કોલકાતા કાંડ બાદ હવે રત્નાગિરી કાંડ: રિક્ષાચાલકે નર્સ પર આચર્યું દુષ્કર્મ
મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં એક 19 વર્ષિય નર્સિંગ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની હિણપતભરી ઘટના

મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં એક 19 વર્ષિય નર્સિંગ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની હિણપતભરી ઘટના સામે આવી છે. કોલકાતામાં ડોક્ટર સાથે બનેલ દુષ્કર્મની ઘટના બાદ દેશભરમાં રોષનો માહોલ છે. એવામાં વધુ એક એવી ઘટના બનતા મહારાષ્ટ્ર અને દેશભરમાં તેના પડઘા પડ્યા છે.
શરૂઆતની તપાસ બાદ સામે આવ્યું છે કે પીડિતા ઓટો રિક્ષા દ્વારા ઘરે જઈ રહી હતી. આ દરમિયાન ડ્રાઈવરે તેને પાણી આપ્યું હતું. આ પાણીમાં નશાકારક દ્રવ્ય ભેળવ્યું હતું જેના કારણે પીડિતા બેભાન થઈ ગઈ હતી. ત્યાર બાદ ડ્રાઈવરે તેણીને કથિત રીતે સુમસાન જગ્યાએ લઈ જઈને તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું.
આ ઘટના બાદ પીડિતાએ ભાનમાં આવ્યા બાદ તેણીના માતાપિતાને જાણ કરી હતી. માતા પિતાએ પોલીસ પાસે જઈને ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે કહ્યું હતું કે ફરિયાદ દાખલ કર્યા બાદ આસપાસના વિસ્તારમાં સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત એક SIT ની રચના કરવામાં આવી છે. જેમાં એક મહિલા ઇન્સ્પેકટર સામેલ છે. આ ઘટના બાદ હોસ્પિટલની બહાર કર્મચારીઓ અને નર્સ બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આરોપીને મોતની સજા માટે માંગ કરવામાં આવી હતી. કેટલાક કર્મચારીઓ વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રત્નાગિરીના કેટલાક વિસ્તારોમાં વાહનોની અવરજવર પણ બંધ થઈ ગઈ હતી. સ્થાનિક અધિકારીઓ અને તંત્ર દ્વારા શાંતિની અપીલ કરવામાં આવી હતી અને તપાસની બાહેંધરી આપવામાં આવી હતી.






