મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પરિણામો બાદ ખડગેએ કહ્યું, ‘આ મોદીની નૈતિક હાર’; રાહુલ ગાંધીએ કહ્યું ‘લડાઈ બંધારણને બચાવવાની’

દિલ્હી: લોકસભા ચૂંટણીમાં દેશની 543 બેઠકની મત ગણતરી પૂર્ણ

પરિણામો બાદ ખડગેએ કહ્યું, ‘આ મોદીની નૈતિક હાર’; રાહુલ ગાંધીએ કહ્યું ‘લડાઈ બંધારણને બચાવવાની’

દિલ્હી: લોકસભા ચૂંટણીમાં દેશની 543 બેઠકની મત ગણતરી પૂર્ણ થઈ રહી છે. એક્ઝિટ પોલની સરખામણીમાં ઈન્ડિયા બ્લોકે જોરદાર ટક્કર આપી છે. એનડીએને 280 જેટલી બેઠક મળી ગઈ છે, પરંતુ ઈન્ડિયા બ્લોકનો આંકડો પણ 220ને પાર થઈ ગયો છે. જો એનડીએ સરકાર બનશે તો નરેન્દ્ર મોદી ત્રીજી વાર વડાપ્રધાન બનશે. આ સાથે જ તેમનો ત્રણ વાર વડાપ્રધાન બનવાનો રેકોર્ડ બનશે. આ પહેલા જવાહરલાલ નહેરુના નામે આ રેકોર્ડ નોંધાઈ ચૂક્યો છે. આ વખતે 96.88 કરોડ મતદારમાંથી 64.2 કરોડ મતદાર દ્વારા મત આપવાનો રેકોર્ડ પણ નોંધાયો છે. 

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "આજે જે પરિણામો આવ્યા છે તે લોકો અને લોકશાહીની જીત છે. અમે પહેલાથી જ કહી રહ્યા હતા કે આ લડાઈ મોદી વિરુદ્ધ જનતાની છે. આ વખતે જનતાએ કોઈ પાર્ટીને સંપૂર્ણ બહુમતી આપી નથી. શાસક પક્ષ ભાજપે એક વ્યક્તિના ચહેરા પર વોટ માંગ્યા આજે સ્પષ્ટ થઈ ગયું છે કે આ જનાદેશ નરેન્દ્ર મોદીની વિરુદ્ધ છે, તે તેમની નૈતિક હાર છે."

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, "મોદીજીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા વિશે જે જુઠ્ઠાણું ફેલાવ્યું તે જનતા સમજી ગઈ. રાહુલ ગાંધીએ તેમની બંને યાત્રાઓ - ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કરોડો લોકોને મળ્યા અને તેમની સમસ્યાઓ સાંભળી અને ઉકેલો શોધી કાઢ્યા. તે સમસ્યાઓ અમારા અભિયાનનો આધાર બની ગઈ છે."

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, "ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ પાર્ટીએ આ ચૂંટણી માત્ર એક રાજકીય પક્ષ સામે નથી લડી, અમે આ ચૂંટણી ભાજપ, કેન્દ્રીય સંસ્થાઓ CBI-ED, આ તમામ સામે લડ્યા છીએ કારણ કે આ સંસ્થાઓ નરેન્દ્ર મોદી જી દ્વારા નિયંત્રિત હતી. અને અમિત શાહજીએ બધાને ડરાવી દીધ હતા. લડાઈ બંધારણને બચાવવાની હતી."

જેડીયુ અને ટીડીપી સાથે મળીને સરકાર બનાવવાની સંભાવના પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, "અમે અગાઉ કહ્યું હતું તેમ, અમે આવતીકાલે ઇન્ડિયા ગઠબંધનમાંથી અમારા સહયોગીઓ સાથે બેઠક યોજીશું. ત્યાર બાદ જ આ સંદર્ભમાં કંઈક કહી શકાશે. અમે અમારા ગઠબંધન ભાગીદારો સાથે બેઠક કરીશું. અમે પક્ષો સાથે વાત કર્યા વિના આ અંગે કોઈ નિવેદન આપવા માંગતા નથી."

રાહુલ ગાંધીએ કહ્યું, "સંવિધાન બચાવવાનું કામ ભારતના સૌથી ગરીબ લોકોએ કર્યું છે. આ બંધારણને બચાવવા માટે કામદારો, ખેડૂતો, દલિતો, આદિવાસીઓ, પછાત લોકોએ કામ કર્યું છે."

આ સમાચાર શેર કરો