Video: ઉત્તર પ્રદેશ ચૂંટણી પહેલાં યોગી-અખિલેશ વચ્ચે બુલ્ડોઝર પર વોર તેજ

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યમાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે રાજકીય ખેંચતાણ તેજ બની રહી છે.. રાજ્યના બે મુખ્ય રાજકીય હરીફો ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે હવે શાબ્દિક યુદ્ધ તેજ બન્યું છે.ચૂંટણી પહેલાં કાયદો-વ્યવસ્થા, અપરાધ, ભ્રષ્ટાચાર અને બુલ્ડોઝર કાર્યવાહી જેવા મુદ્દાઓ પર બંને પક્ષો એકબીજાને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે.. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સતત સમાજવાદી પાર્ટીની અગાઉની સરકારને નિશાન બનાવી અપરાધીઓના વર્ચસ્વ અને ભ્રષ્ટાચારના આરોપો લગાવી રહ્યા છે.. યોગી આદિત્યનાથે એક સભામાં સંબોધન દરમિયાન કહ્યું હતું કે અગાઉની સરકારોની સમજ પિસ્તોલ અને બોમ્બથી આગળ વધી શકતી નહોતી.. તેમની સરકારમાં ગેરકાયદેસર ઠેકાણાઓ તોડી પાડવામાં આવ્યા છે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.. યોગી સરકાર બુલ્ડોઝર કાર્યવાહીને કાયદો-વ્યવસ્થા જાળવવા અને માફિયા તંત્રને ખતમ કરવાના પ્રયાસ તરીકે રજૂ કરી રહી છે.. ભાજપનો દાવો છે કે રાજ્યમાં અગાઉ અપરાધીઓ અને માફિયાઓનું વર્ચસ્વ હતું, પરંતુ હવે કાયદાનું શાસન સ્થાપિત થયું છે.. ચૂંટણી નજીક આવતા ભાજપ ફરી એકવાર પોતાના કાયદો-વ્યવસ્થાના રેકોર્ડને રાજકીય મુદ્દો બનાવી રહી છે.. અને જૂની સરકારના કાર્યકાળની સરખામણી વર્તમાન શાસન સાથે કરી મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે..
બીજી તરફ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પણ યોગી સરકાર સામે આક્રમક વલણ અપનાવી રહ્યા છે.. અખિલેશ યાદવ ભાજપ સરકારને અન્યાયી ગણાવી દલિતો, ઓબીસી અને નબળા વર્ગોના હિતોની અવગણના કરવાનો આરોપ લગાવી રહ્યા છે.. તેમના મતે બુલ્ડોઝર કાર્યવાહી ન્યાયનું પ્રતીક નહીં, પરંતુ સત્તાના દુરુપયોગનું પ્રતીક બની રહી છે.. અખિલેશ યાદવે આરોપ લગાવ્યો છે કે ભાજપ સરકાર સામે અવાજ ઉઠાવનાર લોકો અને વિરોધીઓ સામે બુલ્ડોઝર કાર્યવાહી કરવામાં આવે છે.. તેમણે બુલ્ડોઝરથી મકાનો તોડવાની પ્રક્રિયાને વિનાશકારી ગણાવતા કહ્યું હતું કે આવા લોકોને બુલ્ડોઝર ચલાવવામાં મજા આવે છે..ઉપરાંત અખિલેશ યાદવે મતદાર યાદીમાંથી હિન્દૂ વોટરોના નામ હટાવવા સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. સમાજવાદી પાર્ટી આ કાર્યવાહી સામે કાયદાકીય પ્રક્રિયા, સામાજિક ન્યાય અને બંધારણીય અધિકારોના મુદ્દાઓને આગળ ધપાવી રહી છે. અખિલેશ યાદવને વિશ્વાસ છે કે આગામી ચૂંટણીમાં જનતા ભાજપની નીતિઓનો જવાબ આપશે.. ત્યારે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પહેલાં ભાજપ કાયદો-વ્યવસ્થાના મુદ્દે અને સમાજવાદી પાર્ટી સામાજિક ન્યાય તથા બુલ્ડોઝર કાર્યવાહીના વિરોધમાં મેદાનમાં ઉતરી છે.. બંને પક્ષો વચ્ચે વધતી આ શાબ્દિક જંગ આગામી ચૂંટણીમાં કેવો રાજકીય રંગ લાવે છે તે જોવાનું રહેશે..














