Video: દેહરાદૂનમાં અમિત શાહની મોટી જાહેરાત: GSDPમાં 50% નો ઉછાળો અને ₹1 લાખ કરોડના પ્રોજેક્ટ્સની ભેટ

સોર્સ: gstv

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં એક ભવ્ય કાર્યક્રમને સંબોધતા રાજ્યને કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપી છે. ગૃહમંત્રીએ ₹1,508 કરોડના ખર્ચે તૈયાર થયેલા તેમજ નવા શરૂ થનારા કુલ 63 વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.

સમારોહને સંબોધતા અમિત શાહે જણાવ્યું કે, "આજે ઉત્તરાખંડના વિકાસ માટે 63 પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેની સાથે જ રાજ્યને ઉત્કૃષ્ટ બનાવવામાં યોગદાન આપનારા 15 મહાનુભાવોને 'ઉત્તરાખંડ ગૌરવ સન્માન', 6 બહાદુર બાળકોને 'બાલ વીરતા પુરસ્કાર' અને 2 પ્રતિભાઓને 'લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ' આપીને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. આ દર્શાવે છે કે ભાજપ સરકાર ઉત્તરાખંડના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવનારા દરેક વ્યક્તિનું સન્માન કરવામાં ગર્વ અનુભવે છે."

જાહેરાત

રાજ્યના આર્થિક વિકાસના આંકડા રજૂ કરતા ગૃહમંત્રીએ દાવો કર્યો હતો કે, વર્ષ 2022 પછી ઉત્તરાખંડના ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP)માં અધધધ 50 ટકાનો વધારો નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના નાગરિકોની માથાદીઠ આવકમાં 40 ટકા જેટલો નોંધપાત્ર વધારો કરવા માટે ભાજપ સરકારે નક્કર કામગીરી કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યમાં રોકાણને પ્રોત્સાહન મળતાં ₹1 લાખ કરોડના ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ જમીન પર ઉતરી ચૂક્યા છે અને તેના પર ઝડપભેર કામગીરી ચાલી રહી છે, જેનાથી આગામી દિવસોમાં સ્થાનિક સ્તરે મોટા પાયે રોજગારીની તકો ઊભી થશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત