સ્ટેડિયમ બાદ હવે એરપોર્ટ પણ મોદીના નામે! જેવર એરપોર્ટના નામકરણ પર કોંગ્રેસનો કટાક્ષ, પૂછ્યું- હવે કોનો વારો?

સ્ટેડિયમ બાદ હવે એરપોર્ટ પણ મોદીના નામે! જેવર એરપોર્ટના નામકરણ પર કોંગ્રેસનો કટાક્ષ, પૂછ્યું- હવે કોનો વારો?
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જેવર સ્થિત 'નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ'નું નામ બદલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર રાખવાના નિર્ણય સામે કોંગ્રેસે મંગળવારે આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે ભૂતકાળની યાદ અપાવતા કહ્યું કે, એક સમય એવો પણ હતો જ્યારે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ જાહેર પ્રોજેક્ટ્સ સાથે પોતાનું નામ જોડવાના પ્રસ્તાવોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા. 

૩૦ હજાર કરોડના ખર્ચ છતાં એક પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ નહીં : જયરામ રમેશ

જાહેરાત

કોંગ્રેસના મહાસચિવ (કોમ્યુનિકેશન્સ) જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, ૨૮ માર્ચ ૨૦૨૬ના રોજ વડાપ્રધાન મોદીએ ધામધૂમથી જેવર એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. વિવાદો વચ્ચે સંપાદિત કરાયેલી ૩,૦૦૦ એકરથી વધુ જમીન અને ₹૩૦,૦૦૦ કરોડથી વધુના રોકાણ છતાં, હજુ સુધી આ એરપોર્ટ પરથી એક પણ નિર્ધારિત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ઉડાન ભરી શકી નથી અને મુસાફરોની અવરજવર પણ અત્યંત ધીમી છે. 

રમેશે કટાક્ષ કરતા કહ્યું કે, "આમ છતાં એરપોર્ટનું નામ બદલીને 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ, નોઈડા-જેવર' કરી દેવામાં આવ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને હવે નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ બાદ, હવે આગળ કોનો વારો આવશે?" જ્યારે જવાહરલાલ નહેરુએ પોતાના નામના પ્રસ્તાવો ફગાવ્યા હતા.

જયરામ રમેશે ઈતિહાસના ત્રણ પ્રસંગો ટાંકીને નહેરુના અભિગમની સરખામણી કરી હતી: 

•    હૈદરાબાદ ફતેહ મેદાન (૧૯૪૯): જાન્યુઆરી ૧૯૪૯માં નહેરુએ હૈદરાબાદના ફતેહ મેદાનનું નામ પોતાના નામ પર રાખવાનો ઈનકાર કરી દીધો હતો.
•    બનિહાલ ટનલ (૧૯૫૬): ડિસેમ્બર ૧૯૫૬માં જમ્મુ-કાશ્મીરની બનિહાલ ટનલનું નામ તેમના સન્માનમાં રાખવાના પ્રસ્તાવ પર પણ તેમણે રોક લગાવી હતી.
•    દિલ્હી યુનિવર્સિટી (૧૯૬૦નો દાયકો): પૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી એમ.સી. ચાગલાએ તેમની આત્મકથા 'રોઝિઝ ઈન ડિસેમ્બર' (Roses in December) માં લખ્યું છે કે, ૧૯૬૦ના દાયકાની શરૂઆતમાં તેઓ દિલ્હીમાં બનનારી બીજી યુનિવર્સિટીનું નામ નહેરુના નામ પર રાખવા માંગતા હતા, પરંતુ નહેરુએ તરત જ આ વિચારને વીટો વાપરીને નકારી કાઢ્યો હતો. 

યોગી સરકારે મોદી પ્રત્યે વ્યક્ત કર્યો હતો આભાર

ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર મહિનામાં ઉત્તર પ્રદેશ કેબિનેટે જેવર એરપોર્ટનું નામ બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેને ઉત્તર પ્રદેશ માટે મોટી ભેટ ગણાવતા વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે તે રાજ્યનું સૌથી મોટું એરપોર્ટ અને દેશનું મુખ્ય એવિએશન હબ બનશે. નોંધનીય છે કે, મોદીએ ૨૫ નવેમ્બર ૨૦૨૧ના રોજ આ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો અને ૧૫ જૂન ૨૦૨૬થી અહીં કોમર્શિયલ ફ્લાઈટ્સનું સંચાલન શરૂ થયું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત