ગૃહમંત્રી સામેના આક્ષેપો રાહુલ ગાંધીને ભારે પડ્યા! લોકસભા વિશેષાધિકાર સમિતિએ ફટકારી નોટિસ

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે લોકસભાની વિશેષાધિકાર સમિતિ (Committee of Privileges) દ્વારા નોટિસ જારી કરવામાં આવી છે. સંસદમાં ગૃહમંત્રી વિરુદ્ધ અસંસદીય ભાષાનો ઉપયોગ કરવા અને પૂર્વ નોટિસ વિના ગંભીર આક્ષેપો કરવાના મામલે રાહુલ ગાંધી પાસેથી 28 ઓગસ્ટ, 2026 સુધીમાં સ્પષ્ટતા અને લેખિત જવાબ માંગવામાં આવ્યો છે.
ભાજપ સાંસદો દ્વારા વિશેષાધિકાર ભંગની ફરિયાદ
આ મામલે ભારતીય જનતા પાર્ટી (BJP)ના બે સાંસદો દ્વારા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અનુરાગ ઠાકુરની ફરિયાદ (30 જુલાઈ2026): ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે લોકસભા સ્પીકરને વિશેષાધિકાર ભંગની નોટિસ સોંપી હતી. જેમાં આક્ષેપ કરાયો હતો કે 'પબ્લિક એક્ઝામિનેશન અમેન્ડમેન્ટ બિલ, 2026' પરની ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ અસંસદીય અને અપમાનજનક ભાષા વાપરી હતી તેમજ લોકસભાના નિયમ 353 (Rule 353) હેઠળ પૂરતી એડવાન્સ નોટિસ આપ્યા વિના માનનીય ગૃહમંત્રી સામે અત્યંત ગંભીર આક્ષેપો કર્યા હતા.
ભાજપ સાંસદ ડૉ. સંજય જયસ્વાલે પણ પત્ર લખીને રાહુલ ગાંધી દ્વારા ગૃહમંત્રી વિરુદ્ધ કરવામાં આવેલી કથિત અસંસદીય ટિપ્પણીઓની ગંભીર નોંધ લેવા અને સંસદીય નિયમો હેઠળ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
નિયમ 353 અને સંસદીય ગરિમાનું ઉલ્લંઘન
લોકસભા નિયમો મુજબ, કોઈ પણ સભ્ય ગૃહમાં અન્ય સભ્ય કે મંત્રી સામે ગંભીર આક્ષેપ કરતા પહેલાં સ્પીકર અને સંબંધિત મંત્રીને અગાઉથી નોટિસ આપવી ફરજિયાત હોય છે. ભાજપનો આરોપ છે કે રાહુલ ગાંધીએ નિયમોનું પાલન કર્યા વિના સંસદીય ગરિમાને ઠેસ પહોંચાડી છે. હવે વિશેષાધિકાર સમિતિએ રાહુલ ગાંધીને 28 ઓગસ્ટ સુધીમાં પોતાનો પક્ષ રજૂ કરવા આદેશ કર્યો છે, જેના આધારે સમિતિ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેશે.

