી જે સાથીઓ અને મિત્રો હતા તે હવે વિરોધી બની ગયા છે. જે અત્યાર સુધી વિરોધી અને સ્પર્ધકો હતા તે હવે સાથીઓ બની ગયા છે. ભાજપ, શિવસેના,કોંગ્રેસ, NCP વચ્ચેના જોડાણો અને તૂટતા સંબંધોના કારણે સમગ્ર રાજકીય રંગ બદલાઇ ગયો છે. તેના કારણે જ આ ચૂંટણીમાં મતદાન અને પરિણામ બન્ને રસપ્રદ બન્યા છે. મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો વળાંત એ આવ્યો છે કે, શિવસેના અને NCP જેવા બે મોટા પક્ષો બે ભાગમાં વહેંચાઇ ગયા. ઉદ્ધવ ઠાકરેના હાથમાં રહેલી શિવસેના ગત વિધાનસભામાં ભાજપ સાથેનું જોડાણ તોડીને કોંગ્રેસ અને NCP સાથે જોડાઇ ગઇ હતી, તેના કારણે અઘાડી સરકાર રચાઇ.

મહારાષ્ટ્રમાં ભાજપની મજબૂત પકડ

મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપની હાજરી અને પકડ બન્ને મજબૂત રહ્યા છે. છેલ્લી ચાર લોકસભા ચૂંટણીના પરિણામો ઉપર નજર કરીએ તો તેમાં ભાજપ ભલે સત્તામાં કે સરકારમાં આવી શકી ન હોય પણ તેની બેઠકોની વિજયની સરેરાશ જળવાઇ રહી છે. 2009માં જ્યારે સમગ્ર દેશમાં કોંગ્રેસનો જુવાળ ચાલતો હતો. લોકસભામાં ભાજપનો પરાજય થયો હતો છતાં મહારાષ્ટ્રમાં સ્થિતિ જુદી હતી. મહારાષ્ટ્રમાં ભાજપ તરફી જુવાળ દેખાયો હતો. ભાજપને 20 બેઠકો મળી હતી. 2019માં તો ભાજપ અને શિવસેનાએ 50 ટકા વોટશેર સાથે જંગી વિજય મેળવ્યો હતો. મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી 41 બેઠક ભાજપ અને શિવસેના ગઠબંધનના ફાળે આવી હતી. 2004માં પણ લોકસભાની ચૂંટણીમાં ભાજપને 13 જ્યારે શિવસેનાને 12 બેઠક મળી હતી. બીજી તરફ કોંગ્રેસને 13 અને NCPને 9 બેઠકો મળી હતી. 2004માં પણ NDA ગઠબંધનનો વોટશેર વધારે રહ્યો હતો. ભાજપ અને શિવસેનાના ગઠબંધનનો વોટશેર 42.7 ટકા રહ્યો હતો જ્યારે UPAનો વોટશેર અંદાજે 42 ટકા રહ્યો હતો.

NDAને આ ચૂંટણીમાં 30 બેઠક મળે તેવા સંકેત

ઉલ્લેખનીય છે કે, 2014 અને 2019ના જંગી વિજય બાદ 2024ની ચૂંટણી NDA ગઠબંધન તથા ગત બે લોકસભામાં કંગાળ દેખાવ કરનારા યુપીએ ગઠબંધન માટે ખૂબ જ મહત્ત્વની બની રહી છે. આ ચૂંટણીમાં NDAના ફાળે 30 બેઠક આવે તેવો એક સર્વે જણાવે છે. આ સર્વેના પરિણામ એવું પણ સૂચવે છે કે, આ સંજોગોમાં મહાવિકાસ અઘાડીને 18 બેઠકો મળી શકે છે. જાણકારો માને છે કે, ગત લોકસભામાં શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના ગઠબંધનનો મુખ્ય ચહેરો હતા. આ પક્ષો જ બે ભાગમાં વહેંચાઇ ગયા હોવાથી તેના ચાર નેતાઓ થઇ ગયા છે. આ સંજોગોમાં પરિણામોમાં મોટાપાયે ઉતાર ચઢાવ જોવા મળી શકે છે.

આ ચૂંટણી વારસદારોનું ભવિષ્ય અને ગઠબંધનના નવા સમીકરણો આપશે

આ વખતની ચૂંટણી દરેક પક્ષ અને જોડાણ માટે ખૂબ જ મહત્ત્વની સાબિત થાય તેમ છે. 2014 અને 2019ની ચૂંટણી દરમિયાન NDA ગઠબંધન ખૂબ જ મજબુત થયું હતું અને આગળ વધ્યું હતું. આ દરમિયાન શિવસેનાનો પણ દબદબો ચાલતો હતો. આ દરમિયાન શિવસેનાનો જે ગ્રોથ થયો તેમાં ભાજપનો મોટો હાથ હતો. ભાજપ જેમ મહારાષ્ટ્રમાં મજબૂત થતો ગયો તેમ તેમ તેના સાથી પક્ષ તરીકે શિવસેનાની સ્થિતિ પણ મજબૂત થતી ગઇ. ગત બે લોકસભામાં તો એવું પરિણામ આવ્યું કે, પશ્ચિમ મહારાષ્ટ્ર જે NCPન ગઢ ગણાતું હતું ત્યાં પણ NDAનો ડંકો વાગવા લાગ્યો હતો. રાજકીય જાણકારો માને છે કે, આ વખતની ચૂંટણી એટલા માટે રોચક છે કે, જૂના તમામ સમીકરણો ફરી ગયા છે. શિવસેના અને NCPમાં બે તડા થઇ ગયા છે. બન્ને ભાગનું ભાજપ અને કોંગ્રેસ સાથે પોત પોતાની રીતે જોડાણ છે.ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેમાંથી ખરેખર શિવસેના કોનો પક્ષ અને બાલા સાહેબનો રાજકીય ઉત્તરાધિકારી કોણ છે અને તેમને કોણ કોણ મત આપે છે તે જાણવાનું રસપ્રદ રહેશે. તેવી જ રીતે શરદ પવારના રાજકીય વારસાને એનકેશ કરવા મળતા અજિત પવાર અને સુપ્રિયાને પણ શું જનાદેશ મળે છે તે જોવા જેવી સ્થિતિ રહેશે.

આ સમાચાર શેર કરો