રાજસ્થાન પંચાયત ચૂંટણીનાં ચોંકાવનારાં પરિણામો: જયપુરથી અલવર સુધી કોંગ્રેસનો દબદબો, ભાજપના ગઢમાં પણ અનેક જગ્યાએ ઉલટફેર

રાજસ્થાન જિલ્લા પરિષદ અને પંચાયત ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસે શાનદાર દેખાવ કરતાં મોટી જીત મેળવી છે, જ્યારે ભાજપ માટે આ પરિણામો આંચકાજનક સાબિત થયા છે. જયપુર, જોધપુર, અલવર અને સીકર જેવા મોટા અને મહત્ત્વના જિલ્લાઓમાં કોંગ્રેસે પૂર્ણ બહુમતી હાંસલ કરી છે. બીજી તરફ, ઉદયપુર, પાલી, અજમેર અને ઝાલાવાડમાં ભાજપને બહુમતી મળી છે, જ્યારે હનુમાન બેનીવાલની આરએલપી (RLP)એ નાગૌરમાં જીત મેળવી છે. અમુક જિલ્લાઓમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતાં અપક્ષ અને નાના પક્ષો કિંગમેકરની ભૂમિકામાં આવ્યા છે, જ્યારે કોટા, શ્રીગંગાનગર, બારાં અને કરૌલી એમ ચાર જિલ્લામાં 17 ડિસેમ્બરે મતગણતરી થશે.
જયપુર સહિત અનેક જિલ્લાઓમાં કોંગ્રેસનો દબદબો
જયપુરથી લઈને મારવાડ અને મેવાડ સુધી કોંગ્રેસે મજબૂત પકડ જમાવી છે. જયપુરમાં કોંગ્રેસને સૌથી મોટી જીત મળી છે, જ્યાં જિલ્લા પરિષદની 57 બેઠકોમાંથી કોંગ્રેસે 41 બેઠકો જીતી છે અને ભાજપને માત્ર 12 બેઠકો મળી છે. જોકે, અહીં કોંગ્રેસના જિલ્લા પરિષદ પ્રમુખ મનાતા મોહન ડાગર ચૂંટણી હારી જતાં મોટો ઉલટફેર થયો છે અને હવે કોંગ્રેસે નવા ચહેરા પર પસંદગી ઉતારવી પડશે.
આ ઉપરાંત અલવરમાં 39માંથી 33, ચિત્તોડગઢમાં 35માંથી 28, ટોંકમાં 31માંથી 25, હનુમાનગઢમાં 37માંથી 26, બીકાનેરમાં 41માંથી 30 અને મુખ્યમંત્રી ભજનલાલ શર્માના ગૃહ જિલ્લા ભરતપુરમાં 31માંથી 21 બેઠકો જીતી કોંગ્રેસે એકતરફી વિજય મેળવ્યો છે.
ઉદયપુરમાં ભાજપની હેટ્રિક, નાગૌરમાં RLPનો દમ
ભાજપ માટે સૌથી સારા સમાચાર ઉદયપુરથી આવ્યા છે, જ્યાં પક્ષે જીતની હેટ્રિક લગાવી છે અને પંચાયત સમિતિઓને જોડીને બોર્ડ બનાવવાની સ્થિતિમાં છે. પાલીમાં ભાજપે 20 બેઠકો જીતી કોંગ્રેસને 13 બેઠકો પર અટકાવી છે, તો અજમેરમાં 33માંથી 19 બેઠકો જીતી જિલ્લા પરિષદ સાચવી રાખી છે, જોકે અહીં ભાજપના મોટા નેતા સુશીલ કંવર પલાડા પોતાનો વોર્ડ હારી ગયા છે.
પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના ગૃહ જિલ્લા ઝાલાવાડમાં ભાજપે 33માંથી 17 બેઠકો સાથે બહુમતીનો આંકડો પાર કર્યો છે. બીજી બાજુ, હનુમાન બેનીવાલની આરએલપીએ પોતાના ગૃહ જિલ્લા નાગૌરમાં 37માંથી 19 બેઠકો જીતી પહેલીવાર પોતાના દમ પર જિલ્લા પરિષદમાં બોર્ડ બનાવવાની સ્થિતિ ઊભી કરી છે અને પંચાયત સમિતિઓમાં પણ સારો દેખાવ કર્યો છે.
ત્રિશંકુ સ્થિતિમાં કિંગમેકર અને ચૂંટણી પંચના આંકડા
કેટલાક જિલ્લાઓમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતાં સમીકરણો રસપ્રદ બન્યા છે, જ્યાં અપક્ષ અને નાના પક્ષો નિર્ણાયક સાબિત થશે. બાન્સવાડા અને ડુંગરપુરમાં ભારતીય આદિવાસી પાર્ટી (BAP)ના ટેકા વિના બોર્ડ બનવું મુશ્કેલ છે, જ્યારે 25 નવેમ્બરે જિલ્લા પ્રમુખ અને 27 નવેમ્બરે પ્રધાનની ચૂંટણી યોજાશે.
રાજ્ય ચૂંટણી પંચના આંકડા મુજબ, જાહેર થયેલા કુલ 1271 જિલ્લા પરિષદ વોર્ડમાંથી કોંગ્રેસે 794, ભાજપે 357, RLP એ 51, BAP એ 43, માકપાએ 7, બસપાએ 6 અને અપક્ષોએ 13 બેઠકો જીતી છે. 2020ની સરખામણીએ અને બે મહિના પહેલાંના નગરપાલિકા ચૂંટણીના પરિણામોથી વિપરીત આ વખતે પંચાયત ચૂંટણીમાં ચિત્ર સંપૂર્ણપણે બદલાયેલું જોવા મળ્યું છે.









