મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

એર ઈન્ડિયાએ તેલ અવીવની તમામ ફ્લાઈટો રદ કરી, ઈઝરાયેલ- ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. એર ઈન્ડિ

એર ઈન્ડિયાએ તેલ અવીવની તમામ ફ્લાઈટો રદ કરી, ઈઝરાયેલ- ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. એર ઈન્ડિયાએ ઈઝરાયેલ માટેની તમામ ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. શુક્રવારે એર ઈન્ડિયાએ કહ્યું કે, ઈઝરાયેલના તેલ અવીવ જતી તેની તમામ ફ્લાઈટ્સ 8 ઓગસ્ટ સુધીની કેન્સલ કરી દીધી છે. એર ઈન્ડિયાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, 'મધ્ય પૂર્વની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે તાત્કાલિક અસરથી તેલ અવીવની ફ્લાઈટ્સ રદ કરી છે. આ ફ્લાઈટ્સ 8મી ઓગસ્ટ સુધી રદ રહેશે. અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. અમે તેલ અવીવ જવા-આવવાની ફ્લાઈટ બુક કરાવનારા પ્રવાસીઓના સંપર્કમાં છીએ.  

એર ઈન્ડિયાએ જણાવ્યું કે, પ્રવાસીઓએ કેન્સલેશન કે રિશેડ્યૂલ માટે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. અમારી પ્રથમ પ્રાથમિકતા મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષાની છે. આ અગાઉ ગુરુવારે પણ એર ઈન્ડિયાએ કેટલીક ફ્લાઈટ્સ કેન્સલ કરી હતી જે ઈઝરાયેલ જવાની હતી. એર ઈન્ડિયા અગાઉ સિંગાપોર, તાઈવાન અને ચાઈના એરલાઈન્સે પણ પોતાની ફ્લાઈટ્સના રૂટ બદલી નાંખ્યા છે. બધાએ ઈરાનના આકાશમાંથી વિમાનો ન ઉડાડવાની સલાહ આપી છે.

આ ઉપરાંત ઈરાક, લેબેનોન અને ઈઝરાયલના આકાશમાંથી પ્લેન ઉડાવવાથી બચવાની સલાહ આપવામાં આવી છે. બે દિવસમાં ઈઝરાયેલે હમાસથી લઈને હિઝબુલ્લા સુધી ટોચના ત્રણ કમાન્ડોને મારી નાખ્યા હતા. ઈરાનથી લઈને લેબનોનમાં ઘૂસીને આ કમાન્ડોને મારવામાં આવ્યા હતા. આનાથી ગુસ્સે ભરાયેલા મુસ્લિમ દેશોમાં ઈઝરાયેલ સામે બદલો લેવાની માંગણી થઈ રહી છે.

ઇઝરાયેલે મંગળવારે તેહરાનમાં હમાસના ટોચના નેતા ઇસ્માઇલ હાનિયાની હત્યા કરી હતી. આના કારણે મધ્ય પૂર્વમાં તણાવ ભભૂકી ઉઠ્યો છે. એવું મનાય છે કે ઈરાન દ્વારા કોઈપણ સમયે જવાબી કાર્યવાહી કરવામાં આવી શકે છે. ઈરાન તરફથી હવાઈ હુમલો પણ થઈ શકે છે. જ્યારે લેબનોનમાં ઈઝરાયેલે હિઝબુલ્લાના કમાન્ડર ફુઆદ શુકરને મારી નાખ્યો હતો. આ કારણે લેબનોનથી પણ ઈઝરાયેલ પર હુમલો થઈ શકે છે. આ ડરના કારણે દુનિયાભરની એરલાઈન્સ લેબનોન, ઈરાન અને ઈઝરાયેલની એરસ્પેસનો ઉપયોગ કરવા માંગતી નથી.

આ સમાચાર શેર કરો