Video: સુપ્રીમના આદેશ બાદ તિરુપરંકુન્દ્રમ ટેકરી પર દીપ પ્રગટ્યો

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આખરે મદુરાઈના તિરુપરંકુન્દ્રમ ટેકરી પર વિવાદિત દીપથુન પથ્થરના સ્તંભ પર કાર્તિગાઈ દીપમ પ્રગટાવવામાં આવ્યું છે. શનિવારે સાંજે પાંચ વાગ્યે નિવૃત્ત ન્યાયાધીશોની દેખરેખ હેઠળ 50 ભક્તોની હાજરીમાં દીપ પ્રગટાવવાની ધાર્મિક વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. ચાર દિવસ અગાઉ સુપ્રીમ કોર્ટના આદેશ છતાં દીપ પ્રગટાવવામાં ન આવતા વિવાદ વકર્યો હતો.. ત્યારે શનિવારે આ વિધિ પૂર્ણ થતાં ટેકરી પર ધાર્મિક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.. મદ્રાસ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ એસ. વૈદ્યનાથન અને વી. પાર્થિબન ચેન્નાઈથી મદુરાઈ પહોંચ્યા હતા.. પરંપરાગત સંગીત સાથે માટીના દીવા, વાટ અને ઘી લઈને તેઓ ટેકરીની તળેટીએ પહોંચ્યા હતા.. મંદિરના વહીવટીતંત્રને સામગ્રી સોંપ્યા બાદ પૂજારીઓને કોપ્પરાઈ નામનું ખાસ તાંબાનું પાત્ર આપવામાં આવ્યું હતું.. પથ્થરના સ્તંભ પર દીવો પ્રગટાવવા કામચલાઉ પ્લેટફોર્મ અને પાલખ તૈયાર કરવામાં આવ્યા હતા.. અંદાજે 30 ગ્રામ ઘી, 50 મીટર લાંબી કપાસની વાટ અને પાંચ કિલોગ્રામ કપૂરની વ્યવસ્થા કરવામાં આવી હતી.. સાંજે પાંચ વાગ્યે દીપ પ્રગટાવવાની વિધિ પૂર્ણ થતાં સમગ્ર વિસ્તારમાં ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો..
દીપ પ્રગટાવવાની વિધિ દરમિયાન ટેકરી પર સવારથી જ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.. સીઆરપીએફની એક કંપની અને રેપિડ એક્શન ફોર્સના જવાનોને ટેકરી પર તૈનાત કરવામાં આવ્યા હતા.. ટેકરી તરફ જતા રસ્તાઓ પર બેરિકેડ લગાવવામાં આવ્યા હતા અને ભીડને નિયંત્રિત કરવા પોલીસ સતત નજર રાખી રહી હતી.. દીપ પ્રગટાવવાની વિધિ દરમિયાન પ્રવેશને લઈને ભાજપના કાર્યકરો અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી.. સ્થિતિને ધ્યાનમાં રાખીને તબીબી ટીમો અને એમ્બ્યુલન્સ પણ તૈનાત રાખવામાં આવી હતી.. જોકે દીપ પ્રગટાવવાની વિધિ દરમિયાન સ્થાનિક રહેવાસીઓ અને શ્રદ્ધાળુઓ દ્વારા સુરક્ષા જવાનો તથા તેમના વાહનો પર ફૂલો વરસાવી આવકાર આપવામાં આવ્યો હતો.. બીજી તરફ ટેકરીની નજીક આવેલી હઝરત સુલતાન સિકંદર બદુશા ઔલિયા દરગાહ પણ ખુલ્લી રાખવામાં આવી હતી.. સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર દરગાહની આસપાસ 50 મીટરની સુરક્ષા મર્યાદા રાખવામાં આવી હતી.. દીપ પ્રગટાવવાની વિધિ દરમિયાન મુસ્લિમ શ્રદ્ધાળુઓને દરગાહમાં પ્રવેશ કરી પ્રાર્થના કરવાની મંજૂરી આપવામાં આવી હતી.. જેથી એક તરફ ટેકરી પર દીપ પ્રગટાવવાની ધાર્મિક વિધિ ચાલી રહી હતી તો બીજી તરફ દરગાહમાં પણ શ્રદ્ધાળુઓ પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા..
તિરુપરંકુન્દ્રમનો આ વિવાદ હવે ધાર્મિક ઉપરાંત રાજકીય દૃષ્ટિકોણથી પણ ચર્ચામાં આવ્યો છે.. દીપ પ્રગટાવવાના મુદ્દે વિવિધ રાજકીય પક્ષો અને સંગઠનોના વલણને લઈને રાજ્યમાં ચર્ચા તેજ બની છે.. ત્યારે સમગ્ર ઘટનાની દેખરેખ અને વ્યવસ્થા માટે 13 સભ્યોની સમિતિ રચવામાં આવી છે.. આ સમિતિમાં નિવૃત્ત ન્યાયાધીશો વૈદ્યનાથન અને પાર્થિબન, મદુરાઈ જિલ્લા કલેક્ટર નિશાંત કૃષ્ણા, શહેર પોલીસ કમિશનર રાજેન્દ્રન, સીઆરપીએફના આઈજી તિરુમાલા વિક્રમ અને આઈજી મુકેશ કુમાર સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે.. સ્પેશિયલ મોનિટરિંગ ઓફિસર, મહેસૂલ વિભાગના અધિકારીઓ, મંદિરના પૂજારી અને અન્ય સભ્યો પણ સમિતિમાં સામેલ છે.. હવે સમિતિ સમગ્ર વ્યવસ્થા, સુરક્ષા અને સુપ્રીમ કોર્ટના નિર્દેશોના અમલ પર નજર રાખશે.. ત્યારે આ વિવાદનો આગામી તબક્કો કેવો રહે છે અને ધાર્મિક વિધિ બાદ રાજકીય ચર્ચા કઈ દિશામાં આગળ વધે છે તે જોવાનું રહેશે..









