Video: ઓડિશા મયુરભંજમાં દિવસે-દહાડે ₹૭ કરોડની દિલધડક લૂંટ: જ્વેલરી સ્ટોરના માલિક અને સ્થાનિકોએ પીછો કરીને ૪ લૂંટારાઓને ઝડપી પાડ્યા

સોર્સ: gstv

ઓડિશાના મયુરભંજ જિલ્લાના બારીપાડા ટાઉન પોલીસ સ્ટેશન નજીક આવેલા જ્વેલરી સ્ટોરમાં રદિવસે-દહાડે લૂંટની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. હથિયારધારી શખ્સોએ સ્ટોરના કર્મચારીઓ અને ગ્રાહકોને બંદૂકની અણીએ બંધક બનાવી, અંદાજે ૭ કરોડ રૂપિયાની કિંમતના સોના અને હીરાના ઘરેણાં લૂંટી લીધા હતા. જોકે, લૂંટ ચલાવીને બે મોટરસાયકલ પર ભાગી રહેલા છ લૂંટારાઓમાંથી ચારને સ્ટોરના માલિક અને સતર્ક સ્થાનિક લોકોએ નાટકીય પીછો કરીને ઝડપી પાડ્યા હતા

જ્વેલરી સ્ટોરમાં લગભગ ૧૦ કર્મચારીઓ અને સાત ગ્રાહકો હાજર હતા. ચહેરા ઢાંકેલા અને હથિયારોથી સજ્જ લૂંટારાઓએ સ્ટોરમાં ઘૂસીને ગ્રાહકો, ખાનગી સુરક્ષા રક્ષક અને સ્ટાફને બંદૂકની અણીએ એક જગ્યાએ બંધક બનાવી દીધા હતા. સ્ટોરના માલિકના દાવા મુજબ, લૂંટારાઓ ૫ કિલો સોનું અને 1 કરોડ 60 લાખ  રૂપિયાની કિંમતના હીરા લૂંટીને બે મોટરસાયકલ પર ફરાર થઈ ગયા હતા. લૂંટ થઈ ત્યારે સ્ટોરના માલિક ત્યાં હાજર નહોતા, પરંતુ સ્થાનિક વેપારીનો ફોન આવતા તેમને જાણ થઈ હતી. તેઓ તરત જ સ્ટોર તરફ દોડી આવ્યા અને લૂંટારાઓને બાઈક પર ભાગતા જોયા. માલિકે હિંમત દાખવીને પોતાની ગાડીમાં તેમનો પીછો કર્યો અને બે લૂંટારાઓને લઈ જતી મોટરસાયકલને ટક્કર મારી, જેના કારણે તેઓ નીચે પડી ગયા અને પકડાઈ ગયા. ત્યારબાદ, સતર્ક સ્થાનિક લોકોએ બીજી મોટરસાયકલનો પીછો કરીને વધુ બે લૂંટારાઓને ઝડપી લીધા હતા. પોલીસે સમયસર પહોંચીને આરોપીઓને ટોળાના હુમલામાંથી બચાવી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં હાલ તેમની સ્થિતિ સ્થિર છે.

જાહેરાત

ડીઆઈજી પિનાક મિશ્રાના જણાવ્યા અનુસાર, પકડાયેલા ચારેય આરોપીઓ પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર અને મહારાષ્ટ્રના રહેવાસી છે, જે આ એક આંતરરાજ્ય ગેંગ હોવાનું દર્શાવે છે. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી દોઢ કિલો સોનું અને 300 ગ્રામ વજનના હીરા રિકવર કર્યા છે. પ્રાથમિક પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે લૂંટના થોડા દિવસો પહેલાં ગેંગના સભ્યો જ્વેલરી સ્ટોર પર ગયા હતા, જ્યાં તેમણે સંભવતઃ સ્ટોરની રેકી કરી હતી અને જગ્યાથી પરિચિત થયા હતા. હાલ ગેંગના અન્ય બે સભ્યો બાકીના લૂંટેલા ઘરેણાં સાથે ફરાર છે, જેમને ઝડપી પાડવા અને મુદ્દામાલ રિકવર કરવા માટે પોલીસે સઘન તપાસ અભિયાન શરૂ કર્યું છે. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ચારેય આરોપીઓની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે...

પોલીસ સ્ટેશનની નજીક જ દિવસે-દહાડે બનેલી આ લૂંટની ઘટનાએ કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે, પરંતુ સ્ટોર માલિકની હિંમત અને સ્થાનિક લોકોની સતર્કતાએ ચાર લૂંટારાઓને ભાગતા અટકાવી દીધા છે. પોલીસની ટીમો ફરાર થયેલા બે આરોપીઓ અને બાકીના કરોડોના ઘરેણાં શોધવા માટે વિવિધ દિશામાં દરોડા પાડી રહી છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત