એક પક્ષને મદદ કરવા 13 કરોડ મત કાપી નાખ્યા, સુપ્રીમના પૂર્વ જજના ચૂંટણી પંચ પર આરોપ

ભારતીય ચૂંટણી પંચ (ECI)ની કાર્યશૈલી પર સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ વી. ગોપાલા ગૌડાએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે, ચૂંટણી પંચે એક રાજકીય પક્ષને ફાયદો કરાવવાના હેતુથી પગલાં ભર્યા છે અને દેશની સાર્વભૌમત્વને હાઈજેક કરવાનો પ્રયાસ કર્યો છે. તેમનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે વિપક્ષી દળો દ્વારા મતદાર યાદીના વિશેષ સઘન સુધારણા (SIR) અભિયાન અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની ભૂમિકા સામે સતત પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે.
મતદાર યાદીમાંથી નામ કમી કરવાની પ્રક્રિયા સામે વાંધો
જસ્ટિસ ગોપાલા ગૌડાએ હાલમાં ચાલી રહેલી SIR પ્રક્રિયાની પદ્ધતિ સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે, મતદાર યાદી સુધારણાની આ પ્રક્રિયાનો ઉપયોગ મતદારોના નામ યાદીમાંથી હટાવવા માટે ન થવો જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે, સુપ્રીમ કોર્ટે SIRના તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, આ મુદ્દે દેશની સર્વોચ્ચ અદાલતમાં અગાઉથી જ અનેક અરજીઓ પડતર છે.
ચૂંટણી પંચ પર ગંભીર આરોપો અને બંધારણીય અધિકારની વાત
ચૂંટણી પંચની કામગીરીને ત્રાસદાયક ગણાવતા જસ્ટિસ ગૌડાએ આક્ષેપ કર્યો કે, પંચે SIRના નામે સમગ્ર દેશમાં 13 કરોડ લોકોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખ્યા છે. આ પગલું એક રાજકીય પક્ષને મદદ કરવા માટે લેવાયું હોવાનો દાવો કરતા તેમણે ઉમેર્યું કે, પુખ્ત વયના નાગરિકનો મત આપવાનો અધિકાર એ બંધારણીય અધિકાર છે. દેશની જનતા સર્વોપરી છે, સુપ્રીમ કોર્ટ કે ચૂંટણી પંચ નહીં. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ મામલે સમજદારીપૂર્વક નિર્ણય લેવામાં આવશે.
વધુમાં એક તપાસ અહેવાલના ખુલાસાનો ઉલ્લેખ કરતા જસ્ટિસ ગૌડાએ કહ્યું કે, મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) દ્વારા જે પ્રકારે સોગંદનામા દાખલ કરાયા અને નિવેદનો અપાયા, તેનાથી સ્પષ્ટ થાય છે કે પંચે SIRના મહત્ત્વના પાસાઓને ખોટી રીતે રજૂ કરીને આ નિર્ણય લીધો છે. તેમણે ઉમેર્યું કે, રાજકીય પક્ષો દ્વારા મોટી સંખ્યામાં ફોર્મ-7 જમા કરાવીને મતદારોના નામ કમી કરાવવા માટે આ પ્રક્રિયાનો ઉપયોગ ન થવો જોઈએ.
9 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટમાં મહત્ત્વપૂર્ણ સુનાવણી
SIR પ્રક્રિયા દરમિયાન મતદારોના નામ હટાવવા અને કથિત ગેરરીતિઓના આક્ષેપો અંગે સુપ્રીમ કોર્ટ આગામી 9 ડિસેમ્બરના રોજ સુનાવણી હાથ ધરશે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સહિત વિપક્ષના અનેક અગ્રણી નેતાઓએ આ પ્રક્રિયા વિરુદ્ધ અરજીઓ દાખલ કરી છે. અગાઉ મંગળવારે આ મામલે સુનાવણી થવાની હતી, પરંતુ અન્ય એક પડતર કેસના કારણે તેને મુલતવી રાખવામાં આવી હતી.
વિપક્ષી નેતાઓની અરજીમાં શું છે મુખ્ય માંગણી?
રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને માગણી કરી છે કે નાયબ ચૂંટણી કમિશનર, મુખ્ય ચૂંટણી કમિશનર અને બંને ચૂંટણી કમિશનરો સોગંદનામું દાખલ કરીને આ મુદ્દે જવાબ રજૂ કરે. અરજીમાં SIRને અપાયેલી મંજૂરી, મતદાર યાદીમાંથી નામ કમી કરવા અને ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં કરાયેલા ફેરફારો સામે સવાલ ઉઠાવાયા છે.
એક અહેવાલ પ્રમાણે, અરજદારોએ ઓનલાઈન ફોર્મ-6માં થયેલા ફેરફારો તેમજ ECI NET અને ERO NET મતદાર યાદી ડેટાબેઝની કામગીરી પર પણ શંકા વ્યક્ત કરી છે. આ કાયદાકીય લડતમાં રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સૌગત રોય, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, સંજય રાઉત, એમ.એ. બેબી, ડી. રાજા, મહુઆ માઝી, સુપ્રિયા સુલે, ઈ.ટી. મોહમ્મદ બશીર, થોલ થિરુમાવલવન અને સજ્જાદ અહેમદ કિચલુ સહ-અરજદાર તરીકે જોડાયા છે.
વિરોધ પ્રદર્શન અને CJPની સક્રિયતા
બીજી બાજુ, 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) પણ સક્રિય બની છે. આ પક્ષ દ્વારા મુંબઈથી વિરોધ પ્રદર્શનની શરૂઆત કરવામાં આવી હતી અને ઓક્ટોબર મહિનામાં દિલ્હી ખાતે પ્રદર્શન કરવાની જાહેરાત કરાઈ હતી. જોકે, ત્યારબાદ પક્ષના ત્રણ ટોચના નેતાઓ અભિજીત દીપકે, સૌરભ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત કરવામાં આવી હતી.












