મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સને નડ્યો અકસ્માત: પિકઅપ વાહનમાં ધડાકાભેર ઘૂસી જતાં 5ના મોત

ઉત્તર પ્રદેશના બારાબંકીમાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર શનિવારે વહેલી સવારે એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં 5 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. આ દુર્ઘટના થાણા સુબેહા વિસ્તારના ઘેરાવન ગામ નજીક પૂર્વાંચલ એક્સપ્રેસ-વેના 53.3 કિલોમીટર પોઈન્ટ પાસે સવારે અંદાજે 6:30 વાગ્યે બની હતી. રાજસ્થાનના જયપુરથી એક મૃતદેહ લઈને ગાઝીપુર જઈ રહેલી પૂરપાટ ઝડપે આવતી એમ્બ્યુલન્સ આગળ ઉભેલા પિકઅપ વાહનમાં પાછળથી ધડાકાભેર ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે એમ્બ્યુલન્સમાં સવાર તમામ 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મૃતકોમાં એમ્બ્યુલન્સના બે ડ્રાઈવર અને અન્ય ત્રણ લોકોનો સમાવેશ થાય છે.
પોલીસ અને રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે દોડી, પાંચેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ પાંચેય લોકોને મૃત જાહેર કર્યા હતા. પોલીસે તમામ મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માત અંગે જરૂરી વિગતો એકત્ર કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
તેજ રફતાર અને ધુમ્મસ બન્યા અકસ્માતનું કારણ? પોલીસની તપાસ શરૂ
આ દુર્ઘટના અંગે પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં એમ્બ્યુલન્સની તેજ રફતાર અને સવારના સમયે રહેલી ધુમ્મસ અકસ્માતનું સંભવિત કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, આ ટક્કર કયા સંજોગોમાં થઈ અને પિકઅપ વાહન રસ્તા પર કયા કારણસર ઉભું હતું તે દિશામાં પણ પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.












