Video: દક્ષિણ-પશ્ચિમ દિલ્હીમાં કચરાના નિકાલના વિવાદમાં ફાયરિંગ: BSF જવાનના ઘરની બહાર ગુનેગારે ત્રણ રાઉન્ડ ગોળીબાર કર્યો

સોર્સ: gstv

દક્ષિણ-પશ્ચિમ દિલ્હીમાં કચરાના નિકાલ જેવી સામાન્ય બાબતે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. દ્વારકાના છાવલા વિસ્તારમાં આવેલા દિનપુર એક્સ્ટેન્શનમાં ગુનેગારે બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે BSFના જવાનના ઘરની બહાર ગોળીબાર કર્યો હોવાની ઘટના સામે આવી છે. સદનસીબે આ ફાયરિંગમાં પરિવારના કોઈ સભ્યને ઈજા થઈ નથી, પરંતુ ઘટનાસ્થળેથી ત્રણ ખાલી કારતૂસ મળી આવ્યા છે. ઘટના બાદ આરોપી તેના સાથીદારો સાથે મોટરસાયકલ પર ફરાર થઈ ગયો હતો. 

દિલ્હીમાં દિવસે અને દિવસે ગુનાખોરી વધી રહી છે. સરહદની રક્ષા કરતા જવાનના નિવાસસ્થાન પર જ કેટલાક અસામાજીક ત્તત્વો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું..પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના છાવલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગુનેગાર તેના કેટલાક સાથીદારો સાથે મોટરસાયકલ પર BSF જવાનના ઘરની બહાર પહોંચ્યો હતો. ત્યાં પહોંચીને તેણે પરિવારને ગાળો આપી હતી અને ઘરની બહાર ગોળીબાર કરીને ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ જવાનના ૨૪ વર્ષીય પુત્રએ પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન કરીને સમગ્ર બાબતની જાણ કરી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે એક શખ્સે તેમના ઘરની બહાર ફાયરિંગ કર્યું છે અને ગાળો આપીને ભાગી ગયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરતા સ્થળ પરથી ત્રણ ખાલી કારતૂસ મળી આવ્યા હતા.

જાહેરાત

પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે આરોપી અને ફરિયાદી બંને પાડોશી છે. બંને પરિવારો વચ્ચે લાંબા સમયથી કચરાના નિકાલને લઈને વિવાદ ચાલી રહ્યો હતો, જેની અદાવત રાખીને આ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. ફરિયાદી યુવક નોઈડામાં અભ્યાસ કરે છે, જ્યારે તેના પિતા પંજાબના ફાઝિલ્કામાં BSFમાં ફરજ બજાવે છે અને તેની માતા ગૃહિણી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ પરિવાર છેલ્લા ત્રણ વર્ષથી દિનપુર એક્સ્ટેન્શનના આ સરનામે રહે છે. ઘટનાની ગંભીરતાને જોતા ક્રાઈમ ટીમ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના કર્મચારીઓએ ઘટનાસ્થળની ઝીણવટભરી તપાસ કરીને મહત્વના પુરાવા એકત્ર કર્યા છે. હાલ પોલીસ આ ઘટના સાથે સંકળાયેલા તમામ સંજોગોની તપાસ કરી રહી છે અને ફરાર આરોપી તેમજ તેના સાથીદારોને ઝડપી પાડવા માટે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે.

દેશની સરહદનું રક્ષણ કરતા BSF જવાનના પરિવારના ઘરની બહાર કરવામાં આવેલા ગોળીબારની આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કર્યો છે. કચરાના નિકાલના વિવાદમાં કાયદો હાથમાં લેનારા આરોપી સામે પોલીસે તપાસ તેજ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત