અન્ય દેશના વડાઓનું અપમાન કરવા પંકાયેલા છે અમેરિકી પ્રમુખો, ઈન્દિરા ગાંધીનું પણ કર્યું હતું અપમાન
અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાજેતરમાં યુક્રેનના વડાનું અપમાન કરવામાં આવ્

અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાજેતરમાં યુક્રેનના વડાનું અપમાન કરવામાં આવ્યું. વાતચીત દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા ડોનાલ્ડ ટ્રમ્પે તેમનું અપમાન કરી નાખ્યું અને ઝેલેન્સ્કીને પ્રમુખની ઓફિસમાંથી હાંકી કાઢવામાં આવ્યા. અમેરિકી પ્રમુખ દ્વારા અન્ય દેશના વડા સાથે આવું અપમાનજનક વર્તન કરવા મુદ્દે સમગ્ર વિશ્વમાં આક્રોશ છે. લોકોમાં ભલે આક્રોશ હોય પણ અમેરિકી પ્રમુખો આ રીતે અન્ય દેશના વડાઓ અને પ્રમુખોનું અપમાન કરવા માટે પંકાયેલા છે. આ ઘટનાઓ દાયકાઓથી ચાલતી જ આવી છે.
અન્ય દેશોના પીએમ સાથે અસભ્યતા કરવામાં કુખ્યાત છે અમેરિકી પ્રમુખો
અમેરિકી પ્રમુખની તોછડાઈ, હિંસક મનોવૃત્તિ અને અપમાનજનક ભાષાના પ્રસંગો જોઈએ તો તેમાં અમેરિકી પૂર્વ પ્રમુખ લિંડન જોનસન મોખરે છે. તેઓ તો હિંસા કરવા ઉપર ઉતરી આવ્યા હતા. 1965માં જ્યારે કેનેડાના વડાપ્રધાન લેસ્ટર પીયરસન અમેરિકી પ્રમુખ લિંડન બી. જોનસનને મળવા માટે અમેરિકા ગયા હતા ત્યારે વ્હાઇટ હાઉસમાં તેમની સાથે હિંસા કરવામાં આવી હતી. વ્હાઇટ હાઉસમાં પ્રેસિડેન્ટ ઑફિસમાં વાતચીત દરમિયાન લિંડન જોનસન એટલા ઉશ્કેરાઈ ગયા કે તેમણે કેનેડાના વડાપ્રધાન પીયરસનને પોતાની ઑફિસની દીવાલ તરફ ધક્કો મારી દીધો હતો.
આ ઘટનામાં 69 વર્ષના પીયરસનનું માથું દીવાલ સાથે ભટકાતા રહી ગયું હતું. આ ઉપરાંત તેમણે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને તેમને ધમકાવી પણ નાખ્યા. જોનસનના આવા વર્તનથી પીયરસન ડઘાઈ ગયા હતા. તેમને લાગ્યું કે, આવા કોઈ અમેરિકી પ્રેસિડેન્ટ હોઈ શકે જે અન્ય દેશના વડા સાથે આવું વર્તન કરી શકે.
કેનેડીના કાર્યકાળમાં વ્હાઇટ હાઉસની સ્થિતિ ખરાબ
અમેરિકાના ઘણા એવા રાષ્ટ્રપતિઓ છે જેઓ અન્ય દેશના નેતાઓ સાથે સૌહાદપૂર્ણ વર્તન કરી શક્યા નહોતા. કેનેડીના કાર્યકાળમાં વ્હાઇટ હાઉસની સ્થિતિ ખરાબ હતી. જાણકારોના મતે અમેરિકી પ્રમુખો દ્વારા માત્ર વિદેશી નેતાઓ સાથે જ નહીં પોતાના સ્ટાફ સાથે પણ તોછડાઈ અને ઉદ્ધતાઈથી વર્તન કરવામાં આવતું હોવાના ઘણા પુરાવા છે.
જ્હોન એફ કેનેડીની જ વાત કરીએ તો તેઓ પણ ઉદ્ધત નેતા ગણાતા હતા. તેમના કાર્યકાળમાં વ્હાઇટ હાઉસમાં ખાનગી જીવન વિશે અસભ્યતાની સ્થિતિ હતી. તેઓ મહિલાઓ પ્રત્યે પણ આપત્તિજનક વ્યવહાર કરતા હતા.
નિક્સન પણ વ્હાઇટ હાઉસમાં અસભ્ય ભાષાનો ઉપયોગ કરતા
તેવી જ રીતે નિક્સન પણ વ્હાઇટ હાઉસમાં અસભ્ય ભાષાનો ઉપયોગ કરતા હતા. તેમના સમયમાં વ્હાઇટ હાઉસમાં સૌથી વધારે વંશવાદી, જાતીવાદી, સેક્સિસ્ટ અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવતો હતો. લિંડન જોનસન પણ ખૂબ જ આક્રમક હતા. તેઓ લોકોને ધમકાવતા અને ગંદી ગાળો દેતા હતા. સ્ટાફ પણ તેમની આસપાસ જવામાં અને રહેવામાં ગભરાતા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પ પણ સોશિયલ મીડિયા અને ભાષણોમાં ખૂબ જ અસભ્ય ભાષાનો ઉપયોગ કરે છે. તેઓ પણ ઘણા પ્રસંગે શિષ્ટાચારને ત્યજીને બેફામ રીતે બોલતા અને વાત કરતા જોવા મળ્યા છે.
દુનિયા આ જોઈને આઘાતમાં આવી ગઈ હતી
આ ઘટનાઓ જણાવે છે કે, અમેરિકી પ્રમુખો વ્યવહારમાં કેવા હતા અને હજી પણ ટ્રમ્પ કેવા છે. 1965ની વાત તો સાવ જ અલગ હતી. તે વખતે લિંડન બી જોનસન પ્રમુખપદે હતા અને તેઓ ખૂબ જ ગુસ્સાવાળા અને અસભ્ય વ્યક્તિ હતા. તેમની ઑફિસમાં જવામાં અને વ્હાઇટ હાઉસમાં કામ કરવામાં લોકો ગભરાતા હતા. તેમના કાર્યકાળમાં જ્યારે કેનેડાના વડાપ્રધાન વ્હાઇટ હાઉસમાં મહેમાન તરીકે આવ્યા ત્યારે તેમની સાથે દુર્વ્યવહાર કર્યો. તેમણે પીયરસનને અપશબ્દો કહ્યા અને વાતચીત દરમિયાન ઉશ્કેરાઈને દીવાલ તરફ ધક્કો માર્યો. પીયસરને પોતાની જાત સંભાળી નહીંતર તેમનું માથું દીવાલ સાથે અથડાઈ જાત અને તેમને ગંભીર ઈજા થઈ હોત. જોનસન અને પીયરસનની આ મિટિંગ અને તેમની વચ્ચે બનેલી ઘટનાઓ જાણીને દુનિયા આઘાતમાં આવી ગઈ હતી.
કેનેડાના વડા પ્રધાને ભાષણમાં અમેરિકાની ટીકા કરી હતી
જાણકારોના મતે 1960ના દાયકામાં અમેરિકા અને વિયેતનામ વચ્ચે યુદ્ધની સ્થિતિ ચાલતી હતી. તે વખતે અમેરિકી પ્રમુખ જોનસન ઇચ્છતા હતા કે, તેમના મિત્ર દેશો તેમનો સાથ આપે. બીજી તરફ કેનેડાના વડાપ્રધાન લેસ્ટર પીયરસન આ યુદ્ધના વિરોધી હતી. તેઓ શાંતિ જાળવવા કહેતા હતા.
પીયસરને પોતાના એક ભાષણમાં જણાવ્યું કે, અમેરિકાની આક્રમકતા અયોગ્ય છે. તેમણે વિયેતનામમાંથી ધીમે ધીમે સેના દૂર કરવી જોઈએ. આ સ્થિતિનો બંને દેશોએ કૂટનીતિક ઉકેલ લાવવો જોઈએ. જોનસનને તે સમયે પીયરસનના આ ભાષણથી ખૂબ જ ગુસ્સો આવ્યો. ત્યારબાદ જ્યારે એપ્રિલ 1965માં કેનેડાના વડાપ્રધાન પીયરસન અમેરીકા પ્રવાસે ગયા ત્યારે તેની અસર જોવા મળી.
ઓવલ ઑફિસમાં પીયરસન પહોંચ્યા અને હુમલો થયો
પીયરસનને અંદાજ હતો કે, તેમની સાથે જોનસન આક્રમક ભાષામાં વાત કરશે. તેઓ નારાજગી વ્યક્ત કરશે. જોનસન જ્યારે વ્હાઇટ હાઉસ પહોંચ્યા ત્યારે તેમને અણસાર આવી ગયો કે, જોનસન નારાજ છે. તેઓ જ્યારે વ્હાઇટ હાઉસની ઓવલ ઑફિસમાં પહોંચ્યા ત્યારે જોનસન ગુસ્સાથી લાલપીળા થઈ ગયા. તેઓ વાતચીત કરી રહ્યા હતા ત્યારે અચાનક જોનસન ઊભા થઈ ગયા. તેમણે અચાનક પીયરસનને પકડ્યા અને દીવાલ તરફ ધક્કો મારી દીધો. આ ધક્કો વાગ્યા બાદ પીયરસને જો પોતાની જાતને સંભાળી ન હોત તો તેમનું માથું ફુટી ગયું હોત.
જોનસને તેમને ગુસ્સામાં કહ્યું કે, તું મારા ઘરમાં આવીને મારા વિશે જ ખરાબ વાતો કરે છે. જોનસન તેમની સામે બુમ બરાડા પાડતા રહ્યા. પીયરસને તેમને શાંત કરવાનો પ્રયાસ કર્યો પણ તેઓ માન્યા નહીં.
ધ જોનસન ટ્રીટમેન્ટ નામની રણનીતિનો ઉપયોગ કરતા
અમેરિકી પ્રમુખ જોનસનના નામે વાતચીત અને રણનીતિની એક પદ્ધતિ જાણીતી થઈ હતી. તેઓ જોનસન ટ્રીટમેન્ટ રણનીતિનો ઉપયોગ કરતા હતા. અંદાજે 6.4 ફૂટની ઉંચાઈ ધરાવતા જોનસન પોતાની કદકાઠીના આધારે લોકોને ડરાવવાનો પ્રયાસ કરતા હતા. જોનસન પોતાની આક્રમક અને ગુસ્સાવાળા વ્યક્તિત્વના કારણે પંકાયેલા હતા. તેમણે પીયરસન સાથે જે કર્યું તેના લીધે ઘણો સમય અમેરિકા અને કેનેડા વચ્ચેના સંબંધો વણસેલા રહ્યા હતા. આ મુદ્દે દુનિયાભરમાં પડઘા પડ્યા હતા.
બીજી તરફ પીયરસને આ મુદ્દો ક્યારેય જાહેરમાં ઉછાળ્યો નહોતો. તેના કારણે આ મુદ્દો મોટો થયો નહોતો પણ જોનસનની અભદ્રતા છતી થઈ ગઈ હતી. જાણકારોના મતે જોનસન પોતાના કર્મચારીઓ અને મંત્રીઓ સાથે પણ અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા હતા. તેઓ ટોઇલેટમાં બેઠા બેઠા પણ સ્ટાફ સાથે વાત કરતા હતા જેના કારણે કર્મચારીઓ થોડા અસહજ થઈ જતા હતા.
અન્ય અમેરિકી પ્રમુખો પણ ખરાબ વ્યવહાર કરતા હતા
જોનસન જ નહીં બીજા ઘણા અમેરિકી પ્રમુખો છે જેમણે અપમાનજનક વાતો કરીને, સંવેદનાહિન વર્તન કરીને કે પછી ધમકી આપીને બીજા દેશોના નેતાઓને ધમકાવ્યા હતા.
એક ઘટના એવી છે કે, જ્યોર્જ ડબ્લ્યૂ બુશની સાથે મુલાકાત કરવા માટે જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ આવ્યા ત્યારે બની હતી. G8 સંમેલન દરમિયાન બુશે અચનાક મર્કેલના ખભે હાથ મૂકી દીધો જેના કારણે મર્કેલ થોડા અસહજ થઈ ગયા. દુનિયાભરના લોકોએ બુશના આ વ્યવહારની ટીકા કરી હતી.
બરાક ઓબામાએ 2012માં જ્યારે રશિયાના પ્રમુખ દિમિત્રી મેદવેદેવ સાથે ઑફ ધ રૅકોર્ડ વાત કરી ત્યારે વિવાદ થયો હતો. તે સમયે ઓબામાએ મેદવેદેવને કહ્યું હતું કે, પુતિન સાથે તેઓ વધારે સૌમ્યતાથી વ્યવહાર કરી શકે છે. તેમના આ નિવેદને ઘણો વિવાદ ઊભો કર્યો હતો.
કેનેડીએ સેક્સ સ્કેન્ડલ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો
સૂત્રોના મતે જ્હોન એફ કેનેડી પણ તુંડમિજાજી હતા. તેમણે એક વખત વિએના શિખર સંમેલનમાં સોવિયેત નેતા નિકિતા ખુશ્ચેવ સાથે ગરમાગરમી કરી દીધી હતી. બંને નેતાઓ એકબીજાની સામે ઉગ્ર ભાષામાં વાતચીત ઉપર ઉતરી આવ્યા હતા. બીજી તરફ આ દરમિયાન કેનેડીના ઉગ્ર સ્વભાવની પણ વ્હાઇટ હાઉસ ખાતે ટીકા થઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેનેડીએ વ્હાઇટ હાઉસમાં એક સેક્સ સ્કેન્ડલ છુપાવવા માટે લોકોને ગાળો ભાંડી હતી અને ધમકીઓ પણ આપી હતી. તેમના વિશે કાયમ એવો મત રહ્યો છે કે, તેઓ મહિલા કર્મચારીઓ સાથે ખૂબ જ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા હતા.
થિયોડોર રૂઝવેલ્ટ પણ આવા જ નેતા હતા. તેઓ પોતાના ભાષણમાં ગુસ્સો કાઢતા અને હિંસાત્મક અભિગમ સાથે વાત કરતા હતા. તેઓ આકરી ભાષાનો ઉપયોગ કરતા હતા.
રિચર્ડ નિક્સન અને ઇન્દિરા ગાંધીની બેઠકને કોઈ ભૂલી શકે તેમ નથી
અમેરિકી પ્રમુખ રિચર્ડ નિક્સન અને ભારતીય વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની બેઠક ખૂબ જ ચર્ચામાં રહી હતી. અમેરિકા દ્વારા તે સમયે ભારત ઉપર દબાણ ઊભું કરવામાં આવી રહ્યું હતું કે, તે પાકિસ્તાન ઉપર હુમલો ન કરે. નિક્સન દ્વારા ભારતીય પીએમ માટે ડાકણ, ડોશી જેવા શબ્દોનો ઉપયોગ કરાયો હતો. તે ઉપરાંત તેણે ભારતને ગંદો અને ભિખારીઓનો દેશ કહ્યો હતો. વ્હાઇટ હાઉસમાં થયેલી આ બેઠકના રૅકોર્ડિંગ બહાર આવ્યા ત્યારે મોટો વિવાદ થયો હતો.
પાકિસ્તાન દ્વારા જ્યારે બાંગ્લાદેશ ઉપર હુમલો કરાયો અને નરસંહાર શરુ થયો ત્યારે બાંગ્લાદેશીઓ શરણ માટે ભારત આવ્યા હતા. એક કરોડ શરણાર્થીઓને ભારતમાં સમાવી શકાય તેમ હતું નહીં. ભારતે યુએન અને અમેરિકા સામે આ સ્થિતિ મૂકી હતી. તે સમયે પાકિસ્તાનને અમેરિકાનું સમર્થન વધારે હતું. તેના કારણે તેમણે ભારતને પૂર્વ પાકિસ્તાન સામે પગલાં ન લેવા દબાણ કર્યું.
ઈન્દિરા ગાંધી એક જ મિનિટમાં બેઠક છોડીને જતા રહ્યા
પાકિસ્તાન મુદ્દે જ્યારે ઈન્દિરા ગાંધી અમેરિકા પહોંચ્યા ત્યારે તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો. અમેરિકી પ્રમુખ રિચર્ડ નિક્સન અને તેમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હેનરી કિસિંજર પાકિસ્તાનને સમર્થન આપતા હતા. તેઓ નહોતા ઇચ્છતા કે પાકિસ્તાનના કામમાં ભારત દખલ દે. તેના કારણે તેમણે ઇન્દિરા ગાંધીની સાથે બેઠકમાં અભદ્ર ભાષાનો પ્રયોગ શરુ કરી દીધો. તેઓ ઇન્દિરા ગાંધીનું અપમાન કરવા લાગ્યા. તેમણે ઇન્દિરા ગાંધી ઉપર દબાણ કર્યું કે, તેઓ પૂર્વ પાકિસ્તાનમાં સૈન્ય કામગીરી ન કરે. તેના માટે તેમણે બેઠક દરમિયાન ઇન્દિરા ગાંધી વિરુદ્ધ અભદ્ર ભાષા અને શબ્દોનો પ્રયોગ શરુ કર્યો. તે સિવાય ભારત વિશે પણ ખરાબ ભાષાનો પ્રયોગ કરવા લાગ્યા. તેના કારણે ઇન્દિરા ગાંધી અકળાયા અને બેઠક છોડીને જતા રહ્યા.
ભારતની કામગીરીથી સમગ્ર દુનિયા સ્તબ્ધ થઈ ગઈ
અમેરિકા અને તેના પ્રમુખો બીજા દેશો અને તેના પ્રમુખોને દબાવવા માટે જાણીતા છે. પૂર્વ પાકિસ્તાન મુદ્દે નિક્સન અને કિસિંજરે જે રીતે ઇન્દિરા ગાંધી સાથે વર્તન કર્યું હતું તેનાથી લાગતું હતું કે, તેઓ કોઈ પગલાં નહીં લે. નિક્સનની ધારણાથી વિરુદ્ધ ઇન્દિરા ગાંધીએ ભારતીય સેનાને મોકલી અને કામગીરી કરાવી.
અમેરિકાની નારાજગી અને ધમકીઓ વચ્ચે ભારતે ત્યાં સૈન્ય કામગીરી કરી. ઇન્દિરા ગાંધીએ જે રીતે જવાબ આપ્યો હતો તેવો જવાબ કોઈ દેશે અમેરિકાને ક્યારેય આપ્યો નહોતો. સમગ્ર દુનિયા ભારતની આ કામગીરીથી સ્તબ્ધ થઈ ગઈ હતી. અમેરિકાએ ત્યારે પગલાં લેવા માટે પોતાના જહાજો સજ્જ કરાવ્યા. તેમણે અમેરિકી યુદ્ધ જહાજોનો કાફલો ભારત તરફ મોકલી દીધો. ઈન્દિરા ગાંધીએ તેનો પણ તોડ કાઢી રાખ્યો હતો.
બાંગ્લાદેશ ઉપર પગલાં લેતા પહેલાં ભારતે સોવિયત સંઘ સાથે મૈત્રી, શાંતિ કરાર કરી લીધા હતા. સોવિયેત સંઘે ભારતને ચીની અને અમેરિકી હુમલામાં રક્ષણ કરવાનું વચન આપ્યું હતું. અમેરિકાએ નૌસાને મોકલી ત્યારે રશિયાની સબમરીનો ત્યાં સજ્જ હતી. અમેરિકાએ વીલા મોઢે પાછા જવું પડ્યું અને પાકિસ્તાનના ભાગલા પડી ગયા. અમેરિકાના નાક નીચે ઇન્દિરાએ સૈન્ય ઓપરેશન પાર પાડ્યું. આ ઘટનાના થોડા સમય બાદ વોટરગેટ સ્કેન્ડલ બહાર આવ્યું અને નિક્સને રાજીનામું આપવું પડ્યું હતું. બીજી તરફ ઇન્દિરા એક મજબૂત નેતા તરીકે ઊભરી આવ્યા હતા.







