પ્રેમ સંબંધનો કરુણ અંત: IT એન્જિનિયરે લિવ-ઇન પાર્ટનરની કરી હત્યા, જાણો શું છે મામલો

પ્રેમ સંબંધનો કરુણ અંત: IT એન્જિનિયરે લિવ-ઇન પાર્ટનરની કરી હત્યા, જાણો શું છે મામલો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

પુણેના IT હબ ગણાતા હિંજવાડી વિસ્તારમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં એક સોફ્ટવેર એન્જિનિયરે ઝઘડા બાદ પોતાની લિવ-ઇન પાર્ટનરની નિર્મમ હત્યા કરી નાખી હતી. ચોંકાવનારી વાત એ છે કે હત્યા કર્યા બાદ આરોપી આખી રાત મૃતદેહની પાસે જ બેસી રહ્યો હતો અને વહેલી સવારે પોતે જ પોલીસને ફોન કરીને એમ્બ્યુલન્સ મંગાવી હતી. 

બંને જાણીતી IT કંપનીઓમાં કરતા હતા નોકરી

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક યુવતીની ઓળખ વિદર્ભના વર્ધા જિલ્લાની વતની કોમલ દહાલે તરીકે થઈ છે, જ્યારે આરોપી શુભમ કલબંદે પૂર્વ મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાનો રહેવાસી છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) પ્રદીપ જાધવે જણાવ્યું હતું કે, શુભમ ઈન્ફોસિસ (Infosys) માં અને કોમલ વિપ્રો (Wipro) માં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતી હતી. બંને છેલ્લા ઘણા વર્ષોથી રિલેશનશિપમાં હતા અને બે-ત્રણ વર્ષથી સાથે રહેતા હતા. બંનેના પરિવારો પણ તેમના સંબંધોથી વાકેફ હતા અને તેમના લગ્ન માટે મંજૂરી પણ આપી દીધી હતી. 

જાહેરાત

અન્ય યુવતી સાથેના અફેરની શંકામાં થતો હતો ઝઘડો

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, કોમલને શંકા હતી કે શુભમનું અન્ય કોઈ યુવતી સાથે અફેર ચાલી રહ્યું છે, જેને લઈને બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. રવિવારે રાત્રે બંને એક હોટલમાં ડિનર કરવા ગયા હતા અને ત્યારબાદ હિંજવાડી સ્થિત પ્રિસ્ટાઈન પીજી (PG) ખાતે કોમલના રૂમ પર પરત ફર્યા હતા. 

મધરાતે શરૂ થયેલી તકરારે લીધું હિંસક સ્વરૂપ

રાત્રે આશરે ૧૨:૩૦ વાગ્યે બંને વચ્ચે ફરી બોલાચાલી શરૂ થઈ હતી. વહેલી સવારે ૩ વાગ્યાની આસપાસ આ ઝઘડો ઉગ્ર બન્યો હતો અને ગુસ્સામાં આવીને શુભમે કોમલ પર મુક્કાઓ વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઈજાઓને કારણે કોમલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. 

સવારે ૬:૩૦ વાગ્યે પોલીસને જાણ કરી

કોમલના મોત બાદ શુભમ આખી રાત રૂમમાં તેના મૃતદેહ પાસે બેસી રહ્યો હતો. સવારે આશરે ૬:૩૦ વાગ્યે તેણે પોલીસને ફોન કરીને એમ્બ્યુલન્સ મોકલવા કહ્યું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કોમલને હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પોલીસે આરોપી શુભમની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત