Video: ભોપાલના વીઆઈપી રોડ પર સ્કૂલ બસને નડ્યો ગમખ્વાર અકસ્માત; રેલિંગ તોડી ઝાડ સાથે અથડાતા ૩ બાળકો અને ૩ શિક્ષકો ઈજાગ્રસ્ત થયા

ભોપાલમાં સ્કૂલના બાળકો અને શિક્ષકોને લઈ જતી બસ અચાનક બેકાબુ બનીને અકસ્માતનો ભોગ બની હતી. ભોપાલના વ્યસ્ત ગણાતા વીઆઈપી રોડ પર આવેલા કોહેફિઝા સર્કલ પાસે ખાનગી બસ વળાંક લેતી વખતે રેલિંગ તોડીને એક ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ બાળકો અને ત્રણ શિક્ષકો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે અકસ્માત સર્જીને બસનો ડ્રાઈવર અને કંડક્ટર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે.
ભોપાલના વીઆઈપી રોડ પર આવેલા કોહેફિઝા સર્કલ પાસે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ખાનગી સ્કુલની બસ આ માર્ગ પરથી પસાર થઈ રહી હતી. સર્કલ પાસે વળાંક લેતી વખતે અચાનક ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલી બસ રસ્તાની બાજુમાં લગાવેલી લોખંડની રેલિંગ તોડીને સીધી એક ઝાડ સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બસના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક રહીશો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને બસમાં ફસાયેલા બાળકો તેમજ શિક્ષકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. કોહેફિઝા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ લોકેન્દ્ર સિંહ ઠાકુરે પુષ્ટિ કરી છે કે આ અકસ્માતમાં ત્રણ બાળકો અને ત્રણ શિક્ષકોને ઈજાઓ પહોંચી છે. સદનસીબે કોઈને પણ ગંભીર કે જીવલેણ ઈજા થઈ નથી અને તમામ છ ઈજાગ્રસ્તોને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે હમીદિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માત બાદ સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે દુર્ઘટના સર્જાતાની સાથે જ બસનો ડ્રાઈવર અને કંડક્ટર ઘાયલ બાળકોને મદદ કરવાને બદલે વાહન ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસ દ્વારા ફરાર ડ્રાઈવર અને કંડક્ટરને શોધવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. બીજી તરફ, આ ઘટનાને લગતા બે વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેણે તપાસમાં નવો વળાંક લાવ્યો છે. સામે આવેલા બે વીડિયોમાંથી એક વીડિયોમાં એક વ્યક્તિ ઘટનાસ્થળની નજીક આવેલી ઝાડીઓમાં હાલતમાં પડેલો જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્તરે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વીડિયોમાં ઝાડીઓમાં પડેલી આ વ્યક્તિ જ અકસ્માત સમયે બસ ચલાવી રહી હતી. જોકે, પોલીસે હજુ સુધી આ વ્યક્તિની ઓળખ કે તે ખરેખર બસનો ડ્રાઈવર હતો કે કેમ, તે અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. પોલીસ હાલ અકસ્માત પાછળના ચોક્કસ કારણો, ટેકનિકલ ખામી કે ડ્રાઈવરની બેદરકારી તેમજ વાયરલ વીડિયોમાં દેખાતા શખ્સની ભૂમિકા અંગે ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.
ભોપાલના વીઆઈપી રોડ પર બનેલી આ ઘટનાએ ફરી એકવાર સ્કૂલ વાહનોની સુરક્ષા અને ડ્રાઈવરોની જવાબદારી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી અને તમામ બાળકો તથા શિક્ષકો સુરક્ષિત છે, પરંતુ ફરાર થઈ ગયેલા બસ સ્ટાફની બેદરકારી સામે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસની તપાસમાં હવે આ અકસ્માતનું સાચું કારણ શું બહાર આવે છે તે જોવું રહ્યું.









