Video: યુપીમાં 2027 પહેલાં પોસ્ટર વોરથી રાજકીય ગરમાવો વધ્યો

સોર્સ: gstv

આગામી 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યના રાજકારણમાં નવા સમીકરણો રચાઈ રહ્યા છે. અસદુદ્દીન ઓવૈસી અને આઝાદ સમાજ પાર્ટીના ચંદ્રશેખર આઝાદના 'સામાજિક પરિવર્તન મોરચા' ની સક્રિયતા અને લખનઉમાં યોજાયેલી સંયુક્ત રેલી બાદ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. એક તરફ ગઠબંધન દ્વારા દલિત-મુસ્લિમ પ્રતિનિધિત્વના દાવા થઈ રહ્યા છે, તો બીજી તરફ લખનઉ સહિતના વિસ્તારોમાં શરૂ થયેલા પોસ્ટર વોરે વિવાદનો મધપૂડો છંછેડ્યો છે.

લખનઉના બર્લિંગ્ટન ક્રોસિંગ ખાતે લગાવવામાં આવેલા વિવાદાસ્પદ પોસ્ટરોએ રાજકીય ચર્ચા જગાવી છે. આ પોસ્ટરોમાં સમાજવાદી પાર્ટી  ના અધ્યક્ષ અખિલેશ યાદવ અને વરિષ્ઠ નેતા આઝમ ખાનની તસવીરો પર લાલ રંગના ક્રોસના નિશાન દર્શાવી 2013ના મુઝફ્ફરનગર રમખાણોનો ઉલ્લેખ કરીને આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. પોસ્ટરમાં દંગા સમયની સ્થિતિ અને રાહત શિબિરોમાં બાળકોના મૃત્યુનો મુદ્દો ઉઠાવી રાજકીય નિશાન સાધવામાં આવ્યું હતું. આ ઘટનાક્રમ વચ્ચે બર્લિંગ્ટન ક્રોસરોડ પર લાગેલા પોસ્ટરો સમાજવાદી પાર્ટીના સમર્થકો દ્વારા ફાડી નાખવામાં આવ્યા હોવાની વિગતો પણ સામે આવી છે. જેનાથી સ્થાનિક સ્તરે રાજકીય તણાવ વધ્યો છે. જોકે, આ પોસ્ટરો કોણે લગાવ્યા તે અંગે સત્તાવાર સ્પષ્ટતા થઈ શકી નથી

જાહેરાત

બીજી તરફ, ઉત્તર પ્રદેશના વિવિધ ભાગોમાં અસદુદ્દીન ઓવૈસી વિરુદ્ધ અમને અમારા હાલ પર છોડી દો જેવા લખાણ ધરાવતા પોસ્ટરો લાગ્યા હોવાના અહેવાલો છે. જે મુસ્લિમ સમાજના આગેવાનો તરફથી લગાવાયા હોવાનો દાવો કરાયો છે. આ ઉપરાંત, આઝમ ખાને ઓવૈસીના પ્રવેશ પર હૈદરાબાદી બિરયાની અંગે કટાક્ષ કર્યો હતો, જેના જવાબમાં ઓવૈસીએ સ્પષ્ટતા કરી હતી કે આ મુદ્દો ખોરાકનો નહીં, પરંતુ લોકોના જીવ બચાવવા અને ન્યાય અપાવવાનો છે. ઓવૈસીએ 2013ના મુઝફ્ફરનગર રમખાણો દરમિયાન રાહત શિબિરોની મુલાકાત લીધાની યાદ પણ અપાવી હતી. આ સમગ્ર ઘટનાક્રમ દર્શાવે છે કે 2027ની ચૂંટણી પહેલાં ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ અને દલિત મતોના સમીકરણો સાધવા માટે પોસ્ટર વોર, શાબ્દિક પ્રહારો અને ગઠબંધનની રાજનીતિ વધુ તીવ્ર બની રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત