આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર અકસ્માત, ડબલ ડેકર બસ દૂધના ટેન્કર સાથે ટકરાતાં 18ના મોત, અનેક ઘાયલ
ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. અહીં લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર એક ટેન્કર અને ડબલ ડે

ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. અહીં લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર એક ટેન્કર અને ડબલ ડેકર બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ છે. ત્યારબાદ બસ ઘણી વખત પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં 18 મુસાફરોના મોત થયા છે, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.
મળતી માહિતી મુજબ, ડબલ ડેકર બસ (UP95 T 4720) બિહારના સીતામઢીથી દિલ્હી જઈ રહી હતી. સવારે સાડા ચાર વાગ્યે જ્યારે બસ ઉન્નાવના બેહતા મુજાવર પોલીસ સ્ટેશન વિસ્તારના ગડા ગામની સામે પહોંચી ત્યારે પાછળથી દૂધ ભરેલા એક ઝડપી ટેન્કરે તેને ઓવરટેક કરવા જતાં ધડાકા સાથે બસ સાથે અથડાઇ હતી.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે ડબલ ડેકર બસ ઘણી વખત પલટી ગઈ અને બે ભાગમાં તૂટી ગઈ. આ ઘટનાની જાણકારી મળતા જ ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
આ અકસ્માત અંગે રાહદારીઓએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ બાંગરમાઉના ઈન્સ્પેક્ટર ભારે પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેઓ ઈજાગ્રસ્તોને સારવાર માટે બાંગરમાઉ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયા. અહીં ડોક્ટરોએ 18 લોકોને મૃત જાહેર કર્યા હતા. ડૉક્ટરોએ ગંભીર રીતે ઘાયલ મુસાફરોને લખનૌના ટ્રોમા સેન્ટરમાં રિફર કર્યા છે.






