સુપ્રીમ કોર્ટ પહોંચી સોમનાથમાં બુલડોઝર એક્શનની ઘટના, મુસ્લિમ સંગઠને કરી અરજી
સમસ્ત પટણી મુસ્લિમ જમાતે ગીર સોમનાથના કલેક્ટર અને અન્ય અધિકારીઓ વિરૂદ્

સમસ્ત પટણી મુસ્લિમ જમાતે ગીર સોમનાથના કલેક્ટર અને અન્ય અધિકારીઓ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અવમાનનાની અરજી દાખલ કરી છે. આ અરજી દરગાહ મંગરોલી શાહ બાબા, ઇદગાહ અને પ્રભાસ પાટણ, વેરાવળ, ગીર સોમનાથમાં સ્થિત કેટલાક ગેરકાયદેસર દબાણ મામલે કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર પાસે કથિત સરકારી જમીન પર દબાણ કરીને બનાવવામાં આવેલા ધાર્મિક સ્થળોને બુલડોઝરની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા.
ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર પાસે કથિત રીતે સરકારી જમીન પર દબાણ હટાવવા માટે 28 સપ્ટેમ્બરે ચલાવવામાં આવેલા અભિયાન દરમિયાન 135 લોકોની અટકાયતમાં લેવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લા તંત્રએ એક નિવેદનમાં કહ્યું કે સોમનાથ મંદિર સ્થળ નજીક સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે હજારો પોલીસ કર્મીઓને પણ તૈનાત કરવામાં આવ્યા હતા.
ગુજરાત હાઇકોર્ટમાં પણ કરાઇ હતી અરજી
સોમનાથના ઇતિહાસમાં સૌથી મોટા મેગા ડિમોલિશનની કામગીરી સામે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરાઇ હતી જેમાં સરકાર અને અસરગ્રસ્ત પક્ષ વચ્ચે દલીલો ચાલી હતી. જસ્ટિસ સંગીતા વિશેણે સરકારપક્ષને કેવી રીતે કાયદાકીય પ્રક્રિયા અનુસરી ડિમોલિશનની કાર્યવાહી કરી તે બતાવવા નિર્દેશ કર્યો છે. તો અસરગ્રસ્ત પક્ષને પણ જરૂરી દસ્તાવેજો રજૂ કરવા અને સરકાર કઈ રીતે કાયદાનું પાલન નથી કર્યુ તે બતાવવા નિર્દેશ કર્યો હતો અને કેસની વધુ સુનાવણી આજે યોજાશે.
શું છે ઘટના?
પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિરની પાછળના ભાગમાં વહીવટીતંત્ર દ્વારા મેગા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 9 મસ્જિદ તથા 45 પાકા મકાનોને તોડી પાડી 320 કરોડની કિંમતની 102 એકર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. દબાણ હટાવ ઓપરેશન દરમિયાન લોકોના ટોળા એકત્ર થઇ જતાં પોલીસ દ્વારા 135 લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી.
88 લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ
ઉલ્લેખનીય છે કે, સોમનાથ-વેરાવળ રોડ પર હાજી માંગરોલીશા મસ્જિદ ખાતે ટોળાએ ડિમોલિશનની કામગીરીમાં અવરોધ ઊભો કરી સરકારી ફરજમાં રૂકાવટ પેદા કરતાં રેવન્યુ વિભાગના સ્થાનિક મામલતદાર શક્તિસિંહ પરમારે પ્રભાસપાટણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે 88 લોકોના ટોળા સામે ગુનો દાખલ કર્યો હતો.







