દુકાળમાં ધરતીપુત્રો અટવાયા, ખેડૂતોની મુશ્કેલીમાં વધારો

દુકાળમાં ધરતીપુત્રો અટવાયા, ખેડૂતોની મુશ્કેલીમાં વધારો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

કુદરત રૂઠી હોય ત્યારે ખેડૂતોને વહારે આવવાને બદલે સરકારે ખિસ્સા હળવા કરવાની અનોખી કળા અજમાવી રહી છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને કચ્છ જેવા દુષ્કાળગ્રસ્ત જિલ્લાના ખેડૂતો માટે સરકારે હેક્ટર દીઠ સહાયની મોટી-મોટી જાહેરાતો કરી વાહવાહી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ જાહેરાતની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં જ મિની ટ્રેક્ટર અને ટ્રોલીના વીમા તેમજ પાર્સિંગના પૈસા ભરવા મેસેજ મોકલાયાં છે પરિણામે ધરતીપુત્રો અકળાયાં છે. આને કહેવાય ‘ડાબા હાથે આપવું અને જમણા હાથે ડબલ કરીને પરત લેઈ લેવું!’

ડાબા હાથે 'રાહત', જમણાં હાથે 'લૂંટ'

જાહેરાત

દુષ્કાળ જાહેર થયાં પછી ખેડૂતોના ફોન પર હવે સહાયના જમા થયાના નહીં, પણ મીની ટ્રેક્ટર અને ટ્રોલીના વીમા તેમજ પાર્સિંગ પેટે રૂ.14,450 ભરવાના મેસેજ આવી રહ્યા છે. લાખો રૂપિયાના મોટા ટ્રેક્ટર ન ખરીદી શકે ત્યારે ખેતી અને માત્ર વાવણીના ગણતરીનાં દિવસોમાં ખેડૂતો ‘મીની ટ્રેક્ટર’ વસાવે છે. આ નાનકડું ટ્રેક્ટર હાઇવે પર ધૂમ સ્ટાઇલથી દોડવા માટે નથી હોતા, માત્ર ખેતરના કાળા મોંમાં પરસેવો પાડી અનાજ પકવવા માટે હોય છે. તેમ છતાં, સરકારી તંત્રએ મીની ટ્રેક્ટરના થર્ડ પાર્ટી વીમાના નામે રૂ.8,650 અને પીયુસીના રૂ.300 ઉઘરાવવાનું શરૂ કર્યું છે. માંડ માંડ ડીઝલના પૈસા ભેગા કરે છે, તેની પાસેથી આટલી રકમ વસૂલવી એ સરેઆમ સરકારી લૂંટ સમાન છે તેવો ખેડૂતોનો આરોપ છે.

પાછળ જોડાતી ટ્રોલીનો વીમો શા માટે?: ખેડૂતો

હદ તો ત્યાં થાય છે કે ખેડૂતો મૂળ ટ્રેક્ટરનું પાર્સિંગ અને વીમો નિયમિત ભરતો જ હોય છે. તેમ છતાં તેની પાછળ જોડાતી ટ્રોલી માટે અલગથી પાર્સિંગ અને વીમાના નામે રૂ.5,500નો ફતવો બહાર પાડવામાં આવ્યો છે. ખેડૂત સંગઠનો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો એન્જિનનો વીમો લીધેલો હોય, તો પાછળ લટકતી ટ્રોલી માટે અલગથી વીમો શા માટે? શું ટ્રોલી ટ્રેક્ટર વગર એકલી રોડ પર દોડવાની છે? આ નીતિ માત્ર ને માત્ર સરકારી તિજોરી ભરવા અને વીમા કંપનીઓને ગર્ભશ્રીમંત બનાવવાનું કૌભાંડ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત